ટંકારામાં જમીન પચાવી તેના પર દુકાનો ચણી નાખ્યાનો કિસ્સામાં પગલું
મોરબીના રાજપર ગામે રહેતા ૫૨ વર્ષીય દિપકભાઈ કરમશીભાઈ મારવણીયાએ આરોપી આમદભાઈ નુરાભાઈ માંડકીયા (રહે. ટંકારા), હનિફભાઈ નુરાભાઈ માડકીયા (રહે. સરકારી દવાખાના પાસે, ટંકારા) અને અલીભાઈ આમદભાઈ બાદી (રહે. ખીજડીયા તા: વાંકાનેર) વિરુદ્ધ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની માલિકીની જમીન ટંકારા ખાતે સર્વે નં ૭૩૫ ની જમીન હેકટર ૦૭૬૮૯ ચોરસ મિટરમાં આવેલી છે. જે જમીન તેમણે તારીખ ૨૨/૦૫/૨૦૦૩ના રોજ હાજીભાઈ સાજીભાઈ તથા અલાઉદ્દીન સાજીભાઈના વારસદારો પાસેથી વાડાની જમીન વેચાણ ખરીદ લીધેલ હતી. જેના વાડા રજીસ્ટર નંબર ૦૧ થી નોંધાયેલ છે. તે વાડો તેમણે ખરીદ્યો હતો. ત્યારથી આ જમીનનો કબ્જો તેમની પાસે હતો પરંતુ જમીન પર તેમની અવર જવર ઓછી હતી.
જેને પગલે આરોપીઓએ તારીખ ૦૭/૦૩/૨૦૧૬થી જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો કરી બાંધકામ કરી બે દુકાનો બનાવી દીધી હતી. જેને પગલે દિપકભાઈએ ગત તારીખ ૦૭/૦૨/૨૦૨૩ના રોજ મોરબી જીલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને લેન્ડગ્રેબીંગ એક્ટના નવા કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરવા અરજી કરી હતી અને અરજીની તપાસના અંતે કલેકટરે કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. જેથી આ ફરિયાદને આધારે ટંકારા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.