વારસાઈ નોંધ ખોટી રીતે મંજૂર કરાવી
રાજકોટ-ગોંડલના 29 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો
રાજકોટની ભાગોળે અમરગઢ-ભીચરી ગામે આવેલી વાંકાનેરના મુસ્લિમ વૃદ્ધાની કરોડો રૂપિયાની કિંમતની જમીનમાં ભળતાં નામે વારસાઈ એન્ટ્રી કરાવી લઈ રાજકોટના 29 શખસોના નામે ચડાવી લીધા બાદ આ જમીનના ઉતરોતર વેચાણ-વ્યવહાર પણ કરી નાખવામાં આવ્યા હતા. જો કે સવા વર્ષ પહેલાં આ જમીન વેચવા માટે વૃદ્ધાના પરિવારજનો 7/12 અને 8-અના દાખલા મેળવવા ગયા ત્યારે તેઓના પિતાજીની માલિકીની જમીન અન્યોના નામે ચડી ગઈ હોવાનું સામે આવતા વૃદ્ધા અને તેમના પરિવારજના હોશકોશ ઉડી ગયા હતા. સમગ્ર મામલે પ્ર.નગર પોલીસ મથકમાં ભળતા નામે વારસાઈ નોંધ કરાવી લેનાર રાજકોટ-ગોંડલના 29 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
મળેલ જાણકારી મુજબ મુળ રાજકોટ તાલુકાના ખેરડી ગામના વતની અને હાલ વાંકાનેર મીલ પ્લોટ ખાતે રહેતા જુબેદાબેન હાસમભાઈ લીંગડિયા (ઉ.વ.79) નામના વૃદ્ધાએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમના પિતા હાસમભાઈ જીવાભાઈ લીંગડિયાની જમીન રાજકોટ તાલુકાના અમરગઢ-ભીચરી ગામે આવેલી છે. જૂના રેવન્યુ સર્વેનંબર 87, નવા સર્વેનંબર 177 પૈકી તથા સર્વેનંબર 177 પૈકી 2 જે ખેતરનું નામ ‘લોંઘણચોરા’’ તરીકે ઓળખાય છે અને અંદાજે 11 એકરથી વધુ જમીન પર તેમના પિતા હાસમભાઈ જીવાભાઈ લીંગડિયા ખેતી કરતા હતા.
દરમિયાન છેલ્લા 40 વર્ષથી હાસમભાઈ જીવાભાઈ જમાભાઈ ઘાંચી વાંકાનેર રહેવા જતા રહ્યા હતા અને બાદમાં આ જમીનની દેખરેખ તેમના પુત્રી જુબેદાબેન, તેમના નાનાભાઈ અલારખાભાઈ અને જુસબભાઈ રાખતા હતા જેમાં તા.28-12-1997ના રોજ હાસમભાઈ જીવાભાઈ જમાભાઈ લીંગડિયાનું વાંકાનેર ખાતે અવસાન થયું હતું અને બાદમાં વર્ષ 2020માં અલારખાભાઈ અને જુસબભાઈનું પણ અવસાન થતા ખેતીની સમગ્ર જમીનની દેખરેખ જુબેદાબેન તથા અલારખાભાઈનો પુત્ર રહીમ કરતો હતો.
અંદાજે સવા વર્ષ પહેલાં જુબેદાબેન અને તેમના પરિવારજનોએ આ જમીન વેચવાનું નક્કી કરી 7/12ના દાખલા કઢાવવા જતા આ જમીન હિતેશ પ્રેમજી સેલિયા તેમજ અનિલ વિઠ્ઠલભાઈ ખુંટના નામે થઈ ગઈ હોવાનું 7/12માં જોવા મળતા જુબેદાબેનના ભત્રીજા રહીમભાઈ અલારખાભાઈએ તપાસ કરતા ચોંકાવનારું સત્ય સામે આવ્યું હતું. જેમાં જુબેદાબેનના પિતા હાસમભાઈ જીવાભાઈ જમાભાઈ ઘાંચીના બદલે હાસમભાઈ જીવાભાઈ ગીગાભાઈ ધાડાના વારસદાર હવિબેન હાસમભાઈ ધાડા (રહે.રાજકોટ) તેમજ જીલુબેન ઓસમાણભાઈ ધાડા (રહે.ડૈયા ગામ, તા.ગોંડલ) વગેરે 29 લોકોના નામે ગેરકાયદેસર રીતે ભળતા નામે વારસાઈ નોંધ કરાવી હોવાનું સામે આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે બાદમાં જીલુબેન ઓસમાણભાઈ ધાડા સિવાયના 28 વ્યક્તિઓએ પોતાની વારસાઈ નોંધ ખોટી રીતે મંજૂર કરાવ્યા બાદ બાકીના અન્ય 28 વ્યક્તિઓએ પોતાનો હક્ક જતો કરી ફારગતિ દસ્તાવેજ કરાવ્યો હતો અને બાદમાં જીલુબેન ઓસમાણભાઈ ધાડાએ વર્ષ-2017માં અનિલ વિઠ્ઠલભાઈ ખુંટ તેમજ દલસુખ પ્રાગજીભાઈ ચોથાણીના નામે વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો. ત્યારપછી અનિલ વિઠ્ઠલ ખુંટે તેઓનો અવિભાજ્ય હિસ્સો હિતેશ પ્રેમજીભાઈ સેલિયાના નામે વર્ષ-2018માં કરી આપ્યો હતો અને દલસુખ પ્રાગજીભાઈ ચોથાણીએ પોતાનો અવિભાજ્ય હિસ્સો અનિલ વિઠ્ઠલભાઈ ખુંટના નામે 29-10-2018ના રોજ કરી આપ્યો હતો.
ત્યારબાદ આ જમીન અનિલ વિઠ્ઠલભાઈ ખુંટ તેમજ હિતેશ સેલિયાએ આયુષ કમલેશભાઈ રામાણીને વર્ષ-2023માં વેચાણ કરી આપી હતી જેની સામે લેન્ડ રિવિઝન કેસમાં મનાઈ હુકમ ફરમાવેલો હોય આ જમીન રેવન્યુ રેકર્ડમાં આયુષ કમલેશભાઈ રામાણીના નામે ચડી નથી જેથી હાસમભાઈ જીવાભાઈ ધાડાના વારસદારોએ સોગંદનામું અને પેઢીનામું કરી જુબેદાબેનના પિતાજી એટલે કે હાસમભાઈ જીવાભાઈ જમાભાઈ લીંગડિયાની જમીનમાં ગેરકાયદેસર વારસદાર હોવાનું જણાવી નોંધ કરાવી લઈ ઉતરોતર ફારગતિ અને વેચાણ દસ્તાવેજ કરી ગુનાહિત કાવતરું રચી કરોડો રૂપિયાની જમીન હડપ કરી લેતા ગુનો નોંધાયો હતો.
