જો રાઈડ્સની મંજૂરીનહીં મળે તો મેળો ફિક્કો રહેશે
જડેશ્વર રોડ ઉપર 36 કલાક ભારે વાહનોની પ્રવેશબંધી
વાંકાનેર: જડેશ્વર મેળાનો આજથી પ્રારંભ થવાનો છે. જો કે આ મેળામાં હજુ છેલ્લી ઘડી સુધી રાઈડ્સની મંજુરીની પ્રક્રિયા હજુ ચાલુ હોવાનું તંત્ર રટણ કરી રહ્યું છે. વાંકાનેર તાલુકાના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે આજ તા.11 ઓગસ્ટને રવિવારે સવારે 10 વાગ્યાથી લોકમેળાનો પ્રારંભ થવાનો છે. આ મેળાને મંત્રી મુળુંભાઈ બેરા, કુંવરજીભાઇ બાવળિયા અને ભાનુબેન બાબરીયા સહિતના ખુલ્લો મુકવાના છે. આ વેળાએ સંતો, મહંતો, સાંસદો, ધારાસભ્યો તેમજ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેવાના છે.મેળામાં રાઈડ્સને લઈને પ્રાંત અધિકારીએ જણાવ્યું કે સેફટી કમિટી એનઓસીની કામગીરી કરી રહ્યા છે. તેની કાર્યવાહી ચાલુ છે. ગઈકાલે નિરીક્ષણ કર્યું છે. જ્યારે આ અંગે મેળાના આયોજકે કહ્યું હતું કે રાઈડ્સની મંજૂરીની પ્રક્રિયા ચાલુ છે. અને આ મેળો પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતો હોવાથી આવતીકાલે મેળો વિધિવત શરૂ કરવામાં આવશે.
રોડ ઉપર 36 કલાક ભારે વાહનોની પ્રવેશબંધીઆજ તા.11થી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના બીજા રવિવાર-સોમવારને અનુલક્ષી પૌરાણીક મેળો ભરાતો હોય અને જે મેળામાં લજાઇ ચોકડી થી વાંકાનેર જવા માટેનો સ્ટેટ રોડ નીકળતો હોય, જે રોડ પર જી.આઈ.ડી.સી વિસ્તાર આવેલ હોવાથી ભારે વાહનોની અવર-જવર વધુ પ્રમાણ રહેતી હોવાના કારણે મેળામાં ટ્રાફિક સમસ્યા ન ઉદભવે તે માટે જિલ્લા કલેકટર દ્વારા ભારે વાહનો માટે પ્રવેશબંધી ફરમાવવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
આ જાહેરનામામાં દર્શાવેલ રૂટ ઉપર આજ તા.11ના બપોરે 12 વાગ્યાથી તા.12ના રોજ રાત્રે 12 વાગ્યા સુધી એટલે કે 36 કલાક સુધી ભારે વાહનો ઉપર પ્રવેશબંધી રહેશે. જાહેરનામામાં જણાવ્યા અનુસાર ભારે વાહનો લજાઇ ચોકડી થી હડમતીયા ગામ, નાના-મોટા જડેશ્વર, વડસર તળાવ, રાતીદેવળી ગામ, વાંકાનેર શહેરની અંદર પ્રવેશી શકાશે નહી. ઉપરાંત મોરબીના રવાપર ગામ થી ઘુનડા(સ), સજ્જનપર, નાના-મોટા જડેશ્વર, રાતીદેવડી ગામ, વાંકાનેર શહેરની અંદર પ્રવેશી શકાશે નહી. ટંકારા ખીજડીયા ચોકડીથી અમરાપર, ટોળ, કોઠારીયા, મોટા જડેશ્વર, રાતીદેવડી ગામ, વાંકાનેર શહેરની અંદર પ્રવેશી શકાશે નહી. તેઓ માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં તેઓ લજાઇ ચોકડી તરફથી જતાં મિતાણા ચોકડીથી વાલાસણ ગામ, પીપળીયા રાજ, અમરસર, વાંકાનેર શહેર તરફ જઇ શકશે.