ખાનગી હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ
ડોક્ટરે કોથળી સાફ કરવાનું ઓપરેશનહાથ ધરી પછી પુરતી સુવિધા ન હોવાનું જણાવ્યું
રાજકોટ: કુવાડવાની ખાનગી હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપી માતાએ દમ તોડી દીધો હતો. જેમાં ખાનગી હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ થઈ રહ્યો છે. પરિવારે તબીબી બેદરકારીનો ગંભીર આક્ષેપ કરતા પોલીસે પરિવારનું નિવેદન લીધું છે, મૃતદેહનું પી.એમ. કરાવી વિશેરા લઈ વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર, ચીગુબેન દીપકભાઈ કામળિયા (ઉંમર વર્ષ 25, રહે.નવાગામ રાણપુર પાસે ગુરુ ઇન્ડસ્ટ્રીઝ, તા. જિ. રાજકોટ)ને પ્રસ્તુતિની પીડા ઉપડતા કુવાડવા ખાતે આવેલી શાંતિ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં હોસ્પિટલના ડોક્ટરે તેમને દાખલ કર્યા હતા. બુધવારે રાત્રીના આઠેક વાગ્યે ડિલિવરી બાદ પુત્રીનો જન્મ થયો હતો. ત્યારબાદ પરિવારને જાણ થઈ હતી કે ચીકુબેન ની તબિયત લથડી છે. એકાએક વધુ દુ:ખાવો ઉપડતા હોસ્પિટલના તબીબે વધુ એક ઓપરેશન કર્યું હતું. ત્યારબાદ પણ ચીગુબેનની તબિયતમાં સુધારો થયો નહોતો. આ તરફ તબીબોએ ઊંચા હાથ કરી દેતા જે હોસ્પિટલમાં પૂરતી સગવડતા ન હોવાનું જણાવી દર્દીને ઝનાના હોસ્પિટલમાં રીફર કરી દેતા ચીંગુબેનનું અહીં ટૂંકી સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. 

મૃતકના પતિ દીપકભાઈ મજૂરીકામ કરે છે. સંતાનમાં બે પુત્રી છે. તેમણે આક્ષેપો કરતા જણાવ્યું કે, પત્નીની ડિલિવરી કર્યા બાદ તેને અસહ્ય દુ:ખાવો ઉપડતા ડોક્ટરે લોહીની કમી હોવાનું કહી સગર્ભાના પતિ પાસે બહારથી બે લોહીની બોટલો મંગાવી હતી. પત્નીને વધુ બ્લીડિંગ થતા કોથળી સાફ કરવાનું કહી ડોક્ટરે કોથળી સાફ કરવાનું ઓપરેશન શરૂ કરી દીધું હતું અને પછી પુરતી સુવિધા ન હોવાનું કહી ઝનાનામાં ખસેડવાનું કહ્યું હતું. આ અંગે કુવાડવા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
