ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ
તા.11 એપ્રિલ સુધી નામાંકન પત્રો સબમીટ કરાવી શકાશે
રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જાહેરનામુ આજે પ્રસિધ્ધ કરાતાની સાથે જ રાજકીય ગરમાવો આવી જવા પામેલ છે. સૌરાષ્ટ્રમાં છ મહાનગરપાલિકા, 11 જીલ્લા પંચાયત, 82 તાલુકા પંચાયત અને 27 નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. 
રાજકીય પક્ષો દ્વારા સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી માટે ઉમેદવારોની યાદી તબકકાવાર જાહેર કરવામાં આવી રહી છે. તેની સાથે જ ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસારની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીનું જાહેરનામુ આજે પ્રસિધ્ધ થતા જ ઉમેદવારો તા.11 એપ્રિલ સુધી નામાંકન પત્રો ચૂંટણી અધિકારી સમક્ષ સબમીટ કરાવી શકશે. જયારે તા.13 એપ્રિલના રોજ ભરાયેલા ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ તા.15 એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. તા.15મીના સાંજના ચૂંટણી ચીત્ર સ્પષ્ટ થઈ જશે. ત્યારબાદ તા.26ના સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન મતદારો કરી શકશે. જયારે મતગણતરી તા.28 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. 
સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુખ્યત્વે ચૂંટણી જંગ ખેલાશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થતાની સાથે જ ચૂંટણી આયોગ અને વહીવટી તંત્ર આદર્શ આચાર સંહિતાના અમલીકરણ માટે પગલા લેવામાં આવી રહ્યા છે. ચૂંટણી કામગીરી માટે કર્મચારીઓના ઓર્ડરો ઈશ્યુ કરવામાં આવી રહ્યા છે. તેની સાથોસાથ કર્મચારીઓ અને અધિકારીઓની બદલી અને રજા મંજુર કરવા પર રોક લગાવી દેવામાં આવી છે.
આ ઉપરાંત કોઈપણ જાતની નાણાકીય ગ્રાંટ તેમજ વિવેકાધીન ફંડમાંથી ચૂકવણી કરવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે વહીવટી તંત્ર અને ચૂંટણી આયોગે એકશન મોડમાં આવી ધડોધડ પગલા લેવાનું શરૂ કરી દીધું છે તેની સાથે જ રાજકીય પક્ષો પણ બેઠકો અંકે કરવા માટે મતદારોને રીઝવવા માટે પ્રચાર કામગીરી આજથી આરંભી દેવામાં આવી છે…

