વિવિધ ક્ષેત્રના આગેવાનો, મહાનુભાવો સામાજિક કાર્યકર્તાઓ, હોદ્દેદારો હાજર રહ્યા
વાંકાનેર તાલુકાના છેવાડાના ગામ માટેલ ખાતે સર્વોદય સેવા સંઘ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા (આશ્રમશાળા) ખાતે વિવિધ લોકાર્પણનાં કાર્યક્રમનું આયોજન થયું હતું. ગાંધી-મૂલ્યો-વિચારોને વરેલા આગેવાનો : આજીવન લોકસેવક, સ્વાતંત્ર્ય-સેનાની, ખાદી- રચનાત્મક ક્ષેત્રના આગેવાન, પૂર્વ-મંત્રી વજુભાઈ શાહ, આજીવન સમાજ-સેવિકા, ખાદી-રચનાત્મક ક્ષેત્રનાં આગેવાન, પૂર્વ-સાંસદ જયાબેન શાહ તથા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલના નિકટના સાથી, સ્વાતંત્ર્ય-સેનાની, આઝાદી પહેલા સ્વયંભૂ પોતાનું રાજ ત્યાગીને પ્રજાને સોંપનાર સહુપ્રથમ રાજવી, ભારતીય બંધારણ સભાના સ્થાપક સભ્ય, ઢસા (જિ. અમરેલી) અને રાય-સાંકળી (જિ. સુરેન્દ્રનગર)ના દરબાર ગોપાળદાસ દેસાઈની પુણ્યસ્મૃતિમાં વજુભાઈ શાહ કન્યા છાત્રાલય, જયાબેન શાહ કુમાર છાત્રાલય અને દરબાર ગોપાળદાસ દેસાઈ સભા ખંડ તેમજ પીવાના પાણી માટે નર્મદા નીરની પાઈપલાઈન, નર્મદા નીર માટે સ્ટોરેજ ટાંકો અને પરિસરમાં પેવર-બ્લોકનું લોકાર્પણ કરાયું હતું. જયાબેન શાહ-વજુભાઈ શાહની પ્રેરણા અને માર્ગદર્શનથી ૧૯૭૮માં સ્થપાયેલ આ સેવાભાવી સંસ્થાના સહુપ્રથમ પ્રમુખ જયાબેન શાહ હતાં. આથી જયાબેન શાહની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે આનું સવિશેષ મહત્વ છે.

સાહિત્ય-શિક્ષણ-સંસ્કૃતિ પ્રેમી,સંનિષ્ઠ મોરબી જિલ્લા વિકાસ અધિકારી પી. જે. ભગદેવ (આઈએએસ), ગ્રામ સ્વરાજ મંડળ (પારડી)ના પ્રમુખ અને સહકારી ક્ષેત્રના અગ્રણી ધીરૂભાઈ ધાબલિયા, વજુભાઈ શાહ- જયાબેન શાહના અમેરિકા સ્થિત વૈજ્ઞાનિક પુત્ર ડો. અક્ષયભાઈ શાહ અને અમદાવાદ સ્થિત અર્થશાસ્ત્રી પુત્રી ડો. અમિતાબેન શાહ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, લોકગાયક, સાહિત્ય-લોકસાહિત્ય-અભ્યાસુ, શિક્ષણવિદ્ અભેસિંહ રાઠોડ, સર્વોદય સેવા સંઘ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી દિલીપભાઈ શુક્લ, પ્રમુખ ખોડાભાઈ ખસીયા અને ટ્રસ્ટી પ્રભુભાઈ વિંઝુવાડિયા, વાંકાનેર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અજયભાઈ વિંઝવાડિયા, સરપંચ મુન્નાભાઈ દૂધરેજિયા (માટેલ), પથુભા ભનુભાઈ (જામસર), પૂર્વ સરપંચ જગતસિંહ ઝાલા (ઢુવા), સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ (રાજકોટ)ના ઉપ-પ્રમુખ વલ્લભભાઈ લાખાણી અને મંત્રી પરાગભાઈ ત્રિવેદી, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન અને ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગની સેન્ટ્રલ ખાદી માર્ક કમિટીના પૂર્વ-ચેરમેન ગોવિંદસિંહ ડાભી, મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ (મોરબી)ના પ્રમુખ દેવકરણભાઈ કંજારિયા અને મંત્રી ભરતભાઈ પટેલ, સૌરાષ્ટ્ર ગાંધીજી ગ્રામોધ્ધાર ટ્રસ્ટ (ગઢડા)ના વસંતભાઈ રાવલ અને સુરેશભાઈ દેવમુરારી, સતરંગ આશ્રમ (અમરાપુર)ના મહંત હરિરામબાપુ, સ્વેટોસ સેનેટરીવેરના જીતુભાઈ અને ચેતનભાઈ કૈલા, જયમલભાઈ ચૌહાણ, આચાર્ય જિગ્નેશભાઈ આદ્રોજા, શિક્ષિકા રેખાબેન ડાભી, વિનુભાઈ વાઘેલા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.લોકગાયક અભેસિંહ રાઠોડે મેઘાણી- ગીતોના આસ્વાદ થકી સ્વરાંજલિ અર્પણ કરી હતી.

અહિ અભ્યાસ કરતાં આર્થિક-સામાજિક વંચિત વિદ્યાર્થીઓ સાથે પી. જે. ભગદેવ, ધીરૂભાઈ ધાબલિયા, ડો. અક્ષયભાઈ શાહ, ડો. અમિતાબેન શાહ અને પિનાકી મેઘાણીએ જ્ઞાન-ગોષ્ઠિ કરીને પ્રેરણા આપી હતી. દિલીપભાઈ શુક્લએ સંસ્થા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ગ્રામ સ્વરાજ મંડળ-ધીરૂભાઈ ધાબલિયા (પારડી), ડો. અક્ષયભાઈ વજુભાઈ શાહ (અમેરિકા), ડો. બારીન્દ્રભાઈ ગોપાળદાસ દેસાઈ (અમેરિકા), માટેલ ગ્રામ પંચાયત, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ (રાજકોટ), ખાદી કાર્યાલય (ચલાલા), સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન (રાજકોટ) અને અન્ય સંસ્થાઓ, વ્યક્તિઓ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો માટે આર્થિક સહયોગ અપાયો હતો.

જયાબેન શાહની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે નિવાસી પ્રાથમિક શાળા (માટેલ) ઉપરાંત ગ્રામ સ્વરાજ મંડળ (પારડી) દ્વારા સંચાલિત જયાબેન શાહ મહિલા વિકાસ કેન્દ્ર (શાપર-વેરાવળ) અને લોકસેવા કેન્દ્ર (કોટડા- સાંગાણી)ને સંપૂર્ણ મેઘાણી-સાહિત્ય પુસ્તકોના સેટ ભેટ અપાયાં હતાં.