કલમ-11(1)(2) માં સુધારો કરવામાં આવ્યો
ચૂંટણી લક્ષી નોંધાયેલ મંડળીઓ મતદાર યાદીમાં આવી શકશે નહિ
ગાંધીનગર: સહકાર રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા જણાવ્યું છે કે, મતદાર યાદી અંગેની જોગવાઈઓ સ્પષ્ટ કરવાના હેતુથી કલમ-11(1)(2) માં સુધારો કરવામાં આવ્યો છે. અગાઉના નાણાકીય વર્ષમાં લાઈસન્સની બોલીઓ અને શરતોને સુસંગત રહીને, જેમણે બજાર સમિતિના યાર્ડમાં વેપાર કર્યો હોય, જે વર્ષમાં ચૂંટણી હોય તેના અગાઉના છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષથી લાઈસન્સ ધરાવતા અને પ્રત્યેક નાણાંકીય વર્ષમાં ઓછામાં ઓછી 50000/- રૂપિયા માર્કેટ ફી ભરેલ હોય તેમજ જનરલ કમિશન એજન્ટના કિસ્સામાં જે વર્ષમાં ચુંટણી હોય તેના અગાઉના છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષથી લાઈસન્સ ધરાવતો હોય અને તેના થકી પ્રત્યેક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછી 50000/- રૂપિયા માર્કેટ ફી ભરી હોય તેવા “કલમ-27 અથવા 27-ક હેઠળ જેનું લાઈસન્સ મંજૂર કર્યુ હોય અથવા તાજુ કર્યુ હોય તેવા કમિશન એજન્ટ અથવા યથાપ્રસંગ, વેપારીઓએ” પોતાનામાંથી ઠરાવેલી રીતે ચૂંટવાના ચાર સભ્યોનો સમાવેશ થાય છે.
વધુમાં ઉમેર્યું કે, આ સુધારાના કારણે કોર્ટ મેટર ધટશે, જેથી કોર્ટનો કિંમતી સમય બચશે, અધિકારી / કર્મચારીના કામનુ ભારણ ધટશે તથા સરકારી સમયનો બચાવ થશે તેમજ લોકોના સમય, નાણાં બચશે અને ન્યાયિક સંતુષ્ટતા વધશે. માત્ર ચૂંટણીના હેતુથી રાતોરાત લેવામાં આવતાં લાઈસન્સની સંખ્યામાં ઘટાડો થશે. જ્યારે બજાર સમિતિમાં વાસ્તવિક વેપાર કરતા વેપારીઓનું પ્રતિનિધિત્વ વધશે.
આ ઉપરાંત તેમણે વધુમાં ઉમેર્યું કે, કલમ-11(1)(3) માં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં ચૂંટણીના આગળના ત્રણ નાણાકીય વર્ષમાં પ્રત્યેક નાણાંકીય વર્ષમાં સતત ઓછામાં ઓછા પોતાના 1/3 સભાસદો પાસેથી ઉદ્દેશો અનુસાર કૃષિ ઉત્પન્ન ખરીદ કરી તેનું વેચાણ બજાર સમિતિના યાર્ડમાં કરેલ હોય અને ચૂંટણીના આગળના ત્રણ નાણાકીય વર્ષમાં પ્રત્યેક નાણાંકીય વર્ષમાં સતત ઓછામાં ઓછા રૂપિયા 5 લાખનો વ્યવસાય બજાર સમિતિના યાર્ડમાં કરેલ હોય તે જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, આ સુધારાથી જે મંડળીઓ ઉદ્દેશો પ્રમાણે કામ કરતી હશે તે જ મતદારયાદીમાં આવશે. ચૂંટણી લક્ષી નોંધાયેલ મંડળીઓ મતદાર યાદીમાં આવી શકશે નહિ તેમજ પોતાના ઉદ્દેશો મુજબ કામકાજ કરતી મંડળીઓને પ્રતિનિધિત્વ મળશે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, કલમ-11(1A) નવીન જોગવાઈ દાખલ કરવામાં આવી છે. જેમાં ખાનગી માર્કેટ યાર્ડના માલિક/બોર્ડ ઓફ ડિરેક્ટર અને તેઓના કુટુંબના સભ્યો બજાર સમિતિઓની ચૂંટણી લડી શકશે નહિ.
તેમણે કહ્યું હતું કે, આ નવી જોગવાઈથી બજાર સમિતિની અર્થક્ષમતાને નુકસાન થતુ અટકશે. જ્યારે ખાનગી યાર્ડના માલિક/બોર્ડ ઓફ ડિરેક્ટર જો બજાર સમિતિના બોર્ડ ઓફ ડિરેક્ટર હોય તો તે બજાર સમિતિના હિતોને નુક્શાન થઈ શકે છે. મંત્રીએ એક વ્યક્તિ એક જ મત આપી શકે તે હેતુથી દાખલ કરવામાં આવેલ કલમ-11(બી)(2) નવીન જોગવાઈ અંગે જણાવ્યું કે, કોઇપણ શખ્સ ચૂંટણીની મતદારયાદીમાં ગમે તે વિભાગમાં મતદાર તરીકે નોંધાયેલ હોય તેવો શખ્સ વ્યક્તિગત હેસિયતથી કે મંડળીના પ્રતિનિધિ તરીકે કે વેપારી તરીકે બજાર સમિતિની ચૂંટણીમાં તમામ વિભાગો પૈકી કોઈપણ એક જ વિભાગમાં એક જ મત આપી શકશે જેથી ચૂંટણી વધુ પારદર્શક રીતે કરી શકાશે.