ડીડીઓ-વિકાસ કમિશનરને વધુ સત્તા
તપાસનીશ અધિકારીઓ સુઓમોટો પણ કરી શકશે
સરપંચ-જીલ્લા-તાલુકા પંચાયતોના પ્રમુખ-સભ્યોના ભ્રષ્ટાચાર-ગેરરીતિ-બેદરકારીને લગતા કાયદામાં નવી જોગવાઈઓનો ઉમેરો
ગ્રામ પંચાયતથી માંડીને જીલ્લા પંચાયત સુધીની સંસ્થાઓમાં ગેરરીતિ-બેદરકારી સંબંધી ફરિયાદો વખતોવખત ઉઠતી હોય છે અને પદાધિકારીઓ સામે પણ આંગળી ચિંધાતી હોય છે ત્યારે આવી ફરિયાદોની તપાસ ત્રણ માસમાં પુર્ણ કરવા સહિતના કેટલાંક કડક સુધારા કાયદામાં કરવામાં આવ્યા છે. રાજય સરકારે સુધારેલા નિયમનો ગેઝેટમાં પ્રકાશિત કર્યા છે.
પંચાયતોમાં ભ્રષ્ટાચાર-ગેરરીતિ સહિતની તપાસ માટે જીલ્લા વિકાસ અધિકારીઓ તથા વિકાસ કમીશ્નરને કાયદામાં અધિકારો આપવામાં આવ્યા જ હતા. હવે સુધારેલ નિયમોમાં સતા વધારવાની સાથોસાથ તપાસ માટે સમયમર્યાદા નકકી કરવામાં આવી છે. ગ્રામ કે તાલુકા પંચાયતના હોદેદાર કે સભ્ય સામે ભ્રષ્ટાચાર-ગેરરીતિ-બેદરકારી કે અન્ય વાંધાજનક કૃત્યો સામે તપાસની સતા સંબંધીત જીલ્લા વિકાસ અધિકારી પાસે તથા જીલ્લા પંચાયતના પદાધિકારી કે સભ્ય સામેના તપાસના અધિકાર વિકાસ કમિશ્ર્નર સામે છે.
કોઈ વાંધાજનક કૃત્યની ફરિયાદ થાય તો પ્રવર્તમાન કાયદા હેઠળ તપાસની કોઈ મર્યાદા ન હતી. પરંતુ નવા સુધારા હેઠળ ત્રણ મહિનાની મર્યાદા નકકી કરવામાં આવી છે. તપાસ પ્રક્રિયા પણ નિયત કરવામાં આવી છે. જે દરમ્યાન સંબંધીત સભ્ય-પદાધિકારીને તપાસના સંજોગોમાં શોકોઝ નોટીસ મોકલીને ખુલાસા માટે 15 દિવસનો સમય આપવાનો રહેશે. સુનાવણી માટે ત્રણ તક આપવાની રહેશે તેમાં હાજર ન થાય તો એક તરફી નિર્ણયની સતા રહેશે.
સક્ષમ અકિરીના નિર્ણય-ચુકાદા પર અપીલ કરવામાં આવે તો તેનો પણ નિકાલ કરવા માટે ચાર માસની મર્યાદા નકકી કરવામાં આવી છે. આ સિવાય જીલ્લા વિકાસ અધિકારી તથા વિકાસ કમીશ્નરને કોઈપણ ગેરરીતિ-ભ્રષ્ટાચાર, બેદરકારી, ગેરવર્તણુંક કે સતાના દુરુપયોગ જેવા કિસ્સાઓમાં સુઓમોટો લેવાની અર્થાત પોતે જ સીધી કાર્યવાહી કરી શકે તેવી સતા આપવામાં આવી છે. પંચાયત વિભાગ દ્વારા જારી કરાયેલા આ નોટીફીકેશનમાં દર્શાવ્યા મુજબ ભ્રષ્ટાચાર-ગેરરીતિ કે અન્ય કૃત્યોમાં દોષિત ઠરતા હોદેદાર-સભ્યને પદ દુર કરવાની સતા રહેશે. ફરિયાદની તપાસ માટેના માપદંડો પણ દર્શાવવામાં આવ્યા છે. ફરિયાદમાં પુરાવા ઉપરાંત ફરિયાદીની ઓળખ જરૂરી છે. ડીજીટલ ફરિયાદના સંજોગોમાં સાત દિવસમાં સંબંધીત પુરાવા આપવાના રહેશે.
સામાન્ય લોકો કે અન્ય સભ્ય-હોદેદાર સહિત કોઈપણની ફરિયાદ હોય તો ઉક્ત પ્રક્રિયા અનુસરવાની રહેશે. કચેરીના ઈન્સ્પેકશન અથવા વિધાનસભામાં ફરિયાદ ઉઠે અથવા વિશ્વાસપાત્ર કે જાણીતા સ્ત્રોતમાંથી વાંધાજનક કૃત્ય માલુમ પડવાના સંજોગોમાં તપાસ થઈ શકશે.
ભ્રષ્ટાચાર કે અન્ય કોઈ ફરિયાદ કરનાર ફરિયાદીની ફરિયાદ ખોટી નિકળવાના સંજોગોમાં તેની સામે પણ પગલા કાર્યવાહીની પ્રક્રિયા નિયત કરવામાં આવી છે. ફરિયાદ ખોટી અને બદનામ કરવાના ઈરાદાથી થઈ હોય તો પ્રથમ તબકકે લેખિત ચેતવણી આપી શકાશે. એક વર્ષ સુધી તેને ફરિયાદ કરવા પર પ્રતિબંધ મુકી શકાશે. પોલીસ ફરિયાદની પણ જોગવાઈ છે. જો કે, સારા ઈરાદાથી ફરિયાદ હોય તો કોઈ પગલા નહી લેવાય.
