મુસ્લિમ મહિલાને આગોતરા જામીન આપતી વખતે બોમ્બે હાઈકોર્ટની ટિપ્પણી
જો કોઈ છોકરી અને છોકરો અલગ અલગ ધર્મ અને એકબીજાના પ્રેમમાં હોય તો તેને લવ જેહાદ કહેવું યોગ્ય નહીં ગણાય. આવા દરેક કિસ્સાને ધાર્મિક દૃષ્ટિકોણથી જોવું ખોટું છે.
લવ જેહાદના આરોપોના કેસની સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે આ અવલોકન કર્યું હતું.

વિભા કાંકણવાડી અને અભય વાગ્વશેની ડિવિઝન બેંચે જણાવ્યું હતું કે મુસ્લિમ મહિલાને આગોતરા જામીન આપતી વખતે આ ટિપ્પણી કરવામાં આવી હતી. વાસ્તવમાં મહિલા પર તેના હિન્દુ બોયફ્રેન્ડે આરોપ લગાવ્યો હતો કે તેની મુસ્લિમ ગર્લફ્રેન્ડ અને તેના પરિવારે મુસ્લિમ બનવા માટે દબાણ કર્યું હતું. આ અંગે સુનાવણી કરતા હાઇકોર્ટની ખંડપીઠે જણાવ્યું હતું કે એફઆઇઆરમાં તે વ્યક્તિએ પોતે જ મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાની વાત સ્વીકારી હતી.

આ કેસમાં ઔરંગાબાદની સ્પેશિયલ કોર્ટે મહિલા અને તેના પરિવારને આગોતરા જામીન આપવાનો ઇન્કાર કરી દીધો હતો. આ નિર્ણયને પલટાવવાનો આદેશ આપતા હાઈકોર્ટે કહ્યું કે, એવું લાગે છે કે હવે આ કેસને લવ જેહાદનો રંગ આપવામાં આવી રહ્યો છે. પરંતુ જ્યારે બંને પ્રેમમાં પડ્યાં અને બંને વચ્ચે સંબંધ બંધાયો ત્યારે એવું નહોતું. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સ્વયંભૂ આગળ વધી ગયો હતો. છોકરા અને છોકરીનો ધર્મ અલગ હોય તો તેને સાંપ્રદાયિક એંગલ આપવો યોગ્ય નથી. તે બંને વચ્ચે શુદ્ધ પ્રેમની બાબત પણ હોઈ શકે છે.

મહિલાના હિન્દુ બોયફ્રેન્ડે આરોપ લગાવ્યો હતો કે યુવતીનો પરિવાર તેના પર ઈસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કરી રહ્યો છે. તેણીએ કહ્યું હતું કે તેની પણ બળજબરીથી સુન્નત કરવામાં આવી હતી. તેમણે આ કેસને લવ જેહાદ ગણાવતા કહ્યું હતું કે મારી ગર્લફ્રેન્ડના પરિવાર માટે કેટલાક પૈસાની વ્યવસ્થા કરવા માટે મારા પર પણ દબાણ કરવામાં આવ્યું હતું. આ વ્યક્તિએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેની જાતિનું નામ લઈને તેની સાથે ઘણીવાર દુર્વ્યવહાર કરવામાં આવતો હતો.

કેસ મુજબ દલિત યુવક અને મુસ્લિમ છોકરી માર્ચ 2018થી રિલેશનશીપમાં હતા પરંતુ તેણે મહિલાને આ વિશે જણાવ્યું ન હતું. પરંતુ બાદમાં મહિલાએ તેને ઇસ્લામ ધર્મ અંગીકાર કરીને લગ્ન કરવા માટે કહેવાનું શરૂૂ કર્યું હતું. આ અંગે યુવકે પોતે દલિત સમાજનો હોવાનું જણાવ્યું હતું. આ પછી પણ મહિલાના પરિવારજનોએ દીકરીને તેનો સ્વીકાર કરવા સમજાવી હતી. કોર્ટે કહ્યું કે સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે બંને વચ્ચે સારા સંબંધો હતા અને મહિલાના પરિવારે પુરુષની જાતિ અને ધર્મને આડે આવવા દીધો ન હતો (માહિતી સ્ત્રોત: ગુજરાત મિરર)