બકરી માટે પાણી ભરવા કુંડી ઉપરથી પગ લપસતા તે કૂવામાં પડી ગઈ
ટંકારા: તાલુકાના અમરાપર રોડથી જીવાપર ગામ તરફ જવાના રસ્તે વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીર દીકરી બકરી માટે કુવામાંથી પાણી ભરવા ગઈ હતી ત્યારે અકસ્માતે તે કૂવામાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી તે સગીરાનું મોત નિપજ્યું હતું…
જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના અમરાપર રોડથી જીવાપર જવાના રસ્તા ઉપર આવેલ ગોવિંદભાઈ અમરશીભાઈ પટેલની વાડીએ રહીને મજૂરી કામ કરતા રામાભાઇ રમણભાઈ સંગાડની 13 વર્ષની દીકરી તોલીબેન કૂવામાં પડી જતા પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલો ખાતે લઈને આવ્યા હતા અને
આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી માહિતી મુજબ મૃતક તોલીબેન બકરીને પાણી પીવડાવવા માટે થઈને કૂવાની બાજુમાં આવેલ કુંડી ઉપર ચડીને કૂવામાંથી પાણી ભરવા ગઈ હતી ત્યારે અકસ્માતે પગ લપસતા તે કૂવામાં પડી ગઈ હતી, પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે…