સાંસદે રાતીદેવરી-પંચાસર પુલના રીપેરીંગની કામગીરી પૂર્ણ કરવા અંગત રસ દાખવ્યો હતો
પુલને ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા રીબીન કાપી ખુલ્લો મુકાયો હતો
વાંકાનેર: રાતીદેવરી-પંચાસર બાયપાસ રોડ પર દોઢેક વર્ષ મચ્છુ નદી પર આવેલ મેજર બ્રીજમાં એક ગાળામાં ડેમેજ થવાથી તંત્ર દ્વારા રાતીદેવરી પંચાસર રોડ બંધ કરવામાં આવ્યો હતો. રોડ બંધ થવાથી તમામ વાહનો શહેરમાંથી પસાર થતા હોવાથી મુખ્ય રસ્તાઓ ચોવીસ કલાક ટ્રાફિકની સમસ્યાથી ઘેરાયેલા રહેવાથી લોકોને અનેક પ્રકારની યાતનાઓ ભોગવી રહ્યા હતા. 
શહેરમાં ટ્રાફિક સમસ્યા ઘેરી બનતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ ગાંધીનગર સુધી પુલની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવે તેવી રજૂઆતો કરી હતી. જો કે પુલના એક ગાળાની મરામત માટે દોઢ વર્ષનો સમય લાગ્યો જેના માટે કુદરતી આફ્તો તેમજ કોન્ટ્રાક્ટરની બેદરકારી જવાબદાર ગણાવી શકાય છતાં અવાર નવાર સાંસદ ઝાલા દ્વારા રજૂઆતો કરી પુલના રીપેરીંગની કામગીરી પૂર્ણ કરવા અંગત રસ દાખવ્યો હતો.

પુલને ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા રીબીન કાપી ખુલ્લો મુકાયો હતો, ત્યારે ખુલ્લો મૂકવામાં આવેલા પુલની સાંસદ સમીક્ષા કરવા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આખા પુલ પર પગપાળા ચાલી કામગીરીની સમીક્ષા કરી હતી જેમાં ખાસ કરીને બે ગાળા વચ્ચેના જોઈન્ટ તેમજ નાની મોટી કામગીરી બાબતે ઉપસ્થિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને કામગીરી પુરી કરવા તાકીદ કરી હતી..
