રાજકોટ જઈ મિત્રને કોલ કર્યો
કોઠીથી પરિવાર દોડી ગયો, પણ મોડો પડયો
વાંકાનેર: ‘મને ગળાની અસહ્ય પીડા થતી હોવાથી કંટાળીને જિંદગી ટૂંકાવું છું’ લખી કોઠી ગામે રહેતા દિનેશભાઇ બેચરભાઈ સોલંકી (ઉ.વ. 28)એ રાજકોટ જઈ મિત્રને ફોન કરી ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લેતા તેમના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ કોઠી ગામે રહેતા દિનેશભાઇ સોલંકી ગઈ કાલે રાજકોટ ગયા બાદ આજી ડેમ નજીક રવિવારી બજાર પાસે પહોંચ્યા બાદ તેણે તેના મિત્ર પ્રદીપ ચાવડાને કોલ કરી ‘હું ઝેરી દવા પી જિંદગી ટૂંકાવું છું’, કહી ફોન કાપી નાખી ઝેરી દવા પી લીધી હતી. બીજી તરફ દિનેશભાઈના કોલ બાદ તેણે તેને ફરીથી કોલ કર્યા હતા, પરંતુ રિસીવ થયા નહોતા. આથી પ્રદીપે દિનેશભાઈના પરિવારને જાણ કરતા તમામ રાજકોટ ગયા હતા.
આજી ડેમ નજીકના વિસ્તારમાં શોધખોળ શરુ કરી હતી. દિનેશભાઇને કોલ કરતા રવિવારી બજાર નજીક ટેકરા પાસે પહોંચતા ત્યાં કોલની રિંગ સંભળાતા ત્યાં દોડી ગયા હતા. જ્યાં દિનેશભાઇને બેભાન હાલતમાં મળી આવતા તાત્કાલિક 108 ને જાણ કરાઈ હતી. જેના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.
આજી ડેમ પોલીસના એ.એસ.આઈ. વિનોદભાઈ સુખાનંદી ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ. માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે મૃતકને થાઇરોઇડની બીમારી હોઈ ગળામાં દુઃખાવો રહેતો હતો. જેની દવા પણ ચાલુ હતી. તેણે એક તબીબને બતાવતા તેણે બીમારી ગંભીર હોવાનું કહી ચેકઅપ કરાવવાનું કહેતા દિનેશભાઇ ડરી ગયા હતા અને રાજકોટ જઈ આ પગલું ભરી લીધું હતું. મૃતક પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી છે, ‘જેમાં મને ગળાની અસહ્ય પીડા હોવાથી કંટાળીને પગલું ભરું છું’, તેમ લખેલું છે. હાલ આ મામલે વધુ તપાસ ધરાઈ છે.