ભોજપરા, જેતપરડા, પાડધરા ,આણંદપર, મકતાનપર, જામસર, ઓળના ગ્રામ્યજનો પરેશાન
વાંકાનેર: તાલુકાના નેશનલ હાઇવેથી હળવદ જવા માટે શોર્ટકટ રસ્તો લુણસર ચોકડીથી ભોજપરા બોર્ડ, જેતપરડા બોર્ડ, પાડધરા ,આણંદપર બોર્ડ, મકતાનપર બોર્ડ, જામસર બોર્ડ, ઓળ થઈને શિવરાજપુર, માથક થઈને મોરબી હળવદ રોડને મળે છે. આ રોડ યાત્રાધામો માટેલ અને સુંદરીભવાની જવા માટેનો અગત્યનો રસ્તો છે. રોડ પરના ભોજપરા, જેતપરડા, પાડધરા ,આણંદપર, મકતાનપર, જામસર, ઓળના ગ્રામ્યજનોને તાલુકા મથકે આવવા- જવા માટે એક માત્ર રસ્તો છે. એટલું જ નહીં, આ રોડ પરથી આ વિસ્તારમાં રહેલા ઔદ્યોગિક એકમો અને બેલાની ખાણો હોવાથી જવા-આવવા ભારે વાહનોની અવરજવર રહેતી હોય છે.
આ રોડ પર મોટા-મોટા ગાબડા પડી ગયા છે. અધૂરામાં પૂરું સાઈડ પર પણ બબ્બે ફૂટના ગાબડાં હોવાથી ઓચીતા આવતા ગાબડાના કારણે વાહન ચાલકો ત્રાહિમામ છે. રોડ સાંકડો હોવાથી મોટરસાયકલ ચાલકે સામેથી આવતા ચાર પૈડાં વાહનોથી બચવા સાઈડમાં મોટરસાયકલ લીધા વગર છૂટકો નથી રહેતો, મોકાણ એ છે કે સાઈડમાં પણ ગાબડા અપરંપાર છે, રોડ પરના ગાબડા તારવવા જતા પાછળથી આવતા વાહનો સાથે અથડાઈ જવાની ભીતિ રહે છે. સતત અકસ્માતના ડર વચ્ચે પસાર થવું પડે છે. બીમારી વખતે એમ્બ્યુલન્સને નિર્ધારિત સમયથી ત્રણ ગણો સમય વ્યતીત થાય છે.
સારા ચોઘડિયે રસ્તો રીપેર થાય છે, પણ બે-ત્રણ માસમાં સતત વાહનોની અવરજવરથી ફરી પછી એ જ સ્થિતિ સર્જાય છે. આ રસ્તાને પહોળો કરી સાઈડમાં મોરમ નાખી વાહન ચાલવવા યોગ્ય બનાવાય, એવી લોકલાગણી છે.