નબીરાઓ પાસેથી એક કલાકના રૂ/. ૮૦૦ વસૂલતો
સુરત શહેર એસઓજીએ ગતરાત્રે વેસુ ઉધના મગદલા રોડ હેપ્પી રેસિડેન્સીની સામે અરીસ્ટા કોમ્પલેક્ષમાં રીયલ એસ્ટેટની ઓફિસની આડમાં ત્રણ મહિનાથી ચાલતા હુક્કાબારને ઝડપી પાડી ત્યાંથી ૬ હુક્કા, ૧૫ પાઈપ, ૬ ચીલમ, કોલસાના બે બોક્સ, ફિલ્ટર, ઈલેક્ટ્રીક સગડી, ફ્લેવરના પાંચ ડબ્બા અને રોકડ રકમ વિગેરે મળી કુલ રૂ.૨૬,૫૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.એસઓજીએ જયારે રેંડ કરી ત્યારે ત્યાં ૧૨ નબીરા હુક્કાની મજા માણતા હતા.

એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પીએસઆઈ એમ.ડી.સરવૈયા અને પીએસઆઈ એમ.ડી.હડીયાને મળેલી બાતમીના આધારે સુરત શહેર એસઓજીએ ગતરાત્રે વેસુ ઉધના મગદલ્લા રોડ હેપ્પી રેસીડેન્સીની સામે અરીસ્ટા કોમ્પલેક્ષના સાતમા માળે ઓફીસ નં. ૭૧૧ માં રેડ કરતા ત્યાં રીયલ એસ્ટેટની ઓફીસની આડમાં ચાલતો હુક્કાબાર મળ્યો હતો…

એસઓજીએ હુક્કાબાર ચલાવતા શક્તિસિંહ નવલસિંહ ઝાલા (રહે. મૂળ લુણસરીયા તા: વાંકાનેર) ની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે ત્રણ મહિના અગાઉ ઓફિસ ભાડેથી લીધી હતી અને ભાડા કરાર કર્યા વિના તે રીયલ એસ્ટેટની ઓફિસની આડમાં હુક્કાબાર ચલાવતો હતો. તે હુક્કાની મજા માણવા આવતા નબીરાઓ પાસે એક કલાકના રૂ.૮૦૦ વસૂલી તેને વ્યવસ્થા કરી આપતો હતો. તે અગાઉ અન્ય સ્થળે આઠેક મહિનાથી હુક્કાબાર ચલાવતો હતો અને ત્રણ મહિનાથી અહીં શરૂ કર્યો હતો. કેટલાક વર્ષો અગાઉ ઉમરા વિસ્તારમાં ઝડપાયેલા હુક્કાબારમાં પણ તેનું નામ પોલીસ તપાસમાં ખુલ્યું હોવાનું જાણવા મળ્યું છે.હાલ તો એસઓજીએ તેના વિરુદ્ધ વેસુ પોલીસ મથકમાં ગુનો નોંધાવી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે…
