થરાદ જિલ્લામાં કલેકટર તરીકે મુકાયા
મોરબી: રાજ્ય સરકાર દ્વારા નવરચિત વાવ-થરાદ જિલ્લા કલેકટર તેમજ ડીડીઓ તરીકે બે સનદી અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે જેમાં મોરબીના લોકપ્રિય જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિને વાવ થરાદ જિલ્લાના પ્રથમ જિલ્લા કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.

૧ જાન્યુઆરી ર૦રપના રોજ જિલ્લો બનાસકાંઠા જિલ્લાના વિભાજનથી વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે. જેમાં વાવ, થરાદ, સુઈગામ, દિયોદર, લાખાણી, ભાભર, રાહ અને ધરણીધર જેવા ૮ તાલુકાઓનો સમાવેશ થયો છે જેનું વહીવટી મથક થરાદમાં આવેલું છે. ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લઈ આજે મંગળવારે મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિની વાવ થરાદ જિલ્લા કલેકટર તરીકે નિમણુંક કરી છે. સાથે જ વલસાડના પ્રોજેક્ટ ડાયરેક્ટર કાર્તિક જીવાણીની વાવ થરાદ ડીડીઓ તરીકે નિમણુંક કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે. એસ.પ્રજાપતિએ ડીડીઓ હોવા છતાં મોરબી શહેર અને જિલ્લા માટે લોકાભિમુખ કામગીરી કરી મોરબી શહેર જિલ્લાના વધુને વધુ યુવાનો સરકારી નોકરી મેળવે તે માટે અનેક આયોજન કરી મોક ટેસ્ટ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, રેલવે ભરતીમાં ફોર્મ ભરવા માટે હેલ્પડેસ્ક શરૂ કરવા, ઉચ્ચ અધિકારીઓને ગામડે-ગામડે મોકલી ગ્રામ્ય પ્રજાજનોને મળતી સેવાઓની ચકાસણી કરાવવી સહિતની કામગીરી કરવાની સાથે ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ અટકાવવા મહત્વનો પરિપત્ર કરી આકરા નિર્ણયો પણ લીધા હતા.