ભાજપમાં બધું સમુસુતરું નથી
રૂપાલાને બે દિવસ માટે કમલમમાં બોલાવાયા છે
વાંકાનેર: ભાજપનો ગઢ ગણાતી રાજકોટ બેઠકના ઉમેદવાર કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા સામે રાજપૂતોએ જે રીતે તલવાર તાણી છે, તે જોતાં તેમણે ભાજપના આગેવાનોને રીતસર પરસેવો છોડાવી દીધો છે. ઠેરઠેર મળતી રાજપૂત સમાજની બેઠકમાં આગેવાનોએ રણટંકાર કરી તેમની ટિકિટ રદ્દ કરવાની માગ કરી છે. સાથે જ જ્યાં સુધી રૂપાલાને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. જો કે, રૂપાલાએ ગણેશગઢ (ગોંડલ) ખાતે અગ્રણીઓ સાથેની બેઠકમાં ક્ષત્રિય સમાજની માફી માગી છે.
જયરાજસિન્હ જાડેજાએ પ્રકરણ પૂરું થયાના કરેલ નિવેદન બાદ પણ વિરોધ ચાલુ છે. કરણીસેના ગુજરાત એકમના પ્રમુખે ભાજપમાંથી રાજીનામુ આપ્યું છે. ગુજરાતમાં 60 લાખ જેટલા ક્ષત્રિય મતદારો છે. સૌથી વધુ રાજકોટમાં 17 ટકા, સુરેન્દ્રનગર 14, આણંદ 12, કચ્છ અને ભાવનગર 10, જામનગર 9.5, વડોદરા 6.5 અને પોરબંદર બેઠકમાં 5 ટકા ક્ષત્રિય મતદારોછે, આમ આઠ બેઠકો ઉપર ક્ષત્રિયોને ભાજપ અવગણી શકે તેમ નથી. ઉપરાંત અન્ય સમાજમાં પણ અસર પાડવાની ક્ષત્રિયોમાં ક્ષમતા છે. આઇબીના ઇનપૂટના આધારે રૂપાલાની સુરક્ષા વધારાઇ છે. જ્યાં પ્રચાર અને સભા હોય ત્યાં જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે.
મહિલા અગ્રણી પદ્મબા વાળા અને નયનાબા જાડેજાએ 8-10 લોકોને બદલે ક્ષત્રિય સમાજની તમામ પાંખ સાથે બેઠક કરે તેવી માગ કરી છે. ચૂંટણીમાં ભાજપ માટે નવાજૂની કરી શકવાની ક્ષમતા ધરાવતો ક્ષત્રિય સમાજ રૂપાલાને બક્ષવાના મૂડમાં નથી, ત્યારે સવાલ એ છે કે, શું આવનારા સમયમાં વિરોધની આગ ઓલવાશે કે વધુ ફેલાશે ?
ભાજપને પહેલી વખત રાજ્યમાં ઉમેદવારોને લઇ અસમંજસનો સામનો કરવો પડી રહ્યો છે. સાબરકાંઠામાં હવે ભાજપ તેમના બીજા ઉમેદવાર એટલે કે શોભના બારૈયાને પણ બદલી ત્રીજા ઉમેદવારની શોધ શરૂ કરી છે. વડોદરામાં પણ એ જ સ્થિતિ સર્જાઈ છે. પાટણમાં પાટીદાર સંમેલનમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની હાકલ કરાઈ છે. સુરેન્દ્રનગરમાં તળપદા કોળી વિફર્યા છે તો જૂનાગઢમાં રઘુવંશી સમાજ ભાજપ ઉમેદવારથી નારાજ છે. અમરેલી અને પોરબંદરમાં પોસ્ટર યુદ્ધ ચાલી રહ્યું છે. બનાસકાંઠા, વલસાડ અને દાહોદમાં પણ વિરોધ વંટોળ ચાલી રહ્યો છે.
ત્યારે સવાલ એ છે કે ભાજપ જેવા શિસ્તબદ્ધ પક્ષમાં ઉકળતો દાવાનળ કેમ? ગુજરાતમાં પાર્ટીનું કદ વધ્યું છે એની ના નહીં, પરંતુ સાથોસાથ નરેન્દ્ર મોદીની પકડ પણ ઢીલી પડતી જણાઈ રહી છે. અતિ આત્મવિશ્વાસને કારણે જ પક્ષ નો રિપીટની થિયરી લાગુ કરી ઉમેદવારો બદલતો રહ્યો અને કૉંગ્રેસમાંથી નેતાઓને પક્ષમાં લાવતો રહ્યો. બીજા પક્ષમાંથી મોટા ઉપાડે ભરતી કરાયેલા 780 નેતા અને 6 હજાર કાર્યકરોથી ભાજપને શું ફાયદો? ભાજપ અને ભાજપી નેતાઓ વિરુદ્ધ બોલનારાઓના બદલાયેલા સૂર મતદારો કેટલું સ્વીકારશે? ભાજપી કાર્યકરો એમનો શું સાચા મનથી પ્રચાર કરશે?
આ ચૂંટણીમાં ભાજપથી ઉમેદવારોની પસંદગીમાં થાપ ખવાઈ ગઈ છે. પક્ષના જૂના નેતાઓને તડકે મૂકવાને કારણે ખુલ્લેઆમ દેખાવો થવા, પત્રિકાયુદ્ધ થવું એ બતાવે છે કે ભાજપથી આ વખત ભૂલ થઈ છે. સ્થાનિક કાર્યકર્તાને એવું લાગી રહ્યું છે કે બહારથી આવેલા નેતાઓને મદદ કરવાની અને તેમના જ સ્થાનિક નેતા તડકે મુકાય એ વાજબી નથી. સી. આર. પાટીલે આપેલી બાંહેધરી કે – બહારથી કોઈ ઉમેદવારોને નહીં લેવાય- નું સુરસરિયું થઇ ગયું છે. આ વખત ભાજપના કાર્યકરોએ ખૂલીને વિરોધ કર્યો છે, જે ભાજપ માટે ‘ચિંતાનો વિષય’ છે ભાજપના લોકો સ્વાભાવિકપણે જ નારાજ થયા છે. પક્ષે હવે સપાટી પરની હકીકતથી દૂર રહીને ઉમેદવારો નક્કી કર્યા, પાર્ટી ઇચ્છે એને ઉમેદવાર બનાવી દે છે. ઉમેદવારોની મનસ્વી પસંદગી ભાજપમાં આંતરિક ડખા ઊભા કરી રહી છે
રૂપાલાનું નામ જાહેર થયા બાદ રાજકોટમાં સી આર પાટીલ અને વિજય રૂપાણી જુથ વચ્ચે, વાંકાનેરમાં ધારાસભ્ય જીતુ સોમાણી અને સાંસદ મોહન કુંડારીયા જૂથ વચ્ચે તો જસદણમાં ભરત બોઘરા અને કુંવરજી બાવળિયા વચ્ચેનો જુથવાદ પૂરો થઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોમાં જૂથવાદને કારણે એકબીજાથી અંતર બનાવતા નેતાઓ ક્યારેક સ્ટેજ પર સાથે જોવા મળી રહ્યા છે તો ક્યારેક એક પંગતમાં બેસીને સાથે જમી રહ્યા છે. (અલબત્ત, વાંકાનેરમાં મોટી વાડીમાં રૂપાલાની સભામાં જીતુ સોમાણીની ગેરહાજરી હતી) કમલમમાં ધારાસભ્યોની મિટિંગમાં 156 માંથી માત્ર 104 ભાજપના ધારાસભ્યો હાજર રહ્યા હતા, બધાને પોતાના મત વિસ્તારમાંથી 1 લાખની લીડ લાવવા અને આંગળી ઊંચી કરવા કહેવાયું. જે 10- 15 હજારની લીડથી જીત્યા હોય તે 1 લાખની લીડ ક્યાંથી લાવે, એ યક્ષ પ્રશ્ન છે.
હવે મૂળ વાત: રાજકોટના ભાજપના ઉમેદવાર વિષે વિશ્વાસપાત્ર વર્તુળોમાંથી જાણવા મળ્યું છે કે વડોદરા અને રાજકોટના હાલના ઉમેદવારોને બે દિવસ પ્રચાર બંધ કરવાનું કહેવાયું છે. રૂપાલાને તો બે દિવસ માટે કમલમમાં બોલાવાયા છે. આથી રૂપાલા માટે સ્ક્રીપ્ટ લખાય છે કે તે જાહેર કરે કે ‘મારે કારણે પક્ષને નુકશાન થાય છે તો હું મારી ઉમેદવારી પછી ખેંચું છું’, આવું નિવેદન આવે તો નવાઈ નહીં.
વડોદરા અને સાબરકાંઠામાં જેમ ઉમેદવાર બદલાયા તેમ રાજકોટના ઉમેદવાર પણ બદલાઈ શકે છે. તેમ રાજકીય વિશ્લેષકોનું માનવું છે અને આ કારણે જ કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાતમાં વિલંબ થયાનું મનાય છે. કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકનું નિવેદન ગુજરાતમાં 10 બેઠકો જીતુશું, સૂચક મનાય છે. આ વખતે 26 માંથી 26 અને એ પણ 5 લાખની લીડથી જીતવાનું ભાજપનું સપનું પૂરું થાય તેમ લાગતું નથી. લીડ તો છોડો…, 3 બેઠક અતિ જોખમી અને 5 બેઠક જોખમીનું ખુદ ભાજપના વર્તુળો માનતા હોવાનું બહાર આવ્યું છે. રાજકોટ બેઠક જીતવી ભાજપ માટે સહેલી નહીં હોય, આ બેઠકનું જાતિ અને ભૂતકાળના પરિણામો આધારિત વધુ વિશ્લેષણ કોંગ્રેસના ઉમેદવાર જાહેર થાય અને માહોલ પૂરો ગરમ થાય પછી…