જિયોલોજીકલ ટીમને જાણ કરાઈ: તલાટી મંત્રીએ બનેલી ઘટના અંગે મામલતદારને રિપોર્ટ કર્યો
સૌથી વધુ લાવારસ વાંકાનેર અને જસદણ તાલુકામાં નિકળેલો અને તેના કારણે જ આ તાલુકાઓમાં ડુંગરાઓનું પ્રમાણ વધુ છે, અને પથ્થરનો રંગ આછો પીળો અથવા લાલ હોય છે. જિલ્લામાં ગારીડાનો ડુંગર સૌથી ઊંચો ડુંગર છે.
વાંકાનેર : વાંકાનેરના ગારીડા ગામે ડુંગરાળ વિસ્તારમાં પેટાળમાંથી ગતરાત્રે ધગધગતી વરાળ નીકળી હતી અને આ વરાળ સાથે ધગધગતો લાવા બહાર આવ્યો હતો. જો કે આજે આ જગ્યા કોઈ હલચલ જોવા મળી ન હતી.
આ બનાવ અંગે વાંકાનેરના ગારીડા ગામના સરપંચ ફાતામાબેનના પતિ યુનુસભાઈએ જણાવ્યું હતું કે, વાંકાનેરના ગારીડા ગામે મહિકા જવાના રસ્તા ઉપર આવેલ ડુંગરની ટેકરીઓના પેટાળમાંથી છેલ્લા બે દિવસથી ધગધગતી વરાળ સાથે લાવા નીકળી રહ્યો છે. જો કે ગતરાત્રે ધગધગતી વરાળ સાથે લાવા નીકળ્યો હતો. પણ ગ્રામજનોને રાત્રે આ બાબતની ખબર પડી ન હતી. સવારે ત્યાંથી પસાર થતા ધરતીમાંથી લાવા નીકળ્યો હોવાનું જાણવા મળ્યું છે. આથી ગામના સરપંચએ ખાણ ખનીજ વિભાગને જાણ કરતા ખાણ ખનીજ વિભાગે દોડી જઈને લાવના નમૂના લઈ પૃથક્કરણ માટે મોકલ્યા છે. તેમજ આજે સાંજ સુધીમાં જિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમ વાંકાનેરના ગારીડા ગામે જઈને તપાસ કરશે. જ્યારે તલાટી મંત્રીએ આ બાબતનો મામલતદારને રિપોર્ટ કરતા તેઓ પણ બપોર પછી તેમની ટીમ સાથે તપાસ અર્થે રવાના થશે તેમ જાણવા મળ્યું છે.
જાણવા મળ્યા મુજબ વરસો પહેલા જયારે વાંકાનેર તાલુકાનું અસ્તિત્વ જ નહોતું અને અહીં સમુંદ્ર હતો, ત્યારે મોટા પાયે લાવારસ નિકળતા સૌરાષ્ટ્રનું અસ્તિત્વ થયું. વરસો પહેલા ત્યારે સૌથી વધુ લાવારસ વાંકાનેર અને જસદણ તાલુકામાં નિકળેલો અને તેના કારણે જ આ તાલુકાઓમાં ડુંગરાઓનું પ્રમાણ વધુ છે, અને પથ્થરનો રંગ આછો પીળો અથવા લાલ હોય છે. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં ગારિડાનો ડુંગર સૌથી ઊંચો ડુંગર છે. જ્યાં લાવારસ નિકળ્યો તે સર્વે નંબર 158 અથવા 155 હોઈ શકે છે.