સૌરાષ્ટ્ર મેલમાંથી 10 કિલો સોનુ અને 25 કિલો ચાંદી સાથે વાંકાનેર ખાતે ઝડપાયેલા ત્રણેય રાજકોટવાસીની ઉંડી પૂછપરછ
જામનગર: કસ્ટમે સૌરાષ્ટ્ર મેઈલમાંથી સોના ચાંદીની હેરાફેરી કરતા ત્રણ શખ્સોને દબોચી લીધા છે. પાક્કી બાતમીના આધારે મુંબઈથી રાજકોટ આવી રહેલા ત્રણ શખ્સોની વાંકાનેર રેલવે સ્ટેશન પરથી અટકાયત કરી લેવામાં આવી હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યુ છે કે, ત્રણેય પાસેથી 10 કિલો સોનુ અને 25 કિલો ચાંદીનો જથ્થો જપ્ત કરાયો છે.
જોકે આ મામલે સબંધિત અધિકારીઓ કઈ બોલવા તૈયાર નથી. હાલ આ પ્રકરણ અંગે કસ્ટમ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત અનુસાર જામનગર કસ્ટમે રેલવેમા થતી સોના ચાંદીની હેરાફેરનો પર્દાફાશ કર્યો છે. રેલવેમાં સોના ચાંદી સહિતના જથ્થાની જામનગર કસ્ટમના અધિકારીઓને બાતમી મળી હતી. જેને લઈને જામનગર કસ્ટમની ટીમ દ્વારા મુંબઈથી જામનગર તરફ આવી રહેલ સૌરાષ્ટ્ર મેલમા તપાસ આદરી હતી.
જ્યા વાંકાનેર રેલવે સ્ટેશન પર તપાસ દરમિયાન રાજકોટના ત્રણ વ્યક્તિઓ શંકાસ્પદ હિલચાલ કરતા નજરે ચડયા હતા. જેને લઈને તેની તલાશી લેતા આ તમામ પાસેથી અંદાજે 10 કિલો સોનું અને 25 કિલો ચાંદીનો જથ્થો મળી આવ્યો હોવાનું જણાય રહ્યું છે.
તમામની અટકાયત કરી જરૂરી પુરાવા માંગવામાં આવ્યા હતા. જો કે બિલ સહિતના પુરાવા ન હોવાથી ત્રણેયને કસ્ટમ ઓફિસે લાવવામાં આવ્યા હતા. હાલ તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
સોના ચાંદીનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોણે મંગાવ્યો હતો? તે સહિતની દિશામાં તપાસ લંબાવાઈ રહી છે.
મહત્વનું છે કે, દિવાળીના તહેવારોને લઈને રાજકોટ સહિતના સૌરાષ્ટ્ર ભરના વેપારીઓ દ્વારા મુંબઈથી સોનાના દાગીના સેમ્પલના ભાગરૂપે આયાત કરતા હોય છે. પરંતુ હાલ આ જથ્થાના બિલ પુરાવા અંગે કસ્ટમે કોઈ ફોડ પાડ્યો નથી.