જડેશ્વરથી પરત ફરતા થયેલ અકસ્માતમાં પુત્રને પણ ઈજા પહોંચી: કાર ચાલક સામે ફરિયાદ
વાંકાનેરના રહેવાસી પિતા-પુત્ર બાઈક પર બેસીને જડેશ્વર તેમજ ભંગેશ્વર મંદિરે દર્શન કરવા ગયા હોય, ત્યારે કાર ચાલકે બાઈકને પાછળથી ઠોકર મારતા પિતા અને પુત્રને ઈજા પહોંચી હતી; જે બનાવ મામલે કાર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
વાંકાનેરના પ્રતાપ ચોકના રહેવાસી મહેન્દ્રભાઈ બચુભાઈ વાગડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬ ના રોજ સાંજના સુમારે મહેન્દ્રભાઈ તેના પુત્ર હર્ષ સાથે પોતાના બાઈક જીજે ૦૩ બીએફ ૩૯૩૨ લઈને જડેશ્વર અને ભંગેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા હતા અને તેની સાથે ભાઈ દીપકભાઈ ડાયાભાઇ અને શિવમ દીપકભાઈ પણ ગયા હતા. બધા દર્શન કરી વાંકાનેર ઘરે પરત આવતા હોય ત્યારે બાઈકમાં મહેન્દ્રભાઈ અને તેનો દીકરો હર્ષ બેસેલ હોય ત્યારે વડસર તળાવથી રાતીદેવળી તરફ જતા સફેદ કલરની કાર પુરઝડપે આવી હતી અને બાઈકને પાછળથી ભટકાડી અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં બાઈકમાં સવાર પિતા અને પુત્ર ફંગોળાઈ જતા બંનેને ઈજા થઇ હતી.
જેથી પિતા અને પુત્રને વાંકાનેર સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા, આમ મહેન્દ્રભાઈ અને તેનો પુત્ર હર્ષ બંને બાઈક લઈને જતા હોય ત્યારે સ્વીફ્ટ કાર જીજે ૦૩ ઈઆર ૮૬૮૪ ના ચાલકે અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં પિતા અને પુત્રને ઈજા પહોંચી હતી. વાંકાનેર સીટી પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.