પીજીવીસીએલના જંપરના સ્પાર્કના કારણે આગ લાગી: ગ્રામજનો
વાંકાનેર: ગઈ કાલે બપોરના સમયે વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામે ગામથી આથમણી બાજુ આવેલ સુપ્રીમ રીફ્રેક્ટરીઝ પાસે આવેલ નીરણના વાડામાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડ વિભાગને દોડાદોડી થઈ પડી હતી. તલાટી મંત્રી, મામલતદાર, પીજીવીસીએલના અધિકારીઓ દોડી આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ કાળઝાળ ગરમીમાં ગઈ કાલે બપોરના સમયે સવા વાગ્યાના અરસામાં વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે આગ લાગવાની બનેલી ઘટનામાં ફાયર બ્રિગેડે ત્વરિત કામગીરી કરી આગ કાબુમાં લીધી હતી, જો કે નાની આગ આમ છતાં મોડે સુધી ચાલુ રહી હતી.
ગ્રામજનોના જણાવ્યા મુજબ આ આગ પીજીવીસીએલના જમ્પરમાં સ્પાર્ક થવાથી લાગી હતી. બનાવના દિવસે સવારે પીજીવીસીએલના કર્મચારીઓ રીપેર કરી ગયા હતા, અને બીજા રાઉન્ડમાં સ્પાર્ક થતા આગ લાગી હતી. દશેક દિવસ પહેલા પણ આ જંપર રીપેર કર્યું હતું. આમ આ જંપર ફોલ્ટ વાળું હતું જ.
જાણવા મળ્યા મુજબ પીજીવીસીએલના જવાબદાર અધિકારી વાડાની માલિકી હક્ક જાણવા ઇચ્છતા હતા, પરંતુ જો સરકારી રોડ પર વીજ તારથી નુકશાન થાય તો પણ ખાતું વળતર આપવા બંધાયેલું છે, સવાલ માલિકી હક્કનો નથી, નુકશાન કઈ રીતે થયું છે, એ છે. આ અંગેની ફરિયાદ કરવા ગ્રામજનોએ તજવીજ હાથ ધરી છે. વાડામાં કડબ અને ઘઉંનું ડૂર ભર્યું હતું. જેમના વાડા સળગ્યા હતા, તેમના નામ નીચે મુજબ છે.
કડીવાર હસન હબીબ સાજી, કડીવાર ઉસ્માન હસન પટેલ, કડીવાર ઉસ્માન ગની, કડીવાર ઉસ્માન ગાજી, કડીવાર નિઝામુદીન હાજી, કડીવાર હુસેન ઉસ્માન હસન, કડીવાર ઇસ્માઇલ ઉસ્માન હસન, કડીવાર શહાબુદીન માહમદ, કડીવાર સાહિલ માહમદ, કડીવાર માહમદ સાવદી, કડીવાર ઇમરાન માહમદ, ખોરજીયા મહંમદસાફીર ઇબ્રાહિમ વગેરે..