દર્દીને ઈજા હોવાથી પોલીસ કેસનો મામલો છે અને સર્જન નહીં હોવાનું કહી સારવારની ના પાડી હતી
વાંકાનેર: વાંકાનેર તાલુકાના મહીકા ગામમાં રહેતા ખેડુતપુત્ર કે જે અમદાવાદમાં એક હોસ્પિટલમાં નોકરી કરે છે, તેની પર છરીથી હુમલો થયાનો બનાવ ગત રવિવારે બન્યાનું જાણવા મળેલ છે. અખબારી અહેવાલો મુજબ દરિયાપુરમાં આવેલી લોખંડવાલા હોસ્પિટલમાં દર્દીને બીજી હોસ્પિટલમાં લઈ જવાનું કહેનાર ડોક્ટર ઉપર દર્દીના ત્રણ સગાએ હુમલો કર્યો હતો. એક શખ્સે ડોક્ટરને પાંસળીમાં છરી મારી હતી…
મુળ વાંકાનેર તાલુકાના મહીકા ગામના પચ્ચીસ વર્ષીય સફવાન ઉસ્માનભાઈ બાદી દરિયાપુરમાં પ્રેમ દરવાજા પાસે આવેલી લોખંડવાલા હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. અઢી વર્ષથી આ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે કાર્યરત સફવાન બાદી પાસે રવિવારે રાત્રે એક દર્દીને લાવવામાં આવ્યા હતા. દર્દીને શરીરે ઈજા થયેલાનું જણાતાં તેમને લાવનાર બે વ્યક્તિને ડો. સફવાને પોલીસ કેસ થશે તેવી વાત કરી હતી. આ ઉપરાંત હોસ્પિટલમા હાલ કોઈ સર્જન હાજર ન હોવાથી બીજી હોસ્પિટલમાં લઈ જવા માટે કહેવાયું હતું. 
બીજી હોસ્પિટલમાં લઈ જવાનું કહેવામાં આવતાં દર્દી અને તેની સાથેના બે માણસોએ સ્ટાફ સાથે તેમજ ડો. સફવાન સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. ત્રણેય શખ્સોએ ડો. સફવાનને માર માર્યો હતો અને એક શખ્સે પેન્ટના નેફામાંથી ચપ્પુ કાઢ્યું હતું. ડો. સફવાનને છાતીની ડાબી બાજુએ પાંસળીના ભાગે ચપ્પુનો ઘા મારી દીધો હતો. ડો. સફવાનને લોહી નીકળવા લાગવાથી બૂમાબૂમ થતાં અને બીજા લોકો વચ્ચે પડતાં ત્રણેય માણસો ત્યાંથી નાસી છૂટ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટર ઉપર હુમલો કરનાર ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી શોધી કાઢી પકડી પાડવા દરિયાપુર પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ ડો. સફવાન બાદી ત્રણ ભાઈઓમાં સૌથી નાનો છે અને હાલ એમની તબિયત સારી છે….
