વાહનો પાણીના પ્રવાહમાં તણાયા: ઘણા મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા
સાઉદી અરેબિયાના શહેર મક્કામાં શુક્રવારે રાત્રે અચાનક મુશળધાર વરસાદ બાદ પૂર આવ્યું હતું. પૂરને કારણે વાહનો અને મિલકતોને ભારે નુકસાન થયું હતું. સોશિયલ મીડિયા પર પૂરના વીડિયો ફૂટેજ ફરતા થઈ રહ્યા છે. જેમાં વાહનો પાણીના પ્રવાહમાં વહી જતા જોવા મળે છે. જ્યારે ઘણા મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
મળતા રિપોર્ટ અનુસાર, મક્કામાં ગુરુવારે રાત્રે અને શુક્રવારે સવાર સુધી મુશળધાર વરસાદ પડ્યો હતો. સાઉદી અરેબિયાના નેશનલ સેન્ટર ઓફ મીટીરોલોજીએ શુક્રવારે મક્કા પ્રાંતમાં ચેતવણી જારી કરી હતી કારણ કે રાનિયા, તૈફ, અધમ અને માયસાન વિસ્તારોમાં મધ્યમથી ગંભીર વરસાદ ચાલુ રહ્યો હતો.
મક્કા મસ્જિદના વિડિયો ફૂટેજમાં મસ્જિદના પ્રાંગણમાં શ્રદ્ધાળુઓ અને ઉપાસકો ભારે વરસાદમાં ભીંજાતા જોવા મળ્યા હતા. જેદ્દાહમાં કિંગ અબ્દુલ અઝીઝે એરપોર્ટે મુસાફરોને એરપોર્ટ પર પહોંચતા પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિની પુષ્ટિ કરવા કહ્યું. કારણ કે, ખરાબ હવામાનને કારણે કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. મક્કા વિશ્વભરના મુસ્લિમો માટે સૌથી મોટા તીર્થ સ્થળોમાંનું એક છે. ભારે વરસાદને કારણે અહીંની ગ્રાન્ડ મસ્જિદમાં પણ પાણી ભરાઈ ગયા હતા.