– શકીલ એહમદ કે. પીરઝાદા
ગુજરાત તથા ખાસ કરીને સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજે, જે રીતે ભાજપના રાષ્ટ્રીય નેતા અને રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરષોત્તમભાઈ રૂપાલાના એક અપમાનજનક નિવેદન વિરુદ્ધ સોશ્યિલ મીડિયા, ન્યૂઝ મીડિયા અને રોડ – રસ્તાઓ પર લોકશાહી પદ્ધતિથી લડત ચલાવી છે તે ખરેખર એક કેસ-સ્ટડીનો વિષય છે. ક્ષત્રિય સમાજ વસ્તીની દ્રષ્ટિએ બહુ મોટો નથી, પરંતુ શિક્ષિત છે – સંગઠિત છે.
તેઓ લોકશાહીમાં પોતાના નાગરિક અધિકારો અને ખાસ કરીને રાષ્ટ્રીય ચૂંટણી સમયે પોતાના મહત્વથી સારી રીતે પરિચિત છે. પુરષોત્તમભાઈ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધ એક અપમાનજનક નિવેદન બાદ, ક્ષત્રિયો દ્વારા પ્રથમ સોશ્યિલ મીડિયા વિરોધના વંટોળથી ઉભરાઈ જાય છે, જેની નોંધ લેવી ન્યૂઝ મીડિયા માટે ફરજીયાત બની જાય છે.
અહીં ક્ષત્રિય સમાજે સંપૂર્ણ ભાષા સંયમ અને જવાબદારી પૂર્વક વર્તન કરીને આ વિરોધ માત્રને માત્ર પુરષોત્તમભાઈ રૂપાલાના નિવેદન પૂરતો માર્યાદિત રાખ્યો છે. જેમાં પુરષોત્તમભાઈ રૂપાલાના ભૂતકાળ, તેમનો પરિવાર, તેમનો પક્ષ, તેમની જ્ઞાતિ અને સમાજ – એ તમામ બાબતોના કોઈ પણ વિરોધ કે ટિપ્પણીથી ક્ષત્રિય સમાજ દૂર રહ્યો. કોઈ પણ સમાજની મહિલાઓ બાબતે પણ નિવેદનોથી દૂર રહી પોતાની ગરિમાનો પરિચય આપ્યો છે, જે એક પ્રશંષનિય બાબત બની રહી અને વ્યૂહાત્મકરીતે પણ ખુબ અગત્યનું બની રહ્યું છે.
ક્ષત્રિય સમાજ દ્વારા આ ગરિમાપૂર્વકના વિરોધના કારણે અન્ય જ્ઞાતિઓ અને સમાજના વિવિધ વર્ગોને પણ તેમનો આ વિરોધ યોગ્ય હોવાનું જણાયુ છે. આ લડતમાં ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો જોડાયા – મહિલાઓ જોડાયા, તેઓ આ લડતને રોડ રસ્તાઓ પર લાવ્યા છે. તેમણે આવેદનપત્રો આપ્યા – ગ્રુપ મિટિંગો કરી છે.
ભાજપ સમર્થિત ક્ષત્રિય અગ્રણીઓ દ્વારા આ બાબતે સમાધાન કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે, પરંતુ તે મીટિંગમાં જતા ક્ષત્રિય સમાજના મહિલાઓની પોલીસ દ્વારા ત્યાં જતા અટકાયત કરાતા, સમાધાનની શક્યતાઓ ઘટી ગઈ છે. આખરે ક્ષત્રિય સમાજના શ્રેષ્ઠીઓ ભાવનગર સ્ટેટ તથા રાજપીપળા સ્ટેટ સહિતના પુર્વ રાજવી પરિવારના સદસ્યોએ પણ પુરષોત્તમભાઈ રૂપાલાના અપમાનજનક નિવેદન વિરુદ્ધ મીડિયા સમક્ષ આવીને પોતાના સમાજની તરફેણમાં નિવેદનો આપ્યા છે. આ લડત હવે સમગ્ર ગુજરાતમાં પ્રસરી ગઈ છે – રાષ્ટ્રીય કક્ષાએ પણ આની મોટી નોંધ લેવાઈ છે.
પરિણામ જે આવે તે, પરંતુ ક્ષત્રિય સમાજ દ્વારા અપમાન વિરુદ્ધ લોકશાહી પદ્ધતિથી આપવામાં આવેલ લડત ખરેખર પ્રશંષનિય છે અને સમાજના વિવિધ વર્ગો માટે કેસ-સ્ટડી છે, ઉદાહરણરૂપ છે. મારી દ્રષ્ટિએ ક્ષત્રિયો પોતાનો મુદ્દો સમાજના તમામ વર્ગોને સમજાવવામાં સંપૂર્ણ સફળ રહ્યા છે. જેના કારણે અન્ય સમાજોનો પણ ટેકો મળ્યો છે. જે એમની જીત છે. તેમણે ભાજપ જેવા મજબૂત પક્ષને ગ્લાનિની સ્થિતિમાં મૂકી દીધો છે. ભાજપના મોટાભાગના ક્ષત્રિય અગ્રણીઓ આ બાબતે ચૂપ રહ્યા છે. ભાજપના વાતેવાતે મીડિયા સમક્ષ આવીને નિવેદન કરતા તમામ બોલકા નેતાઓ આ બાબતે ચૂપ છે, જે એમની જીત છે.
આ મુદ્દાને કોમવાદનું સ્વરૂપ આપવાના ટ્રેપમાં ક્ષત્રિયો ફસાયા નથી. તેમણે આ મુદ્દાને કોમવાદનું સ્વરૂપ આપવાના પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો છે, જે એમની જીત છે. પરિણામ જે આવે તે, મારી દ્રષ્ટિએ આ લડત એજ ક્ષત્રિય સમાજની જીત છે. મારા મતે ક્ષત્રિયોની આ લડતના મહત્વના મુદ્દાઓ નીચે પ્રમાણે છે.
(1) આ લડત સંપૂર્ણ અહિંસક બની રહી છે. (2) ક્ષત્રિય સમાજ દ્વારા ભાષાકીય મર્યાદાઓનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે. (3) પુરષોત્તમભાઈ રૂપાલાના ભૂતકાળ, તેમના પરિવાર અને તેમના સમાજ વિરુદ્ધ કોઈ ટિપ્પણીઓ નથી કરાઈ. સંપૂર્ણ સંયમનું પાલન કરવામાં આવી રહ્યું છે. (4) કોઈ પણ સમાજની મહિલાઓ વિરુદ્ધ કોઈ નિવેદનો નથી કરવામાં આવ્યા. તમામ મર્યાદાઓનું પાલન કરવામાં આવી રહ્યું છે. (5) આ લડત દરમ્યાન કાયદાનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું છે.
(6) ક્ષત્રિય સમાજના શિક્ષીતો અને મહિલાઓ આ લડતમાં મોટા પાયે જોડાયા છે. (7) અન્ય સમાજ સમક્ષ પોતાનો મુદ્દો સ્પષ્ટતાથી રજુ કરવામાં ક્ષત્રિયો સફળ રહ્યા છે. (8) પ્રતિષ્ઠિત ભુતપુર્વ રાજવી પરિવારો પણ આ લડતમાં જોડાયા છે. (9) મહિલાઓ સહીત સંપૂર્ણ ક્ષત્રિય સમાજ એક થઈને દરેક મોરચે આ લડત લડી રહ્યો છે. (10) આ મુદ્દાને કોમવાદનું સ્વરૂપ આપવાના ટ્રેપમાં ક્ષત્રિયો ફસાયા નથી. (11) લડાયકતાની સાથોસાથ સમગ્ર મુદ્દાને ક્ષત્રિય સમાજ દ્વારા ખુબ મેચ્યોરિટી અને ગરીમાપૂર્વક હૅન્ડલ કરવામાં આવી રહ્યો છે.
નોંધ:
મારા સ્વ. પિતાજી શ્રી ખુરશીદ હૈદર એ. પીરઝાદા ઉર્ફે મીર સાહેબ (પુર્વ ધારાસભ્ય – વાંકાનેર) એ મને આશરે 15 વર્ષ પહેલા કહ્યુ હતુ કે, તારે જો વાંકાનેરના રાજકારણમાં રહેવું હોય તો ક્ષત્રિયોને સાથે રાખજે. તેમનું એ માર્ગદર્શન, ક્ષત્રિય સમાજની અપમાન વિરુદ્ધની આ લડાઈ જોઈને, આજે 15 વર્ષ પછી મને સમજાયું છે.
– શકીલ એહમદ કે. પીરઝાદા (એડવોકેટ) પૂર્વ ચેરમેન: એ.પી.એમ.સી. – વાંકાનેર