ગામ લોકોને ઠેકાણું પૂછતો પૂછતો ઘોડેશ્વાર ફતેદાદાના ઘરે આવ્યો
‘મને એવું લાગે છે કે એ મારી નાખવા આવે છે’
મહારાજા ડોસાજીએ એક મુઠ્ઠી માટી કબર પર ઉદાસ મને નાખી
રમઝાનની 27 મી રાત્રે બધા શેરસીયા કુટુંબના ઘરમાં સળગતા દીવા ઓલવાઈ જશે
કડી ગુજરાતથી તીથવા આવેલા મોમીન સમાજના કાફલામાં શેરસીયા (નારેદાવાળા)ના પાંચ કુટુંબ હતા. (1) રહેમાનજી (2) જલાલજી (3) વલીમામદ (4) અલીભાઈ અને (5) મીમનજી. આ નામોમાં પ્રથમ ચાર સગા ભાઈ હતા, અને પાંચમા તેના ભત્રીજા હતા. રહેમાનજીના દીકરાઓનું કુટુંબ એટલે તીથવાના ખાનાવારા, વાઘાવારા, અમરસર પલાંસડીના શેરસીયા. જલાલજીનું કુટુંબ એટલે તીથવા, રાણેકપર, ઢુવા, વાંકિયાના આજના શેરસીયા. વલીમામદદાદાને ઔલાદમાં બે દીકરીઓ જ હતી. ભત્રીજા મીમનજીદાદાના વંશજો એટલે આજના કાનપર, ખીજડીયા, સણોસરા, પંચાસરના શેરસીયા. આ મોટો મોટો ઉલ્લેખ કરેલ છે, બાકી તો આ ફૂલવાડીમાં બધા નારેદાવાળા શેરસીયાના કુટુંબોનો સમાવેશ થાય છે. નાતમાં આજે 43 ગામમાં લગભગ બે હજારથી વધુ ઘર ધરાવતા શેરસીયા માત્ર બે ભાઈઓ અને એક ભત્રીજાના વંશજો છે. શહીદ ફતેદાદા ગુજરાતથી આવેલા ચાર ભાઈ પૈકીના શેરસીયા કુટુંબના ત્રીજા નંબરના વલીમામદદાદાના એકના એક દીકરા હતા. ફતેદાદાના અમ્માનું નામ ફાતેમા હતું.
લગભગ 180 વરસ પહેલાની આ વાત છે. કડીથી તીથવા આવ્યાને હજી તો માંડ દશકો પણ નહોતો થયો કે એક દિવસ એક ઘોડેશ્વાર તીથવા આવ્યો, તે મૂળ કડીનો અને મૂળુભા એનું નામ. એમણે શહીદ ફતેદાદાના પિતા વલીમામદના ખાસ સંબંધી હોવાની પોતાની ઓળખાણ આપી. વલીમામદદાદા જન્નતનશીન થઇ ગયેલા. ગામ લોકોને ઠેકાણું પૂછતો પૂછતો ઘોડેશ્વાર ફતેદાદાના ઘરે આવ્યો. દાદી ફાતેમાએ આવકાર આપી મોટો પંથ કાપી ઠેઠ કડીથી આવેલાને ધર્મનો ભાઈ બનાવ્યો. પોતાની દાદા સાથે ભાઈબંધીની ખોટી ખોટી વાતો ભૂ પાવામાં માહેર મૂળુભા દાદીને સંભળાવતો, દાદીમા પોતાના જન્નતનશીન ભરથારની વાતો રસથી સાંભળતા. દાદા સાથેના બાળપણના કેટલાક ઘડી કાઢેલા કિસ્સા એવી સ્ટાઈલથી મૂળુભાએ કહ્યા કે તેની પર ટાઢા પહોરના ગપ્પા હોવાની શંકા કરવાનું કોઈ કારણ ન રહે. ભોળા મનના દાદી બધી વાતો સાચી સમજી પોતાના વીતેલા જીવનને યાદ કરતા રહ્યા. ઘોડેશ્વારે શહીદ ફતેદાદાના ઘરે એક દિવસ ફરી પાછો આવી રાતવાસો કર્યો. દાદીએ લાપસી બનાવી જમાડી. સવારે આવનાર ઘોડેશ્વારે દાદીને પૂછ્યું: ‘આજે કઈ બાજુ કામે જવાના છો?’ દાદીએ તીથવાથી જડેશ્વર રોડ ઉપર ગંગાવાવ પાસે ભેંસ માટે ખડ લેવા જવાનું જણાવ્યું. ઘોડેશ્વારે કડી જવા ‘આવજો આવજો’ ની રીત નિભાવી રજા લઈને રવાના થઇ ગયો. પછેડી અને દાતેડું લઇ દાદી ખડ લેવા ઘરેથી નીકળતા હતા, ત્યારે શહીદ ફતેદાદાએ સાથે આવવાની જીદ્દ પકડી. દાદીએ તડકામાં સાથે આવવાને બદલે ઘરે જ રહેવા બહુ સમજાવ્યા. પણ જેણે હજી દુનિયા- દુનિયાના કાવાદાવા જોયા નથી, એવા ફતેદાદા બાળહઠ પકડી ના માન્યા, માં-દીકરો તીથવાથી ઓતરાદી દિશામાં ગંગા વાવ સામે આવેલ ખેતરે રવાના થયા. દાદી પછેડીની ફાંટ વારીને ખડ ભેગું કરવા લાગ્યા. નાના નાના હાથે ખડ તોડી તોડી ફતે દાદા પોતાની માંને મદદ કરવા લાગ્યા. હજી તો થોડું ઘણું ખડ લીધું હશે કે કડી જવા રવાના થયેલો ઘોડેશ્વાર ભેટમાં તલવાર સાથે આવતો દેખાયો. દાદાને કુદરતી રીતે જ ઘોડેશ્વારની નિય્યત પર શંકા જાગી. ફતે દાદા એને મામા કહેતા. માંને કહ્યું: ‘માં ! મામા આવે છે, પણ મને એનો ઈરાદો ઠીક લાગતો નથી… મને એવું લાગે છે કે એ મારી નાખવા આવે છે.’ દાદીને પણ દીકરાની વાતમાં દમ દેખાયો, આ માણસ મને કાં દીકરાને મારી નાખવા જ આવે છે. દાદીએ ફતે દાદાને કહ્યું, ‘તું ભાગીને બાજુના બાવળના ઝુંડ પાછળ છુપાઈ જા’ ‘તમને એકલા મૂકીને હું નૈં ભાગું. મામા તમને મારી નાખે તો?’ માં ને દીકરાના જીવની અને દીકરાને માં ના જીવની પરવા હતી. ‘તું મારી ફિકર ના કર. તું તારો જીવ બચાવી લે. ભાગ જલદી…’ ‘મારો જીવ જાય તો ભલે જાય, મારી માં ! પણ તમને રેઢા મૂકી હું ના ભાગું.’ ફતે દાદાને પોતાના જીવ કરતા માં નો જીવ વધારે વહાલો લાગ્યો. પોતાના જીવની કુરબાની આપી માં નો જીવ બચાવવાને મહત્વ આપ્યું.
દીકરો માનતો નથી અને ઘોડેશ્વાર નજીક આવતો જાય છે. દાદી મૂંઝાયા. ભાગ્યે ભેરું થાય એમ નથી. ‘દીકરા! તું ખડની આ ફાંટમાં છુપાઈ જા’ શહીદ ફતે દાદાને દાદી ફાંટમાં નાખી ખડ વાઢવા મંડયા. ઘોડેશ્વરે આવીને સીધા જ પૂછ્યું, ‘તારો દીકરો ક્યાં છે? મારે એને મારી નાખવો છે. ઠેઠ કડીથી અહીં એટલે તો ધક્કો ખાધો છે’ દાદીએ કહ્યું ‘એ તો તમારો ભાણેજ થાય અને હું રાંડીરાંડ બાઈ- મારે એક જ દીકરો છે’ ‘હું એક જ દીકરો ગોતું છું રાંડીરાંડનો અને એ પણ ભાણેજ ને જ’ કહી શંકા જતા ફાંટ બાંધેલી પછેડીને તલવારથી ચીરી નાખી. નીચે પડેલા ફતે દાદા ઉભા થયા.
તલવારનો બીજો ઘા દીકરા પર ન પડે તે માટે ઘા ને ઝીલવા- આડા પડવા દાદીએ ઘૂમરી ખાધી પણ મોડા પડયા. ફતેદાદાના માથા પર ઘા લાગ્યો. દાદા નીચે પડી ગયા.
ઘાયલ એકના એક દીકરાને જોઈ લાચાર માં એ એક નજર આસમાન તરફ કરી, રોતા રોતા ઇન્સાફની ગુહાર લગાવી. જેને ધર્મનો ભાઈ બનાવ્યો હતો, એની સામે જોઈ બોલી જવાયું, ‘તું હવે છ મહિના નહિ જીવે અને કમોતે મરીશ.’ ઘોડેશ્વાર ત્યાંથી ભાગ્યો. ભાગતાને જોઈ ફતેદાદાને માં નો જીવ બચી ગયાનો આનંદ થયો અને સદાને માટે દુનિયાને અલવિદા કરી જન્નતનશીન થઇ ગયા.
એકના એક લાલ- કલેજાના કટકાને આંખ સામે કતલ થતા કઈ માં જોઈ શકે? કઈ માં ની આંખમાંથી ફોરા જેવડા આંસુ ન વહે? દીકરાના મોઢે હાથ ફેરવતા જાય છે. ધા લૂછતાં જાય છે. સૂઝતું નથી, શું કરવું? દાદીમાએ મદદ માટે બૂમ પાડી. બાજુના ખેતરમાંથી માથકીયા કુટુંબના બે ખેડૂત દોડતા આવ્યા. એક ભાઈ મૈય્યત પાસે રહ્યો અને બીજાએ તીથવા ગામમાં આવી બનેલી ઘટનાની જાણ કરી. ધાર્મિક આસ્થાની વાત છે. દાદા પર તલવારનો ઘા થયો, પણ લોહી નહોતું નીકળ્યું, હાડકાની કણસો ઉડી હતી. ગામલોકો ગાડું જોડી બનાવના સ્થળે આવ્યા. દાદી શુદ્ધબુદ્ધ ખોઈ બેઠા છે, ‘જા બેટા! હું મારું દૂધ બખશું છું..અલ્લાહના દરબારમાં તારા બાપને મારા સલામ કહેજે. કહેજે કે હું તો કરબલાના મેદાનમાંથી આવું છું…’
આજે ભલે તીથવામાં સત્તરસો જેટલા ઘર હોય, પણ આજથી પોણાબસ્સો વરસ પહેલા માંડ એકસો જેટલા ઘર હશે, ત્યારના આવડા નાના ગામમાં દશ-બાર વરસના બાળકનું ખૂન થયાની વાત વાયુવેગે પ્રસરતા લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ. ખેતર, સીમ, નદી, તળાવ, ઘર, વાડા, ફરિયા બધાના રસ્તા દાદીના ઘર તરફના થયા. ત્યારે તીથવામાં ફટાયા જીવણજીએ ગઢ ચણાવેલો અને તે ગઢમાં જ રહેતા. જયારે એને ખબર પડી તો તે પણ હથિયાર સાથે મારતી ઘોડીએ જ્યાં દાદી ખડ લેવા ગયા હતા, ત્યાં આવી પહોંચ્યા. આજુબાજુના ખેતરમાંથી પણ માણસો આવી ગયા હતા. ઉભેલા આ ટોળા પાસે આવી દાદીમાંને મારનારના દેખાવ – પહેરવેશ વિષે અને કઈ બાજુ ગયાનું જાણી જીવણજી મારનાર સાથે બદલો લેવા ઘોડી દોડાવી મૂકી. મૈય્યતને ગાડામાં નાખી તીથવા ગામમાં ઘરે લાવ્યા. દફનવિધિની તૈયારી થવા લાગી. આ બાજુ જીવણજી રસ્તામાં વાવડ પૂછતા પૂછતા મારનાર મૂળુભા મકવાણાનો પીછો કરી ઠેઠ હળવદ રાજની હદમાં પહોંચી ગયા. મારનાર બહુ ચાલાક હતો, એને ખબર હતી કે પીછો થશે, એટલે એ ક્યાંય પાણી પીવા પણ રોકાયો નહોતો. વાડી ખેતર નદી નાળા ટપાડતો આડેધડ ઘોડી ભગાડતો. એને અને જીવણજીને ઝાઝુ છેટું નહોતું, પણ હળવદના આજના શિવરાજપુર ગામના પાધરમાં રાજની ચોકી હતી અને સૈનિકો ડયૂટી કરતા હતા. વાંકાનેર અને હળવદ રાજ વચ્ચે દુશ્મની હતી. દુશ્મન રાજાની હદમાંથી એને પાછું ફરવું પડયું. ખૂનીએ એટલે જ તીથવાથી અડધો ગઊ છેટે ત્યારના મોરબી રાજના જડેશ્વર જવાને બદલે વાંકાનેર રાજના દુશ્મન પાડોશી હળવદ જવા તીથવાથી દેવરી, પંચાસર, ભોજપરા, પાડધરા અને ઓળનો રસ્તો લીધેલો. પોતાની રૈય્યતના એક ગભરુ બાળકનું ખૂન કરનાર સામે બદલો ન લઇ શક્યાના દુઃખ સાથે વીલા મોંએ જીવણજી તેના ભત્રીજા રાજ ડોસાજી પાસે ગયા. વાંકાનેરમાં ત્યારે મહારાજા ડોસાજીનું રાજ હતું. રોંઢો થઇ ગયો હતો, પણ જીવણજીની ભૂખ ઉડી ગઈ હતી. વાંકાનેર રાજમહેલમાં આવી ભત્રીજાને બધી વાત કરી. વાંકાનેરની ગાદી પર જેટલા રાજા થઇ ગયા, તેમાં રાજ ડોસાજીની શૂરવીરતા આજે પણ વખણાય છે. પોતાની રૈયતની એક બાઈની ડોકમાંથી સોનાનો ચેન ઝુંટવી ભાગેલા બહારવટિયા જેવા કાઠીનો પીછો કરી ઠેઠ કુવાડવા જઈને મીણો ભણાવેલો, એમની બહાદૂરીના કિસ્સા ભવિષ્યમાં ક્યારેક, પણ તીથવાની આ વાત સંભાળી ગુસ્સાથી લાલચોળ થઇ ગયા, મારા રે’તા મારી રૈયતના એક બાળનું ખૂન? પણ હવે બહુ મોડું થઇ ગયું હતું. દુશ્મન સિમાડા વટાવી ચૂક્યો હતો, છતાંય જીવણજી સાથે ઘોડી પર મહારાજા ડોસાજી તીથવા આવ્યા. અહીં ફતેદાદાની દફનવિધિ ચાલી રહી હતી, ઘોડા કબ્રસ્તાનની બહાર રાખી મોજડી કાઢી ઉઘાડા પગે રાજપરિવારે હાજર જમાતની રજા લઇ થોડા છેટે ઉભા રહ્યા. આખરી અઝાન અપાઈ. મહારાજા ડોસાજીએ કાકા સાથે એક મુઠ્ઠી માટી કબર પર ઉદાસ મને નાખી. એના ધરમ મુજબ ભીની આંખે નમન કર્યું. બનાવ બહુ કરુણ હતો, વાંકાનેર પાછા ફરી ગયા.
દાદીના તો સાતેય વહાણ ડૂબી ગયા હતા. પોતાના ધણી પછી વ્હાલસોયો દીકરો પણ ગુમાવ્યો હતો. જાણે દુનિયા ખાલી ખાલી થઇ ગઈ હતી. જીવવામાં એને કોઈ રસ નહોતો. અધૂરા પૂરા કરતા હતા. પારકાને ધર્મનો ભાઈ બનાવ્યાની એને બહુ આકરી સજા મળી હતી. ભરોસો મૂકવો ભારે પડયો હતો. ગળેથી કોળિયો નીચે નહોતો ઉતરતો. જમવા જાય તો ઘાયલ તરફડતા દીકરાનું મોઢું નજર સામે તરવરતું અને હાથમાંથી કોળિયો નીચે પડી જતો. દીકરાના બાળપણના નખરા- ધીંગાણા- તોફાન- કાલી કાલી વાતો- ફરમાઈશોની યાદથી બેચૈનીની હદ તૂટી જતી. જીવણજીએ જયારે જાણ્યું કે ત્રણ દિ’ થી દાદીએ ખાધું નથી, એણે એના ધર્મપત્ની ઠકરાણા કે જે ગઢ બહાર નીકળતા નહિ, એને બગી ફરતે પડદો કરી દાદી પાસે મોકલ્યા. દાદીની આંખના આંસુ સુકાઈ ગયા હતા. આંખો ઊંડી બેસી ગઈ હતી. હાલતું ચાલતું માનવ નહીં, પણ પૂતળું બની ગયા હતા. માયાળુ સ્વભાવના ઠકરાણાએ સમ દઈને દાદીને કોળિયા દઈ જમાડયા- દિલાસો દીધો- સમજાવ્યા. આ બાજુ રાજમહેલમાં મહારાજા ડોસાજી ખૂની સાથે બદલો લેવા આકૂળ-વ્યાકૂળ હતા. કડીમાં ત્યારે મલ્હારરાવ નામનો જાગીરદાર હતો, જે ગાયકવાડ રાજને ખંડણી ભરતો. એણે દૂધમાં પાણી નાખનાર એક ભરવાડને જીવતો ચણી નાખેલો. મલ્હારરાવને પોતાના રાજના ગુન્હેગારને સોંપવા રાજ ડોસાજીએ કહેણ મોકલ્યું. પણ કોઈ પરિણામ ન આવ્યું. કડી કોઈ સિમાડાનું રાજ નહોતું કે લશ્કર મોકલી લડાઈ કરી શકાય. જયારે શેરસીયા કુટુંબના વડવા કડી રહેતા ત્યારે મૂળુભા, જે મકવાણા પરિવારનો હતો; તેમના કોઈ એકનું ખૂન થઇ ગયેલું અને તેને શેરસીયા કુટુંબ પર ખૂન કર્યાની શંકા હતી, શાંતિની ખોજમાં જ શેરસીયાએ ખાટા મને કડી છોડેલું, એની સાથે બાદી, કડીવાર અને ભોરણીયા કુટુંબ પણ હાલી નીકળેલું. કડીના જાગીરદારે ત્યાંની દરગાહમાં આપેલી ત્રણસો વીઘા જમીન પાછી લઇ લીધેલી. આમ મોમીનો અને જાગીરદાર સાથેના સંબંધો બગડેલા જ હતા. રાજમહેલમાં મહારાજા ડોસાજીને આકૂળ-વ્યાકૂળનું કારણ જયારે રાણીએ પૂછ્યું તો તીથવાની બનેલી મન હલાવી નાખતી આખી ઘટના કહી ઉમેર્યું, ‘મારા રાજની એક વિધવા બાઈના એકના એક દીકરાનું ખૂન કરી નાખનાર એ મૂળુભા મકવાણાને સજા કરી ન્યાય ન અપાવું ત્યાં સુધી મને ચૈનની નીંદર શીદને આવે?’ ‘પણ એ બાઈ ખૂનીને કેવી સજા ઈચ્છે છે; એ તો જાણો…’ રાણીએ વેવારની વાત કરી. દશમાંના લોબાન પછી રાજા ફરી તીથવા આવી દાદીને વલોવાતા મનથી મળ્યા. પૂછયું, ‘મારી બોન! મારી માવડી !! તારા ગુન્હેગારને ગમે તેમ કરી તારી સામે હાજર કરું, ઘાણીએ નાખી તેલ કાઢું કે ઉકળતી કળાઈમાં ઝબોળું? માથું વાઢી તારા પગમાં મૂકું? તું શું સજા કરવા ઈચ્છે છે?’ ‘એમ કરવાથી જો ગયેલા પાછા આવતા હોય તો એમ કરો..’ દાદી ઊંડો શ્વાસ લઇ બોલ્યા, ‘એને સજા તો મારો પરવરદિગાર આપશે…મેં બધું અલ્લાહ પર છોડી દીધું છે’ રાજા બધું સમજી ગયા. દુઃખના પહાડથી દબાયેલા દાદીની રજા લઇ પાછા વાંકાનેર આવી ગયા
માથકિયા કુટુંબના વાડી માલિક એક વીઘા જેટલી જમીનમાં ખેતી કરતા નથી અને વાડીની પૂરી અદબ જાળવે છે થોડા દિવસો બાદ ફતે દાદાએ શેરસીયા કુટુંબના બે- ત્રણ પરહેઝગાર આગેવાનોને ખ્વાબમાં બશારત કરી કે ‘પોતે શહીદ થયા છે, ગામલોકોને આ બાબતે જાણ કરો’ જેમને ખ્વાબ આવેલા એમણે વઝુ કરી દુવા કરી કે અમારી વાત પર ગામલોકોને ભરોસો ન પણ આવે. વધુ બશારત આપો. કોઈ એવી નિશાની કે જેનાથી બધાને ભરોસો આવે’
આથી દાદા ફતેએ ખ્વાબમાં જણાવ્યું કે આવતી રમઝાનની 27 મી રાત્રે બધા શેરસીયા કુટુંબના ઘરમાં સળગતા દીવા ઓલવાઈ જશે. ત્યારે લાઇટ તો શું, ફાનસ પણ હતા નહીં અને લોકો રાત્રે દિવાના અજવાળે જ ઝીંદગી વિતાવતા. બશારતની જાણ ગામલોકોને કરી. તીથવા આહમદભાઈ (મોટા માસ્તર)ના જણાવ્યા અનુસાર ગુજરાતથી દાદા જલાલજી તીથવા રહેવા આવેલા. તેમને ચાર દીકરા હતા (1) અમનજીદાદા (2) જમાલદાદા (3) સાજીદાદા અને (4) માનાદાદા. તેમની સાથે ભત્રીજા રાજેદાદા પણ આવ્યા હતા. તીથવામાં આવેલા આ નારેદાવાળા શેરસીયા કુટુંબના જલાલજી પછીની બીજી પેઢીએ ચાર અને ત્રીજી પેઢીએ ત્યારે માત્ર બાર ઘર જ હતા. તીથવામાં આ બધાના ખોરડા એક ઢુંગલે જ હતા. રમઝાનની સત્તાવીશમી રાત આવી પહોંચી. બાર વાગ્યા પછી શેરસીયા કુટુંબના બધા ઘરના દિવા ઓલવાઈ ગયા. એકાદ- બે ઘરના દિવા ઓલવાઈ શકે, પણ શેરસીયા કુટુંબના જ ઘરના દીવાનું ઓલવાવું, જ્યારે અન્યોના ઘરમાં દીવા સળગતા રહ્યા; એ બશારત સાચી હોવાની નિશાની હતી. ગામ આખાએ આ જોયું. આ કરામત પછી ગામ લોકોએ તેમનો શહીદનો દરજ્જો સ્વીકાર્યો આ ધાર્મિક બાબત છે, શ્રદ્ધા હોવી જરૂરી છે- અંધશ્રદ્ધા નહીં. માનવું – ન માનવું સૌની અંગત બાબત છે. ગૈરકોમના હાથથી આપસી રંજીશથી કતલ થવામાં શહીદી મળતી નથી. પણ અહીં માં નો જીવ બચાવવાના હેતુથી ફતેદાદાએ પોતાનો જીવ ખોયો હતો. પેટમાં પાપ રાખી ધર્મના ભાઈનું નાટક કરનાર મૂળુભા પછીથી દાદીમાના શ્રાપ મુજબ, ત્રણ મહિનામાં બે દિવસની વાર હતી; ત્યારે તે રહસ્યમય રીતે મરી ગયેલો. તેના મૃત્યુના સમાચાર પણ મોતના ત્રણ દિવસ પછી ત્યાંના એક ભરવાડે આપ્યા, ત્યારે ખબર પડેલી.
તીથવા ફતે દાદાના કુટુંબે જ્યાં દાદા દફન છે, ત્યાં 2001 માં રોજો બનાવ્યો. તેમને સંદલ મુબારક રમજાન માસના 26 માં ચાંદે ઝોહર બાદ ચડે છે અને ઉર્ષ મુબારક મનાવાય છે. દાદા ફતે જ્યાં શહીદ થયા છે, તે ગંગા વાવની સામે જ આવેલી વાડી; કે જેના માલિક હાલ તિથવાના માથકીયા અબ્દુલભાઈ મીમનજીભાઈ છે, તે જગ્યાએ એક રાફડો બની ગયેલો. પછીથી શેરસીયા કુટુંબે એક ઓટો બનાવેલો. જે જર્જરીત થતા તેના જુના બેલાથી એક નવો ઓટો વાડી માલિકે બનાવેલ છે. વાડી માલિક ત્યાં લગભગ એક વીઘા જેટલી જમીનમાં ખેતી કરતા નથી અને હાલમાં પણ છોડી દે છે. આજે પણ માથકિયા કુટુંબના વાડી માલિક જયારે પણ નવું ખેતી કાર્ય, પછી તે વાવણી, નિંદામણ કે લણણી હોય, ત્યારે ફતેદાદાના ફાતિયાની રસમ નિભાવે છે અને આ વાડીમાં ખેતી કાર્ય કરતી વખતે કોઈ પણ પેશાબ- પાણી કરતા નથી. વાડીની પૂરી અદબ જાળવે છે. આ કુટુંબ ઉર્ષમાં મજારમાં સોળ પહેલા ચડાવે છે. આ જગ્યાએ વસુંધરાનું વર્ષો જૂનું એક ઝાડ ઊભું હતું. જે પાંચેક વર્ષ પહેલા પડી ગયું છે. આજુબાજુમાં આ ઝાડ સૌથી ઊંચું હતું.
માહિતી સ્ત્રોત: મર્હુમ પટેલ હસનભાઈ અલાવદીભાઈ, પવનચક્કીના રસ્તે, તીથવા, તા: વાંકાનેર, તેમના દીકરા ઈબ્રાહીમભાઈના મો: 94290 43821 આલેખન: નઝરૂદીન બાદી મો: 78743 40402
ખાસ નોંધ: કમલ સુવાસ ન્યુઝમાં પ્રગટ થયેલ કોઈ પણ લેખની આપને જરૂર હોય તો બુકમાં લખી લેવો, અમારી પાસે આવા લેખ છપાયેલા કે લખેલા નથી અને ભવિષ્યમાં વેબ સાઈટ પર પણ વાંચવા મળી નહીં શકે

