આજુબાજુના ૧૦ ગામના વિદ્યાર્થીઓની શિક્ષણ માટે રઝળપાટ
વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ-વિરપર સંયુક્ત ગ્રામ પંચાયત દ્વારા એવી ફરિયાદ ઉઠી છે કે માટેલ ગામમાં હાઈસ્કૂલ શરૂ કરવામાં આવે. જેથી ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને શિક્ષણ મળી શકે.
વાંકાનેર તાલુકાના માટેલ ગામની વસ્તી 5000 થી વધુ છે. હાલમાં માટેલ ગામમાં માધ્યમિક શાળા નથી. માધ્યમિક શાળા મળવામાં બાબતે ગ્રામજનોએ ગામના સરપંચ તેમજ સાંસદ મોહન કુંડારીયાને રજૂઆત કરી હતી, કારણ કે 2020 માં માટેલ ગામને સાંસદ કુંડારીયા દત્તક લીધું હતું. આ ઉપરાંત ગ્રામજનો દ્વારા ગાંધીનગર શિક્ષણ મંત્રીને પણ માધ્યમિક શાળા મળવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ વર્ષ 2020 માં ગાંધીનગર ખાતેથી એવો જવાબ આપવામાં આવ્યો હતો કે શાળા માટે હાલ ગ્રાન્ટ નથી; ગ્રાન્ટ આવ્યા બાદ મંજૂરી આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે માટેલ ગામ સહિત આસપાસના ૧૦ ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ઝંખે છે. જ્યારે શાળાના અભાવે તેમનો અભ્યાસ અટકી પડ્યો છે. અને ઘણા તો અભ્યાસ છોડી રહ્યા છે ત્યારે ગ્રામજનોની એક જ માંગ છે કે શાળામાં હાઈસ્કૂલ શરૂ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને શિક્ષણ મળતું રહે અને શાળાના અભાવે તેમનું શિક્ષણ અટકે નહીં.