ચાર જણાએ ધોકા તથા પાઇપથી ભૂતપૂર્વ પ્રેમી પર કરેલો હુમલો
વાંકાનેર: તાલુકાના પાંચદ્વારકા ગામે પંદરેક વર્ષ અગાઉના પ્રેમ સંબંધ હતો, છોકરીના લગ્ન થઇ ગયેલ, પરંતુ છ-એક માસ અગાઉ છોકરીને ભગાડી લઈ ગયેલ હોય અને મૈત્રી કરારથી છ મહિના સાથે રહેલ. પછી છોકરી તેની મરજીથી તેના માતા-પિતાના ઘરે જતી રહેલ જેનો ખાર રાખી ચાર જણાએ ધોકા તથા પાઇપ મારી ઇજા કર્યાની ફરિયાદ થઇ છે…
જાણવા મળ્યા મુજબ પાંચદ્વારકાના લખમણભાઈ ભીખાભાઇ બાહુકીયા (ઉ.વ.૩૬) એ ફરિયાદમાં લખાવેલ છે કે અમે બે ભાઇઓ અને પાંચ બહેનો છે આજથી પંદરેક વર્ષ અગાઉ મારે અમારા ગામમાં રહેતા પોપટભાઇ કાનાભાઇ દંતેસરીયાની દીકરી તેજલ સાથે પ્રેમ સંબંધ હતો ત્યાર બાદ તેના લગ્ન થઈ ગયેલ અને આજથી છએક માસ અગાઉ આ તેજલ અને હું બન્ને ઘરેથી ભાગી ગયેલ અને અમે બન્નેએ
ત્યારબાદ મૈત્રી કરાર કરેલ અને સાથે રહેતા હતા, ત્યારબાદ આજથી દોઢેક માસ અગાઉ તેજલ તેની મરજીથી તેના માતા-પિતાના ઘરે જતી રહેલ અને ત્યારથી તેના માતાપિતા સાથે છે ગઈ તા.૧૯/૦૬/૨૦૨૫ ના અમારા ગામના ઇજામુદ્દીનભાઈની દુકાને રીપેરમાં આપેલ પાંખો લેવા માટે મોટરસાયકલ લઈને ગયેલ અને રસ્તામાં મારો મિત્ર ઇમરાનભાઈ ગામના મંદિરની પાસે ઉભો હતો તેની પાસે માવો ખાતો હતો અને 
પાછળથી અમારા ગામના પોપટભાઈ કાંતીભાઇ દંતેસરીયા, તેનો દીકરો મનીષભાઈ, તેના ભાઇના દીકરા વિક્રમભાઈ પરસોતમભાઇ દંતેસરીયા તથા તેનો ભાઇ મુકેશ એમ બધા હાથમાં ધોકા તથા પાઇપ લઈને આવેલ અને મને આડેધડ મારવા લાગેલ અને પોપટભાઇએ ધોકાના બે ત્રણ ઘા જમણા પગના નળાના ભાગે અને મનિષભાઇએ વાંસામાં પાઇપ મારેલ અને વિક્રમભાઈએ તથા મુકેશભાઈએ લાકડાના
ધોકા વાંસામાં, બંન્ને હાથના ખભાના ભાગે તથા થાપાના ભાગે મારેલ અને મોઢામાં જમણા ગાલમાં આંખના નીચેના ભાગે ઇજા થયેલ. આજુબાજુ વાળા તથા આરીફભાઇ એમ બધા આવી જતા મને વધુ મારથી બચાવેલ અને આ બધા લોકો જતા રહેલ અને ત્યા મારાં કાકા ભુદરભાઈ, ફુવા રમેશભાઈ, મારા કાકાનો દીકરો ભીમો તથા ફઈનો દીકરો ગોપાલ આવી ગયેલ અને સારવાર માટે ગોપાલભાઈની ઇક્કો ગાડીમાં વાંકાને૨ ખાનગી ઓર્થોપેડીક હોસ્પિટલમાં દાખલ કરેલ અને મને જમણા પગમાં નળાના ભાગે ફેકચર હોવાનુ જણાવેલ છે. આ પોપટભાઈ અમારી જ્ઞાતિના જ હોય જેથી સમાધાનની વાત ચાલુ હતી તેમજ સારવારમાં રોકાયેલ જેથી આજરોજ આ બાબતે ફરિયાદ કરેલ છે. પોલીસખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…
