17 વાહનો, પરિવાર પાસે 4 હથિયાર
44 લાખ 55 હજાર રૂપિયાના સોના-ચાંદીના દાગીના, 5 કરોડનો મુંબઈમાં ફ્લેટ
તેમનાં પત્ની યોગિનીકુમારી મુંબઈમાં એક ફ્લેટમાં 50 ટકા હિસ્સો, જેની કિંમત 5 કરોડ 50 લાખ
વાંકાનેર પેલેસ વર્ષ 1907 માં બન્યો હતો, કોલેજમાં પહેલાં નોન ઇંગ્લિશ કેપ્ટન, સાસરિયાં પક્ષમાં મહારાજ રઘુવીરસિંહ મોટા ઇતિહાસકાર છે
તાજેતરમાં રાજ્યસભ્યનાં સાંસદ બનેલા વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહની મુલાકાત દિવ્ય ભાસ્કરે લીધેલી, જે સાભાર પ્રગટ કરીયે છીએ.
કેસરીદેવસિંહની મિલકત કેટલી?
રાજ્યસભાના નવા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા રાજ પરિવારમાંથી આવે છે. કેસરીદેવસિંહે પોતાની અને પત્નીની સ્વપાર્જિત તથા પૈતૃક વારસામાં મળેલી મિલકત 32 કરોડ 56 લાખ રૂપિયા દર્શાવી છે.
કેસરીદેવસિંહ પાસે આવું છે કાર કલેક્શન
વાંકાનેરના રાજ પરિવારમાંથી આવતા કેસરીદેવસિંહે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે સોગંદનામું રજૂ કર્યું હતું. આ સોગંદનામા પ્રમાણે તેમની પાસે સ્વપાર્જિત 9 જ્યારે વડીલોપાર્જિત (બાપદાદાના વારસામાં મળેલું) 8 વાહનો છે. સ્વપાર્જિત વાહનોમાં 56 લાખ 71 હજારની મર્સિડિઝથી લઈ 7 લાખ 77 હજાર રૂપિયાની પજેરો સહિતનાં વાહનનો સમાવેશ થાય છે. માત્ર એટલું જ નહીં, રૂપિયા 3380ની કિમતનું સ્પ્લેન્ડર પણ છે. જ્યારે વડીલોપાર્જિત વાહનોમાં 22 ફેબ્રુઆરી, 1951માં ખરીદેલી 20 લાખ રૂપિયાની રોલ્સ રોય, 1951માં તે જ દિવસે ખરીદેલી 10 લાખની બ્યૂક, 1952માં ખરીદેલી સુપરફોર્ડ, વર્ષ 1951ની કસ્ટમ ફોર્ડ અને જીપ વિલિયસ, તથા 1961ની જીપ વિલિયસ અને 1970માં જીપ ખરીદેલી છે. આમ તેમની પાસે વિન્ટેજ કારનું પણ કલેક્શન છે.
સોના અને ઝવેરાત
સોના અને ઝવેરાતની વાત કરીએ તો કેસરીદેવસિંહ પાસે 19 લાખ 80 હજારના 360 ગ્રામના દાગીના છે. તેમજ તેમનાં પત્નીયોગિનીકુમારી પાસે 450 ગ્રામ દાગીના છે. જેની કિંમત 24 લાખ 75 હજાર રૂપિયા છે. આમ કુલ 44 લાખ 55 હજાર રૂપિયાના સોના-ચાંદીના દાગીના છે.
કેસરીદેવસિંહના પરિવાર પાસે 4 હથિયાર
રાજ પરિવારમાં જન્મેલા કેસરીદેવસિંહ પાસે વડીલોપાર્જિત 1 ગન છે. જેની કિંમત 2 લાખ છે. તેમજ તેમનાં પત્ની યોગિનીકુમારી પાસે 2 લાખ રૂપિયાની રાઇફલ, 2 લાખની ગન, 50 હજારની 32 બોર પિસ્તોલ છે. આમ પતિ અને પત્ની પાસે કુલ 4 હથિયારો છે. ઉલ્લેખનીય છે કે, કેસરીદેવસિંહ સામે કોઈપણ પ્રકારનો ગુનો દાખલ થયેલો નથી.
જ્યારે રહેણાક મકાનો અંગે કેસરીદેવસિંહે જાણકારી આપી છે કે તેમની પાસે મુંબઈમાં 1250 સ્ક્વેર ફૂટનો ફ્લેટ છે. જે ભેટમાં મળ્યો છે. જેની બજાર કિંમત 5 કરોડ છે. તેમનાં પત્ની યોગિનીકુમારી મુંબઈમાં આવેલા 1600 સ્ક્વેર ફૂટના એક ફ્લેટમાં 50 ટકા હિસ્સો ધરાવે છે. જેની કિંમત 5 કરોડ 50 લાખ છે. તેમના વતન વાંકાનેરમાં 621 સ્ક્વેર ફૂટનો ફ્લેટ છે. જેની કિંમત 12 લાખ 18 હજાર 500 છે. વ્યવસાય અને ધંધામાં કેસરીસિંહે પોતાને બિલ્ડર અને ડેવલપર ગણાવ્યા છે. તેમજ CNG પંપ અને હોટેલ પણ ચલાવે છે.
કોલેજમાં પહેલાં નોન ઇંગ્લિશ કેપ્ટન
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કેસરીસિંહે જણાવ્યું હતું, ‘મેં ઇંગ્લેન્ડમાં ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. નાની ઉંમરથી ક્રિકેટનો શોખ હતો. શાળામાં ક્રિકેટ રમતો હતો. ઇંગ્લેન્ડ ખાતે કોલેજમાં પણ હું સૌપ્રથમ નોન ઇંગ્લિશ કેપ્ટન બન્યો હતો. બાદમાં વાંકાનેરમાં છેલ્લાં 25 વર્ષથી સ્થાનિક રમતવીરો માટે ક્રિકેટ ક્લબ પણ વિનામૂલ્યે ચલાવીએ છીએ. મોરબી જિલ્લો રાજકોટમાંથી અલગ થયો ત્યારે મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિયેશનની પ્રથમ ટીમનો હું કેપ્ટન હતો.’
‘અમારી જૂની મિલકત છે જેને ટૂરિઝમ માટે વિકસિત કરી છે. વાંકાનેર પેલેસ વર્ષ 1907માં બન્યો હતો. મોટી જગ્યામાં આ મહેલ ફેલાયેલો છે. પાછળ ડુંગરાળ વિસ્તાર છે એટલે કુદરતી સૌંદર્યને ધ્યાનમાં રાખીને મહેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. એ સમયની પરિસ્થિતિ પ્રમાણે સ્થાનિક બેલાથી આખું ચણતર થયું છે. આ પેલેસમાં ઇટાલિયન માર્બલ, સ્ટિક, બેલ્જિયમ ગ્લાસ વગેરે વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મહેલમાં ઘણી ફિલ્મોનું શૂટિંગ થયું છે. મટરુ કી બિજલી કા મંડોલા, ગેસ લાઈટ જેવી ફિલ્મના શૂટિંગ માટે કલાકારો મોરબી આવ્યા હતા. હવે OTT પર આવતા શો પણ શૂટ પણ થઇ રહ્યા છે.’
લગ્ન અંગે વાત કરતા કેસરીદેવસિંહે કહ્યું હતું, ‘મારાં લગ્ન સિરોહી સ્ટેટમાં થયાં છે. મારાં પત્નીએ બેંગ્લોર અને ત્યાર બાદ વિદેશમાં અભ્યાસ કર્યો છે. સાસરિયાં પક્ષમાં મહારાજ રઘુવીરસિંહ મોટા ઇતિહાસકાર છે, તેમને પદ્મશ્રી સહિત ઘણા એવોર્ડ મળ્યા છે.’
‘મારી પાસે સિલ્વર રોલ્સ રોય ગોસ કાર છે. જેને અમે ઑરિજિનલ સ્થિતિમાં રાખી છે. વર્ષ 2017માં કાર્ટિયર કોન્કોસ નામનો જૂની એન્ટિક કાર માટે શો છે જેમાં બેસ્ટ પ્રિઝર્વ કાર યુનેસ્કો તરફથી એવોર્ડ મળ્યો હતો. બાદમાં અમેરિકામાં એન્ટિક કારના શોમાં આમંત્રણ મળ્યું હતું. જ્યાં પણ યુનેસ્કોનો બેસ્ટ પ્રિઝર્વ કારનો એવોર્ડ મળ્યો છે. કારનો શોખ મારા દાદા પ્રતાપસિંહ બાપુને શોખ હતો અને મોટાભાગની ગાડી એમના સમયમાં લીધી છે. અમારી પાસે વર્ષ 1940ની ફોર્ડ, વર્લ્ડ વોર સમયની જીપ, જૂની બગી છે. આવાં અનેક એન્ટિક વાહનો છે.’
દાદાને પ્રજાએ કહ્યું હતું, તમે ધારાસભ્ય બનો
‘મારા દાદા પ્રતાપસિંહ બાપુ વાંકાનેર મત વિસ્તારના સૌથી પહેલા ધારાસભ્ય હતા. આઝાદી પછી, રાજવાડું ભારતમાં ભળ્યું પછી વાંકાનેરનું સંચાલન કરી શકે એવું કોઈ હતું નહીં એટલે વાંકાનેરની પ્રજાએ મારા દાદાને અપીલ કરી હતી કે તમે ધારાસભ્ય બનો. તેઓ બિનહરીફ ચૂંટાયા હતા અને એક ટર્મ સેવા આપી હતી. જેમ સરકારી વ્યવસ્થા તંત્ર મજબૂત થયા પછી તેઓ બીજી વખત ચૂંટણીમાં ઊભા રહ્યા નહોતા.’
‘મારા પિતા દિગ્વિજયસિંહ રાજકીય, સામાજિક ક્ષેત્રમાં ખૂબ સક્રિય હતા. વાંકાનેર મત વિસ્તારના બે ટર્મ ધારાસભ્ય અને સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારના બે ટર્મ સાંસદ રહી ચૂક્યા હતા. કેન્દ્ર સરકારમાં પર્યાવરણ વિભાગના પ્રથમમંત્રી હતા. જો આજે એ હોત તો હું રાજ્યસભાનો સાંસદ બન્યો એ જાણીને સૌથી રાજી થયા હોત.’
તત્કાલીન મુખ્યંમત્રી મોદીએ ભાજપમાં આવકાર્યા હતા
‘હાલના વડાપ્રધાન અને વર્ષ 2011માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો વાંકાનેર પેલેસમાં કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં 26 રાજવી પરિવાર હાજર હતા. મુખ્યમંત્રી તરીકે 10 વર્ષ પૂરાં થવા નિમિત્તે સન્માન કાર્યક્રમ યોજાયો હતો ત્યારે નરેન્દ્ર મોદીના હસ્તે જ ખેસ પહેરાવી મને ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. એ સમયે મોદી સાહેબે લોકહિત માટે, દેશ માટે, પક્ષ માટે આખી જિંદગી કેવી રીતે જીવી છે એ વાતોનો ઉલ્લેખ કરતો એક સન્માનપત્ર રાજવી પરિવારે તૈયાર કર્યો હતો. તેમણે કરેલાં કામોને જોઈને દેશ ચલાવવા માટે તેઓ સૌથી યોગ્ય વ્યક્તિ છે એવો પણ સન્માનપત્રમાં ઉલ્લેખ કર્યો હતો.’
‘ભાજપમાં રહીને વર્ષ 2011થી 2023 સુધી કામ કર્યું છે. રાજકોટ જિલ્લામાં (વાંકાનેર રાજકોટ જિલ્લામાં આવતું હતું ત્યારે) જિલ્લા સંગઠનમાં કામ કર્યું છે. બે વર્ષ અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વાંકાનેર મતવિસ્તારનો સત્તાવાર મને ઇન્ચાર્જ બનાવ્યો હતો. તમામ કાર્યકર્તાઓના સાથને કારણે વાંકાનેરના ઇતિહાસમાં પ્રથમવાર તાલુકા પંચાયતમાં ભાજપને જીત મળી હતી.’
ગુજરાતમાંથી આ વખતે રાજ્યસભાના સાંસદ તરીકે મોકલેલા બે નેતાઓની પસંદગીમાં ભાજપે OBC-ક્ષત્રિય ફોર્મ્યુલા તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રતિનિધિત્વના મુદ્દાને પણ ધ્યાને લીધો છે. જેને આધાર બનાવીને એક મજબૂત સમીકરણ સાથે આગામી લોકસભાની ચૂંટણીમાં ઊતરવાની ભાજપની ગણતરી હોઈ શકે છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ