ત્રણ જગ્યાએ દીવાલો તૂટી: ૪૭ મકાનોમાં નુકસાની થઈ હોવાની માહિતી
વાંકાનેર: જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર માવઠાના કારણે મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે. ભારે પવન સાથે આકાશમાંથી બરફના ગોળા એટલે કે કરા પડ્યા હતા જેના કારણે કાચા મકાનોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયા છે જેમાં વાંકાનેર શહેરમાં ૧૬ અને કણકોટ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ૩૧ આમ કુલ મળીને ૪૭ મકાનોમાં નુકસાની થઈ હોવાની માહિતી મળી રહી છે તે ઉપરાંત ત્રણ જગ્યાએ દીવાલો પણ તૂટી પડી હોવાના અહેવાલ મળી રહ્યા છે
તાલુકામાં ઓળ, કોટડાનાયાણી, પાંચદ્વારકા, કોઠી, જેતપરડા, સિંધાવદર, ખીજડીયા, તીથવા અને સ્થાનિક વાંકાનેર શહેરમાં વરસાદ અને કરા પડયાના ઘણા ફોટા- વિડિઓ અમને મળ્યા છે. (ફોટા- વિડિઓ મોકલનારે ગામ અને પોતાનું નામ ભૂલ્યા વગર લખવું, કારણ કે બધાના નંબર save હોતા નથી) વરસાદથી સૌથી વધુ નુકશાની ખેડૂતોને થઇ છે
વઘાસીયા ટોલનાકાથી જેતપરડા તરફ જવાનો રસ્તા ઉપર જુદા જુદા સીરામીકના ૧૦ કારખાનાઓમાં આકાશમાંથી પડેલ કરા રૂપી આફતના કારણે શેડમાં મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે અને લગભગ છ થી સાત હજાર જેટલા જે સિમેન્ટના પતરા શેડમાં લગાવવામાં આવ્યા હતા તે એક એક કારખાનાની અંદર તૂટી ગયા છે જેથી કરીને કારખાનેદારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની માહિતી મળી છે
અનેક ઘરના કાચ તૂટ્યા હતા. સાથે જ છત પર રહેલી અને સોલાર પેનલ કરા પડતા તૂટી ગઈ હતી. આમ આ વરસાદના કારણે અનેક લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
ભારે પવનના કારણે વૃક્ષો પડી જતા ઘણા રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા હતા. રસ્તા પર વૃક્ષો પડી જતા વાહન ચાલકોને આવન જાવનમાં ભારે મુશ્કેલી પડી હતી. ત્યારે નગરપાલિકા દ્વારા વૃક્ષો હટાવીને રસ્તા ખુલ્લા કરવાની કામગીરી કરવામાં આવી હતી. આખો દિવસ લાઈટ આવ-જા કરતી હતી. શરૂઆતમાં લાંબા સમય સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો.
વધુમાં અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે સવારથી સાંજ સુધીમાં વાંકાનેર તાલુકામાં એક ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયેલ છે અને હજુ પણ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે પણ વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો