સમઢિયાળાનો પરીવાર માલિયાસણની સીમમાં લુંટાયો
સોના-ચાંદીના દાગીના અને રોકડનું લૂંટ
રાજકોટ: મૂળ વાંકાનેર તાલુકાના સમઢિયાળાના હાલમાં માલિયાસણ સીમમાં રહેતા ખેત મજૂરના ઘરે તસ્કરો ત્રાટકયા હતાં અને ખેત મજૂર પરિવારના મકાનમાંથી રૂ.1.04 લાખની મતાની ચોરી કરી નાસી છૂટતાં કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી શોધખોળ આદરી હતી…
બનાવ અંગે હાલ માલિયાસણ ગામમાં આઈશર શો રૂમની બાજુમાં નવલભાઈ અગ્રવતની વાડીમાં રહેતાં મૂળ વાંકાનેરના સમઢીયાળા ગામના વતની પ્રભાભાઈ ભીમાભાઈ સાદરીયા (ઉ.વ.60) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ખેતમજુરી કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. તેઓના પત્ની અમદાવાદ-રાજકોટ હાઇવે રોડ ઉપર માલીયાસણ ગામથી આગળ વી.પી. મોટર્સ ખાતે જમવાનું
બનાવવા જાય છે. તેઓને સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. તેમનો પુત્ર પરીવાર સાથે નાકરાવાડી ખાતે રહે છે. તેમજ ફરીયાદી તેમના પત્ની અને પૌત્રી સાથે રહે છે. તેઓ અહી છેલ્લા ચારેક વર્ષથી રહે છે. બનાવના સવારના આઠેક વાગ્યાની આસપાસ તેઓ બંસલ પેટ્રોલપંપ ખાતે કામે ગયેલ તથા પત્નિ અને પૌત્રી તેના કામે ગયેલ હતી. બપોરના બારેક વાગ્યે તેઓ ઘરે જમવા માટે આવેલ અને 
જમીને થોડીક વાર આરામ કરેલ બાદ બે વાગ્યે ઘરે તાળુ મારી ફરી બંસલ પેટ્રોલપંપ ખાતે કામે ગયેલ અને સાંજના સાડા પાંચેક વાગ્યે પરત ઘરે આવીને જોયેલ તો ઘરના દરવાજાનો આગળીયો તેમજ તાળુ તુટેલ હાલતમાં જોવા મળેલ હતું. જેથી ઘરનો દરવાજો ખોલી અંદર જોયેલ તો બધો ઘરનો સામાન અસ્ત વ્યસ્ત હતો. જેથી તેઓ ઘર બહાર ઉભા રહી ઓળખીતાને ફોન કરી જાણ કરી હતી. જે બાદ પરીવારજનો
પણ આવી જતાં તેમની પત્નિ તથા પૌત્રીએ ઘરમાં જઈ બધો સામાન જોયેલ તો જાણવા મળેલ કે પત્નિની સોનાની વારી નંગ 6 રૂ.20 હજાર, પૌત્રીની સોનાની બુટી રૂ.42 હજાર, ચાંદીની લક્કી, ચાંદીની માળા તેમજ તેઓએ થેલામાં રાખેલ રોકડા રૂ.40 હજાર જે પત્નિએ ઘરમાં ટીફીનના ખાનામાં રાખેલ હોય તે જોવામાં આવેલ નહી. જેથી કોઈ અજાણ્યો તસ્કર ઘરમાં ઘુસી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ.1.04 લાખનો મુદ્દામાલની ચોરી કરી નાશી છુટ્તાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ આદરી હતી…
