માટેલ મંદિર દ્વારા ૧૫૦૦ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા
જીતુભાઇ સોમાણીનો સેવાયજ્ઞ : ૬૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરાવીને જમાડયા
ગર્લ્સ હાઈસ્કૂલમાં ૪૫૦ તથા તાલુકાના ભોજપરા પ્રા. શાળામાં ૧૫૦ લોકોને ખસેડાયા
વાંકાનેર: વાવાઝોડું ત્રાટકવાની શક્યતાને પગલે વહીવટી તંત્ર તમામ સાવચેતીના પગલા લઇ રહ્યું છે અને દરિયાકાંઠે વસતા લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે, ત્યારે વાંકાનેર માટેલ મંદિર ખાતે ૧૫૦૦ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.
અસરગ્રસ્તો માટે ભોજનની વ્યવસ્થા કરવાની જીલ્લા કલેકટરની સુચના અન્વયે માટેલ ખોડીયાર માતાજી મંદિરના પુજારી દ્વારા ૧૫૦૦ ફૂડ પેકેટ તૈયાર કરી દેવામાં આવ્યા છે આશ્રય સ્થાન ખાતે રહેનાર અસરગ્રસ્તોને જરૂરત પડ્યે તૈયાર કરેલ ફૂડ પેકેટ પહોંચાડવામાં આવશે.
જીતુભાઇ સોમાણી: વાવાઝોડાને પગલે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીની આગેવાનીમાં શહેર તથા તાલુકાના નિરાશ્રિતો તેમજ ઝૂંપડપટ્ટી તથા કાચા મકાનોમા રહેતા લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી.
ધારાસભ્ય સોમાણીના માર્ગદર્શન હેઠળ શહેરના દરેક વિસ્તારમાં રિક્ષા ફેરવી લોકોને સલામત જગ્યાએ રહેવા અપીલ કરવામાં આવી હતી તેમજ સોમાણીની સૂચના ને અનુસંધાને ભાજપના શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી દ્વારા સંગઠનની ટીમ દ્વારા શહેરમાંથી
અસરગ્રસ્તો માટે શહેરની ગર્લ્સ હાઈસ્કૂલમાં લોકોને ખસેડાયા હતા. હાલ કાચા મકાનો તેમજ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા તેમજ ખુલ્લમાં રહેતા પરપ્રાંતીઓ સહિત ૪૫૦ લોકોને પાલિકા સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલમાં ખસેડાયા હતા.
જ્યાં ધારાસભ્યના સીધા માર્ગદર્શન હેઠળ રહેવા સાથે ગરમા ગરમ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ તાલુકાના ભોજપરા ખાતે પ્રાથમિક શાળામાં ૧૫૦ લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે જ્યાં તમામ લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ધારાસભ્ય જીતુભાઇ સોમાણી દ્વારા શહેર તથા તાલુકાના પ્રજાજનોને સલામત સ્થળે રહેવાની અપીલ કરવામાં આવી છે. જરૂર જણાયે કોઈ પણ પ્રકારની મુશ્કેલી સર્જાય તો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. ધારાસભ્યના સેવાયજ્ઞમા પાલિકા તંત્ર, હાઇસ્કુલ સ્ટાફ જોડાયો હતો. મહિલા કર્મચારીઓ દ્વારા જાતે રસોઈ બનાવી લોકોને જમવાની વ્યવસ્થા સંભાળી હતી.
વધુમાં જીતુભાઇ સોમાણીએ હજુ વધુ લોકોને સલામત સ્થળે ખસેડવા માટે લોહાણા સમાજની વાડી તેમજ અન્ય વાડીઓ ખુલ્લી મુકાવી છે.