વીશીપરા સ્થિત શ્રી મહેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રી કેસરીયા ગ્રુપનું આયોજન
વાંકાનેર : શહેરના વીશીપરા સ્થિત શ્રી મહેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રી કેસરીયા ગ્રુપ આયોજિત પઢિયાર પરિવાર દ્વારા શ્રી શિવ મહાપુરાણ નવાહ પારાયણ જ્ઞાનયજ્ઞમાં આજે શક્તિસિંહ ભૂપતસિંહ ઝાલા તરફથી શિવ પરિવારના દેવોનો દેવ મહાદેવ ભૂતડાઓને સાથે રાખી ગાજતે વાજતે ઢોલ નગારા ની રમઝટ સાથે જાન લઈ પઢિયાર પરિવાર પાર્વતી પરિવારના આંગણે માતાજીને પરણવા પધાર્યા હતા. આ પ્રસંગે શાસ્ત્રીજી કથાકાર દ્વારા દેવાધિદેવને આવકાર્યા હતા…
પઢિયાર પરિવારના પાર્વતી માતાજીને પરણવા ભોળેનાથ પધાર્યા ત્યારે રીતસર ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે માતાજીના માતુશ્રી દ્વારા મહાદેવને વર પોંખવા આવેલ અને લોટો કરેલ. જાનમાં આવેલા ભૂતડાઓના હરખનો પાર ન હતો. જાનમાં આવેલા જાનૈયાઓને વધાવવા પાર્વતી પક્ષના વરિષ્ઠ ભૂપતભાઇ પઢિયાર તથા રણજીતભાઇ પઢિયાર , પ્રદ્યુમનભાઈ પઢિયાર , ઇન્દ્રજીતભાઈ પઢિયાર સહિતના પઢિયાર પરિવારના અબાલવૃદ્ધ સૌ ઉમળકાભેર જાનના હોશે હોશે વધામણા કરી બધાને ઠંડા પાણી તથા બદામ શેક પીવડાવેલ. ત્યાર બાદ દેવોના દેવ મહાદેવ અને માં પાર્વતીને ચોરીમાં પધરામણી કરેલ અને ભૂદેવો દ્વારા મંત્રોચાર સાથે લગ્ન વિધિ કરવામાં આવી હતી…
વધુમાં સામાજિક રીત રિવાજ મુજબ પઢિયાર પરિવાર દ્વારા માતા પાર્વતીને કરિયાવરમાં જીવન જરૂરી તેમજ આભૂષણો આપવામાં આવેલ તેમજ લગ્ન વિધિ સંપન્ન થયા બાદ જાનને મિષ્ટાન સાથે ભાવતા ભોજન કરાવવામાં આવેલ. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં અને શિવ પાર્વતી વિવાહનો લાભ લીધો હતો…