વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી-સાંસદ મોહન કુંડારિયા આમનેસામને
રાજકોટઃ ભાજપમાં મોટેભાગે આંતરિક વિવાદ થતો જોવા મળતો નથી. અન્ય રાજકીય પાર્ટીઓની સરખામણીએ ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો જાહેરમાં કોઈ એકબીજા વિરુદ્ધ નિવેદન આપતા હોતા નથી. જો કે, મોરબી જિલ્લામાં ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવી ગયો છે. અહીંયા ભાજપના સાંસદ સભ્યો અને ભાજપના જ ધારાસભ્ય એકબીજા વિરુદ્ધ ખુલીને જાહેરમાં આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે.
સાંસદ મોહન કુંડારીયા અને વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી ફરી આમનેસામને આવી ગયા છે. વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં પણ એકબીજા પર પ્રહારો કર્યા હતા. 2024 પહેલા બંને આમનેસામને આવી ગયા છે. રાજકોટના સાંસદ મોહન કુંડારીયાના નિવેદનને લઈ વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ નિવેદન આપ્યું હતું.
જીતુભાઈ સોમાણીએ તાજેતરમાં ભાજપના રાજ્યસભાના સાંસદ તરીકે કેસરીસિંહ ઝાલાનું નામ જાહેર કર્યું હતું અને તે બિનહરીફ રાજ્યસભાના સાંસદ ચૂંટાયા હતા. ત્યારબાદ કેસરીસિંહ ઝાલાએ કાર્યક્રમ યોજ્યો હતો. તેમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ હાજરી આપી નહોતી. પોતાની ગેરહાજરી અંગે જીતુભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે, ‘2022 મારો વિજય થયો ત્યારે કેસરીદેવસિંહ ઝાલાએ હાજરી નહોતી આપી, એટલે મેં હાજરી નથી આપી નથી. મોહનભાઈ કુંડારીયાએ નિવેદનમાં મારું નામ નથી લીધું, કોણ કોના શું ધંધા છે બધાને ખબર નથી.’
જીતુ સોમાણીનો સાંસદને પ્રત્યુત્તર
મોહન કુંડારીયાનો વીડીયો વાયરલ થયા બાદ જીતુભાઈ સોમાણીએ મોહન કુંડારીયાને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યુ હતુ કે, ‘કોઈની ઉંમર થાય તો બફાટ કરી શકે છે. આંતરિક જૂથવાદ મોહન કુંડારીયાની ટેવ છે. એની ઉંમર થઈ છે પગ નીચેથી ધરતી સરકી રહી છે એટલે આવો બફાટ કર્યા કરે છે. મને ધારાસભાની ટિકિટ આપવામાં આવી તે પણ પાર્ટીનો નિર્ણય હતો અને કેસરીદેવસિંહને રાજ્યસભાની ટિકિટ આપવામાં આવી તે પણ પાર્ટીનો નિર્ણય છે.’
સાંસદ મોહન કુંડારિયા શું બોલ્યા હતા?
સાંસદ મોહન કુંડારિયાએ સ્પીચમાં જણાવ્યુ હતુ કે, ‘ઘણાં લોકોને એમ હતું કે 2024માં પૂરું થઇ જશે પણ હવે તો અહીંથી શરૂ થાય છે અને 2029 સુધી સાંસદ તો વાંકાનેરના જ રહેવાના છે.’ આ જ ભાષણમાં આક્રમક રીતે પ્રહાર કરતા એક કહેવત સાથે કહ્યુ હતુ કે, ‘ખેડૂત ગાડામાં લીલું ભરીને જાય, રસ્તો ગમે તેવો હોય બળદ વફાદારીપૂર્વક લઇ જાય છે. ત્યારે નીચે શ્વાન આવી જાય તો એને એમ લાગે કે ગાડું તે ખેંચે છે, પણ વાસ્તવમાં ગાડું બળદ ખેંચતા હોય છે.’
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ