વાંકાનેરનું ગૌરવ
ચોથા ધોરણમાં ભણે છે
વાંકાનેર તાલુકાની વઘાસીયા પ્રાથમિક શાળાની ચોથા ધોરણની વિદ્યાર્થીની મહેવીસ ફિરોજભાઈ માથકીયાએ બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળા અને તાલુકાનું ગૌરવ વધાર્યું છે. તેણે ઝોન કક્ષાએ પ્રથમ નંબર મેળવી રાજ્ય કક્ષા સુધી પહોંચી હતી.

મહેવીસ પોતાની આગવી વક્તત્વ શૈલીથી સૌને પ્રભાવિત કરે છે. તેણે વાંકાનેર તાલુકા અને મોરબી જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં વિવિધ વિષયો પર વક્તવ્ય આપ્યું છે. જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી સમયે અધિકારીઓ અને પદાધિકારીઓ બીજા ધોરણમાં ભણતી આ બાળાને સાંભળી ચૂક્યા છે. શાળાના આચાર્ય અલ્પેશ દેસાણીએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષ દરમિયાન મહેવીસે સ્વચ્છતા, દેશની ગરિમા, મારી શાળા, ગાંધીજી મારી દૃષ્ટિએ, મારો દેશ ભારત, ગ્લોબલ વોર્મિંગ, મારા સપનાનું ભારત જેવા વિષયો પર વક્તવ્ય આપ્યું છે. તેઓએ ઉમેર્યું કે મહેવીસ બહુ પ્રતિભાશાળી છે અને વક્તત્વ ઉપરાંત વાર્તા કથન તેમજ અભ્યાસમાં પણ અવ્વલ રહે છે.

આ સરકારી શાળાના અન્ય બાળકો પણ વક્તૃત્વ સ્પર્ધા, વાર્તા સ્પર્ધા અને કવિતા લેખન જેવી સ્પર્ધાઓમાં જિલ્લા કક્ષા સુધી સફળતા મેળવી ચૂક્યા છે.આ સફળતા બદલ વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કિશોરભાઈ રાઠોડ, વાંકાનેર બી.આર.સી. કો-ઓર્ડિનેટર ઇરફાનભાઈ શેરસીયા, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા, વાંકાનેર પ્રાથમિક શૈક્ષિક સંઘ પ્રમુખ અશોકભાઈ સતાસીયા, વઘાસીયા ગામ અગ્રણી ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા ગ્રામજનોએ મહેવીસ અને વઘાસીયા શાળાને શુભેચ્છાઓ પાઠવી હતી…

