તબીબી બેદરકારીનો આક્ષેપના પગલે પોલીસે કાનૂની તપાસનો દોર લંબાવ્યો






આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતી અલ્પાબેન જગદીશભાઈ સાકરીયા નામની 30 વર્ષની પરિણીતાને પ્રસૂતિની પીડા ઉપડી હતી. તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટમાં આવેલી ક્રાઈસ્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં અલ્પાબેન સાકરીયાએ સિઝેરિયન બાદ પુત્રને જન્મ આપ્યો હતો. બાદમાં અલ્પાબેન સાકરીયા ભાનમાં નહી આવતા બેભાન હાલતમાં કરૂણ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
આ અંગે પ્રાથમિક પૂછપરછમાં મૃતક અલ્પાબેન સાકરીયાના આઠ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. તેણીના પતિ જગદીશભાઈ રાજકોટમાં મોરબી રોડ ઉપર આવેલ સેટેલાઇટ ચોકમાં ડેરી ધરાવે છે. અને આઠ આઠ વર્ષથી સંતાન સુખની ઝંખના કરતી પરિણીતાએ આઠમા વર્ષે સંતાન સુખ મળ્યું હતું.
પ્રસુતિ દરમિયાન તબીબોએ સાંજના ચાર વાગ્યે સિઝેરિયન કરવાનું જણાવ્યા બાદ વચ્ચે બીજા ત્રણથી ચાર કેસ હાથ ઉપર લઈ લીધા બાદ રાત્રીના પોણા નવેક વાગ્યાના અરસામાં સિઝેરિયન કરી પુત્રને જન્મ અપાવ્યો હતો. તબીબોએ સિઝરીયનમાં મોડું કરતા બેદરકારીના કારણે અલ્પાબેન સાકરીયાનું મોત નીપજ્યું હોવાનો પતિ જગદીશભાઈ સાકરીયાએ આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે પોલીસે કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.