H3N2 વાઇરસથી પણ દેશમાં 10 ના મોત થયાના મીડિયા અહેવાલ
દેશ અને ગુજરાતમાં પણ કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે: આ તબક્કો લાંબો સમય ચાલશે: બીમારી ઘરે ઘરે પહોંચી છે
દેશમાં H3N2 ના કેસ હરણફાળે તો કોરોના બિલ્લી પગે આવી રહ્યો છે, ત્યારે વાંકાનેરવાસીઓએ માસ્ક પહેરવાનો છોછ રાખવો હવે પોસાય તેમ નથી. માસ્ક પહેરીને બજારમાં નિકળવાથી બધા સામે જોશે, એ માનસિકતા દૂર કરવાની જરૂર છે. કોરોના વાઇરસ પણ ક્યાંય ગયો નથી. બસ હવે કોરોના ચેપ ગંભીર નથી થઈ રહ્યો. સતત પાંચ અઠવાડિયાથી કોરોનાના કેસ વધી રહ્યા છે. પ્રથમ બે અઠવાડિયામાં થોડો વધારો જોવા મળ્યો હતો. કોરોનાથી મૃત્યુઆંક 5,30,775 છે, જ્યારે સક્રિય કેસ વધીને 3,076 થઈ ગયા છે. તે જ સમયે દેશમાં કોરોનાના 4.46 કરોડ કેસ નોંધાયા છે. કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં કોરોનાના અડધાથી વધુ સક્રિય કેસ છે. કેરળમાં સૌથી વધુ સક્રિય કેસ 1474, કર્ણાટક 445 અને મહારાષ્ટ્રમાં 379 છે.

દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ. અજય શુક્લાએ જણાવ્યું કે તમામ વાઇરલ તાવમાં લગભગ સમાન લક્ષણો હોય છે. વહેતું નાક, હળવી ઉધરસ, તાવ, શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો હોઈ શકે છે. શરૂઆતમાં તમને કયું વાઇરલ ઇન્ફેક્શન છે, તે ઓળખવું ખૂબ જ મુશ્કેલ છે. ICMRએ તાજેતરમાં જ તેના અભ્યાસમાં શોધી કાઢ્યું છે કે લોકોમાં વર્તમાન ચેપ મોટાભાગે H3N2 ઈન્ફ્લ્યુએન્ઝા વાઇરસનો છે, કોરોના નથી. તેમણે કહ્યું કે H3N2 વાઇરસ હજુ પણ હવામાં હાજર છે, પરંતુ તે કોરોનાનો પ્રકાર નથી.

ડૉક્ટરોનું કહેવું છે કે ભારતમાં ઈન્ફ્લ્યુએન્ઝાના કેસમાં જે દરે વધારો થયો છે તે સૂચવે છે કે આ તબક્કો લાંબો સમય ચાલશે. ઉધરસ અને દુખાવા જેવાં તેનાં લક્ષણો ત્રણ અઠવાડિયા સુધી ટકી શકે છે. બીજી બાજુ, સિઝનલ તાવ અને ઉધરસ સામાન્ય રીતે લગભગ પાંચથી સાત દિવસ સુધી રહે છે.

ICMRએ એ પણ જણાવ્યું છે કે, એક્યુરેટ રેસ્પેરિટરી ઇન્ફેક્શન (SARI)થી પીડાતા અડધાથી વધુ લોકોને H3N2 વાઇરસ મળ્યો છે. હાલમાં ઋતુ બદલાઈ છે, તેમજ હાલમાં માવઠું પણ પડ્યું હતું. જેને લઈને વાયરલ ઇન્ફેકશનના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ડોકટરો સલાહ આપી રહ્યા છે કે લોકો વાયરલ ઇન્ફ્કેશના કેસોથી બચવા માટે માસ્ક પહેરવું જોઈએ, ઠંડું પાણી ન પીવું જોઈએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં શરદી, ઉધરસ, તાવ વગેરે લક્ષણો જોવા મળી રહ્યા છે. ડોક્ટરની સલાહ વિના લોકોએ એન્ટી બાયોટીક દવા લેવાનું ટાળવું જોઈએ. માસ્ક પહેરવાની આદત ફરીથી પાડવી પડશે, જો સૅનેટાઇઝરનો ઉપયોગ નહીં કરો તો સીધા હોસ્પિટલ પહોંચી જશો.
કોઈ પણ લક્ષણ જોવા મળે તો નજરઅંદાજ ન કરો. ખાસ કરીને જો તમારા ઘરમાં વૃદ્ધો અને બાળકો હોય તો તેને ઉગારો. તમે કરેલી ભૂલનું પુનરાવર્તન કરશો નહીં, એટલે કે, ભીડવાળી જગ્યાએ માસ્ક વિના ન જાઓ અને પાર્ટી વગેરેથી દૂર રહો.

ગુજરાતમાં પણ કોરોનાએ ફરી ફરી માથું ઊંચક્યું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 30 કેસ નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 136 હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટમાં શરદી-ઉધરસના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે
વાંકાનેરમાં પણ બીમારીઓનું પ્રમાણ વધ્યું છે, ત્યારે હવે ચેતી જવાની જરૂર છે.
