માટેલના મહેશભાઈ મહારાજ અને વીરપર ગામના રણજીતભાઈ કોળી સહિત અનિલ નામના યુવાને દિઘડિયા નજીક નર્મદા કેનાલમાં ડૂબી રહેલાનો જીવ બચાવ્યો
હળવદ : હળવદ તાલુકાના દીઘડિયા ગામે ગઈ કાલે મોટી દુર્ઘટના થતી અટકી હતી. નર્મદા કેનાલમાં નાહવા પડેલા ત્રણ યુવાનો ડૂબી રહ્યા હતા તે વેળાએ અન્ય બે યુવાનો કાંઠે બેઠા હોય તેઓએ બુમાબૂમ કરતા બાજુના વાડીએથી યુવાન કેનાલ કાંઠે દોડી આવી વાયર અને દોરડા કેનાલમાં નાખી ત્રણેય યુવાનોને મહાન મહેનતે બચાવી લીધા હતા.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી રહેતા વિકાસભાઈ કોળી, માટેલના મહેશભાઈ મહારાજ અને વીરપર ગામના રણજીતભાઈ કોળી સહિત પાંચ યુવાનો આજે હળવદ આવ્યા હતા. હળવદ કામ પતાવી સરા તરફ જઈ રહ્યા હતા
ત્યારે ગઈ કાલે સાંજના છએક વાગ્યે દીઘડીયા ગામ પાસેથી પસાર થતી મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલમાં મહેશ,વિકાસ અને રણજીત નાહવા પડ્યા હતા અને તેના અન્ય બે મિત્ર કેનાલ કાંઠે બેઠા હતા.
જોકે કેનાલમાં નાહવા પડેલા ત્રણેય મિત્ર કેનાલમાં વધુ પાણી હોવાના કારણે ડૂબી રહ્યા હોવાની જાણ કાંઠે બેઠેલા બે મિત્રોને થતા તેઓ દ્વારા બૂમાબૂમ કરવામાં આવી હતી જેથી બાજુની જ વાડીએ રહેતા અનિલભાઈ મગનભાઈ મકવાણા નામનો યુવાન અવાજ સાંભળી કેનાલ કાંઠે દોડી આવ્યો હતો
અને ત્રણેય યુવાનોને ડૂબતા જોઈ વાડીએ ઝટકા મશીન માટે લાવવામાં આવેલ વાયર તેમજ દોરડા તાત્કાલિક લઈ આવી ત્રણેય યુવાનોને મહાન મહેનતે કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
અનિલભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે જે યુવાનો ડૂબી રહ્યા હતા અને આ ત્રણેય યુવાનોને જે જગ્યાએથી બહાર કાઢવામાં આવ્યા તેનાથી 10 ફૂટ દૂર જ અંડરગ્રાઉન્ડ કેનાલ હોય જેના કારણે જો થોડું પણ મોડું થયું હોત તો ત્રણેય યુવાનો આ અંડરગ્રાઉન્ડ નાળામાં ગરકાવ થઈ જાત; જેથી તેઓને ગોતવા પણ મુશ્કેલ બની જાત.