ભુદેવોને ઉમટી પડવા હાકલ
તા. 29 થી 31 ઉજવાશે પ્રતિષ્ઠા મહોત્સવ
વાંકાનેરમાં બ્રહ્મસમાજ સોસાયટી પરશુરામ ધામ ખાતે ભજન, ભોજન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર જગતના આરાધ્ય દેવ અને બ્રાહ્મણોના ઇષ્ટદેવ એવા ભગવાન પરશુરામજીના ભવ્ય અને દિવ્ય નવનિર્મિત મંદિર એવા પરશુરામ ધામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વાંકાનેર ખાતે આગામી તા. 29, 30, 31 જુલાઇ અર્થાત ત્રિ-દિવસીય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
આ અંગે વધુ માહિતી આપતા સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના અગ્રણી ભરતભાઇ ઓઝા તથા ડો.અનિલભાઇ મહેતાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના તાલુકા મથકો અને શહેરોમાં ભુદેવો દ્વારા પરશુરામ ધામનું નિર્માણ થાય તેવા આશયથી વાંકાનેર ખાતે પણ પરશુરામ ધામ બને તેવો વર્ષો પહેલા સંકલ્પ કરેલ જે સાકાર થયેલ છે. વાંકાનેર બ્રહ્મ સમાજ સોસાયટી ખાતે શ્રી પરશુરામ ધામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સૌરાષ્ટ્રના સંતો, મહંતો, રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના આગેવાનો તેમજ વૈદિક મંત્રોના જ્ઞાતા એવા ભુદેવોની ઉપસ્થિતિમાં યોજાશે.
પરશુરામ ધામના નિર્માણ કાર્યમાં બ્રહ્મસમાજના દાતાઓ, વાંકાનેર બ્રહ્મસમાજના યુવાનો, મહિલા મંડળના બહેનો, પરશુરામ ધામના હોદેદારો અને શુભેચ્છકોનો બહોળા પ્રમાણમાં સાથ અને સહકાર સાંપડી રહ્યો છે.
ભવ્ય શોભાયાત્રા: કાર્યક્રમમાં ભજન અને ભોજનનો સમન્વય સાથે વિવિધ ત્રિદિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ એટલે કે ર8 જુલાઇના સોમવારના બપોરે 3 કલાકે ભવ્ય શોભાયાત્રા યોજાશે. જેનો પ્રારંભ ચતુર્ભુજરાયજી મંદિરથી પ્રારંભ થઇ બ્રહ્મસમાજ સોસાયટી પરશુરામ ધામ ખાતે પહોંચશે ત્યાં ધર્મ અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે . આ ધર્મસભામાં દ્વારકા શારદાપીઠાધીશ્ર્વર જગતગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી, દ્વારકાના બ્રહ્મચારી નારાયણનંદજી, આર્ષ વિદ્યામંદિર મુંજકાના પરમાત્માનંદ સરસ્વતીજી, ગોંડલ ભુવનેશ્ર્વરી પીઠના આચાર્ય શ્રી ઘનશ્યામજી મહારાજ ઉપસ્થિત રહી આ ધર્મસભામાં પોતાના વકતવ્ય રજુ કરશે. તેમજ આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર પ્રતિષ્ઠા કર્મકાંડી બ્રાહ્મણ દ્વારા કરાવવામાં આવશે.
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રભરમાંથી ભુદેવો, સાધુ સંતો તેમજ વિવિધ ક્ષેત્રના સામાજિક તથા રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહે તે માટે પરશુરામ ધામ વાંકાનેરના ભરતભાઇ ઓઝા તેમજ ડો. અનિલભાઇ મહેતાના માર્ગદર્શન હેઠળ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવેલ છે જેમાં નિમંત્રણ સમિતિમાં જયેશભાઇ ઓઝા, બાબુભાઇ રાજગોર, રાજુભાઇ રાવલ, નીશીથભાઇ જોશી, અમિતભાઇ ભટ્ટ, દુષ્યંતભાઇ ઠાકર, અમિતભાઇ ઠાકર, મોહનભાઇ રાજગોરનો સમાવેશ થાય છે તેમજ પ્રતિષ્ઠા મહોત્સવની વિવિધ સમિતિમાં બ્રહ્મ યુવાનો અને ભગીની મંડળને જવાબદારી સોંપવામાં આવેલ છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યજ્ઞમાં મુખ્ય યજમાન તરીકે ચેતનભાઇ જાની રહેશે. તેમજ આ પ્રતિષ્ઠા યજ્ઞમાં સ્થાપિત કરવામાં આવેલ દેવતાઓની પૂજનવિધિ, નગરયાત્રા, મૂર્તિન્યાસ, મહાપૂજા, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાશે.
પરશુરામધામ: પરશુરામધામનું નિર્માણ વિશાળ જગ્યામાં કરાયું છે. આ મંદિરની ઉંચાઇ 4ર ફુટ તેમજ ભગવાન પરશુરામજીની મૂર્તિ પ.30 ફુટની ઉંચાઇવાળી મુકવામાં આવેલ છે. આ પરશુરામજીની મૂર્તિ રાજસ્થાનના પ્રખ્યાત કારીગરી દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. આ મૂર્તિ બનાવવાનો સમયગાળો 6 માસ જેટલો થયેલ છે. આ મૂર્તિ સાત લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે. આર્કિટેક તરીકે નિરીથભાઇ જોષી તથા અમિતભાઇ ઠાકરે વિનામૂલ્યે સેવા આપી છે.
મહાનુભાવોની ઉપસ્થિતિ: પરશુરામ ધામ પ્રતિષ્ઠા મહોત્સવમાં મનીષભાઇ મડેકા, રતિલાલજી મહારાજ, અશ્ર્વિનભાઇ રાવલ, સાંસદ રામભાઇ મોકરીયા, જીતુભાઇ મહેતા, ચેતનભાઇ જોષી, ગિરીશભાઇ પંડયા, રાહુલભાઇ ત્રિપાઠી, અનિલભાઇ મહેતા, અશ્ર્વિનભાઇ ત્રિવેદી, વિજયભાઇ બુઝડ, બી.કે.નહેરૂ, વિજયભાઇ જાની, કે.સી.દવે, મયંક પંડયા, છેલભાઇ જોષી, ડો. ભરત રાવલ, મુકેશ રાજગોર, ગાયત્રીપ્રસાદ ઠાકર, ભરતભાઇ ઠાકર, સુરેશ પંડયા, હસુભાઇ પંડયા, ભુપતભાઇ પંડયા, નિલેશ જોષી, ચેતન પંચોલી, એલ.એલ.રાજાણી, પ્રફુલભાઇ વાસુ, આશિષ જોષી, જગદીશ ઓઝા, કિશન ઉપાધ્યાય, ભાવેશ મઢવી, કિશોરભાઇ જોષી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ‘સાંજ સમાચાર’ના આંગણે સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના અગ્રણી જીતુભાઇ મહેતા, ભરતભાઇ ઓઝા, ડો. અનિલભાઇ મહેતા તથા સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજના પ્રવકતા હરેશભાઇ જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જીતુભાઇ મહેતાએ જણાવ્યું કે પરશુરામ ધામના નિર્માણ જસદણ, બગસરા અને મોરબીમાં થઇ ગયેલ છે. તાજેતરમાં જામનગર ખાતે પરશુરામ ધામનું ભૂમિપૂજન કરાયું છે. આગામી દિવસોમાં પોરબંદર, જેતપુર વગેરે સ્થાનો પર પરશુરામધામા નિર્માણ કરવાનો સંકલ્પ લેવાયો છે. વિશેષ વિગત માટે હરેશ જોષી(94269 59565)નો સંપર્ક કરવો.ઉપરોકત પ્રતિષ્ઠા મહોત્સવમાં ભુદેવોને ઉમટી પડવા જીતુભાઇ મહેતાએ હાકલ કરી છે…