શરૂ થયેલા વિકાસકાર્યની ગુણવત્તા ચકાસી
સાંસદે ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
વાંકાનેર: છેવાડાના ગામડાઓ સુધી પાકા રસ્તાની સુવિધા પહોંચાડવાના સંકલ્પ સાથે વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામથી વિરપર સુધીના RCC રોડનું નિર્માણ કાર્ય પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના વિશેષ પ્રયત્નોથી મંજૂર થયેલા આ રોડના કામની પ્રગતિ અને ગુણવત્તાની સમીક્ષા કરવા માટે તેઓએ રૂબરૂ સ્થળ મુલાકાત લીધી હતી.
સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ રાતાવીરડા-વિરપર રોડના કામના સ્થળે પહોંચીને એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો પાસેથી ટેકનિકલ વિગતો મેળવી હતી. રસ્તાના નિર્માણમાં વપરાતી સામગ્રી અને ધોરણોની ચકાસણી કરતા તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે, રોડનું કામ ઉચ્ચ ગુણવત્તા સાથે અને નિયત સમયમર્યાદામાં પૂર્ણ થવું જોઈએ જેથી ચોમાસા દરમિયાન કે અન્ય સમયે ગ્રામજનોને અવરજવરમાં મુશ્કેલી ન પડે.
આ મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદે ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધીને ગામના પડતર પ્રશ્નો અને જરૂરિયાતો વિશે ચર્ચા કરી હતી. ગ્રામીણ સ્તરે માળખાકીય સુવિધાઓ મજબૂત બને તે માટે તેઓ હંમેશા તત્પર રહેશે તેવી ખાતરી પણ આપી હતી.
રાજ્યસભા સાંસદ દ્વારા કરવામાં આવેલા આ નિરીક્ષણથી ગ્રામજનોમાં પણ આનંદની લાગણી પ્રસરી છે. વાંકાનેર તાલુકાના અંતરિયાળ વિસ્તારોને મુખ્ય માર્ગો સાથે જોડવા અને પાકા રસ્તાઓની સુવિધા આપવાની નેમ સાથે સાંસદ સતત કાર્યરત હોવાનું આ તકે જણાવાયું હતું…