જીતુ સોમાણી શાક માર્કેટમાં બેસી મોટી વાતો જ કરે છે: આપ
વીસાવદરથી ચૂંટણી જીતીને નવા નવા ધારાસભ્ય બનેલા ગોપાલ ઈટાલિયા અને મોરબીથી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો એકબીજાને પડકાર આપી રહ્યા છે. રાજીનામું આપીને સામસામે ચૂંટણી લડવાનો એકબીજાને પડકાર ફેંક્યો છે. હવે ચેલેન્જની રાજનીતિમાં ગુજરાતના વધુ એક ધારાસભ્યની એન્ટ્રી થઈ છે. વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ ગોપાલ ઈટાલિયાને પડકાર આપ્યો છે.
વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ ઈટાલિયાને પડકાર આપતા જણાવ્યું છે કે ઈટાલિયા મોરબીથી ચૂંટણી લડે તો હું વાંકાનેરમાં રાજીનામું આપીશ. અમૃતિયા બાદ ભાજપના ધારાસભ્ય સોમાણી પડકારમાં જોડાતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. જીતુ સોમાણી હાથી અને શ્વાનને પણ રાજનીતિમાં ઢસડી લાવ્યા છે. મોરબીની પીચ પર ગોપાલ ઈટાલિયાને ચૂંટણી લડવાની ચેલેન્જ આપી છે.



સામા પક્ષે વાંકાનેરની આમ આદમી પાર્ટીની ટીમે એક વિડીયો જાહેર કરી તેમાં જણાવ્યું છે કે રાતીદેવડીવાળો બાયપાસનો પુલ ઘણા સમયથી તૂટી ગયો છે. ધારાસભ્ય તેનું પણ સમારકામ કરાવી શકતા નથી. પુલની નીચે પાણી નથી, છતાં કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી. વધુમાં જણાવ્યું કે અમે પણ ચેલેન્જ આપીએ છીએ ધારાસભ્ય તમે પણ રાજીનામું આપી દયો. અમારા રણછોડભાઈ તમને કાફી છે. અમે પ્રદેશમાંથી કોઈ નેતાને પણ નહીં બોલાવીએ. પ્રજાએ 5 વર્ષ કામ કરવા માટે આપ્યા છે. તો લોકોના કામ કરો. શાક માર્કેટમાં બેસી મોટી વાતો કરવા માટે પ્રજાએ તમને ચૂંટયા નથી. અત્યારે વાંકાનેરના ઠેર ઠેર રસ્તામાં ખાડા, પાણી ભરાઈ જવાની સમસ્યા છે. તમે વચનો આપ્યા છે તે પણ પુરા કર્યા નથી…