યુવકને બોલાવી બેફામ મારકૂટ કરી સાત લાખની ખંડણી મંગાઈ’તી
યુવાને બહેન પાસેથી દોઢ લાખ અને રીક્ષા વેંચી પૈસા ચૂકવ્યા’તા
રાજકોટ: કુવાડવા રોડ પર ખોરાણા ગામે શાકભાજીના ધંધાર્થી યુવાનના મિત્રને બંધક બનાવી બાદમાં યુવાનને ત્યાં બોલાવી બંનેને બેફામ મારમારી સાત લાખની ખંડણીની માગણી કરી યુવાન પાસેથી રૂ.2.20 લાખ પડાવી લેવાયાની ઘટનામાં પેરોલ ફર્લો સ્કવોડની ટીમે એક આરોપીને અમદાવાદના નિકોલથી ઝડપી લીધો હતો.
જાણવા મળ્યા મુજબ, ભક્તિનગર સર્કલ પાસે ગીતા મંદિરની બાજુમાં ફૂટપાથ પર રહેતા અને ત્યાં જ શાકભાજીનો વેપાર કરતા ગુણવંત ઉર્ફે ગુણો રાજુભાઈ મકવાણા (ઉ.વ 35) નામના યુવાને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અજય તથા તેની સાથેની બે અજાણ્યા શખસોના નામ આપી જણાવ્યું હતું કે, તેના મિત્ર ભૂપી ઉર્ફે ભુપેન્દ્ર સતનામસિંગ બાવરી (રહે. શ્રદ્ધા પાર્ક, રેલનગર) એ તેને કોલ કરી કહ્યું હતું કે, તેના બાઈકમાં પેટ્રોલ ખાલી થઈ ગયું છે હાલ ખોરાણા ગામે છે જેથી તેને પેટ્રોલ લઈ આવવાનું કહેતા મિત્ર ભાણા રાજપુતની રીક્ષામા બેસી ખોરાણા પહોંચ્યો હતો.
યુવાન અહીં પહોંચી જોતા સ્વીફ્ટ કારમાં તેનો મિત્ર ભૂપી બેઠો હતો તેની સાથે ત્રણ અજાણ્યા શખસો પણ હતાં. જેમાંથી એક શખસે તેને કારમાં બેસી જવાનું કહેતા તે કારમાં બેસી ગયો હતો ત્યાર પછી આ શખસે તેને કહ્યું હતું કે, તારા મિત્રને રૂપિયા 20,000 આપવાના છે. જેની સામે ભૂપીએ કહ્યું હતું કે તેને કોઈ પૈસા આપવાના નથી તે સાથે તેના મિત્ર ભૂપીને તે શખ્સોએ મારકૂટ શરૂ કરી દીધી હતી. પ્લાસ્ટિકના પાઇપ વડે બેફામ માર માર્યો હતો. જેથી ડરી જઇ યુવાને પૈસા આપવાની તૈયારી બતાવી હતી. બાદમાં સાત લાખની માંગણી કરતા યુવાને બહેન પાસેથી દોઢ લાખ અને રીક્ષા વેંચી રૂ. 2.20 લાખ આપ્યા હતા. જે અંગે કુવાડવા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
બનાવને પગલે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ ભરત બસિયા દ્વારા નાસતા ફરતા આરોપીને શોધી કાઢવાની આપેલ સૂચનાથી પેરોલ ફર્લો સ્કવોડના પીઆઈ ભાર્ગવસિંહ ઝણકાટના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે જી તેરૈયાની ટીમ આરોપીઓને પકડવા પ્રયત્નશીલ હતી.
તે દરમિયાન હ્યુમન સોર્સ અને ટેકનીકલ એનાલિસિસના આધારે કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં નાસતા ફરતા આરોપી રહે. ભગવતીપરા, સ્વામિનારાયણ ડેરી વાળી શેરી રહેતો અમીત ઉર્ફે રંધો ઉર્ફે કડિયો વિજય ખુમાણ (ઉ.વ.19) ને અમદાવાદના નિકોલ વિસ્તાર ખાતેથી ઝડપી લઇ કુવાડવા પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો હતો.

