કોંગ્રેસ પણ હાલ-બેહાલ !!
પ્રમુખ/ ઉપપ્રમુખના નામો પણ ફાયનલ થઇ ગયાનું મનાય છે
વાંકાનેર: અહીં પાલિકાની પેટા ચુંટણીમાં ભાજપના બે જુથો વચ્ચે વોર્ડ નં.6 માં મતદાન સ્લીપથી ભારે વિવાદ સર્જાયો છે. જીલ્લા ભાજપ દ્વારા મતદારોને આપવામાં આવતી મતદાન સ્લીપ છપાવી વાંકાનેર શહેર ભાજપ મહામંત્રી દિપક પટેલને આપેલ હતી. અખબારી અહેવાલો મુજબ શહેર ભાજપ મહામંત્રી દિપક પટેલે શહેર ભાજપ અધ્યક્ષ પરેશભાઈ ગઢવીને જણાવેલ કે સ્લીપો સળગાવી નાખી છે જે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના સમર્થકોને ધ્યાને પડતા વિવાદ ચરમસીમાએ પહોચેલ છે. હકીકતમાં તપાસમાં ખબર પડી કે મતદાર સ્લીપો ઉપર નરેન્દ્રભાઈ મોદી, અમીત શાહ, સી.આર. પાટીલ, ભુપેન્દ્રભાઈ પટેલ તથા જીતુભાઈ સોમાણીના ફોટા હોવાથી સ્લીપોમાંથી ફોટા કટીંગ કરી સ્લીપોનું વિતરણ કરાયું છે…

વાંકાનેર નગરપાલિકાની ચુંટણી જાહેર થઈ ત્યારથી બન્ને જુથો વચ્ચે પોતપોતાના સમર્થકોને મેદાનમાં ઉતારવા સહીતની પ્રક્રિયાના અંતે ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નકકી થયેલ ફોર્મ્યુલા મુજબ ધારાસભ્ય જુથના 19 ઉમેદવારો તથા સાંસદ જુથના પાંચ સભ્યોને લેવાનું નકકી થયેલ હતું. જેમાં વોર્ડ વાઈઝ પેનલો નકકી થયા કરતા વધુ ઉમેદવાર જાહેર થતા જ ઉકળતા ચરૂ જેવું વાતાવરણ જોવા મળતું હતું જેનું કારણ સાંસદ જુથના વધુ એક ઉમેદવારની જાહેરાત થઈ હતી.
વોર્ડ નં.6 માં ભાજપના ચાર ઉમેદવારોમાં બે સાંસદ જુથના અને બે ધારાસભ્ય જુથના ઉમેદવાર હતા તેવી જ રીતે વોર્ડ નં.2 માં ધારાસભ્ય જુથના 3 ઉમેદવાર અને એક 1 સાંસદ જુથના તેમજ વોર્ડ નં.3 માં બન્ને જુથના એકેએક ઉમેદવાર ચુંટણી લડી રહ્યા છે. તેમજ વોર્ડ નં.2 માં ભાજપ, કોંગ્રેસ માટે સીધી લડાઈ ચાલી રહી છે તેમજ વોર્ડ નં.3 માં ત્રીપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે જેમાં ભાજપ, આપ અને કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાં છે. જયારે વોર્ડ નં.4 માં કોંગ્રેસ, એનસીપીના ઉમેદવાર વચ્ચે લડાઈ જામી છે. આ ઉપરાંત વોર્ડ નં.6 માં ભાજપ અને (કહેવાતા) આપ બન્ને મેદાનમાં છે તેવી જ રીતે વોર્ડ નં.7 માં ભાજપ, બસપા વચ્ચે સીધો જંગ ખેલાઈ રહ્યો છે. આ ઉપરાંત વાંકાનેર ભાજપના પરંપરાગત હરીફ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પીરઝાદા વચ્ચે વર્ચસ્વની લડાઈ લડાતી હોય છે. પરંતુ આ પાલિકાની ચુંટણી દરમ્યાન વોર્ડ નં.6 માં ભાજપના બે ઉમેદવારો માટે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જાવિદભાઈ પીરઝાદા દ્વારા મીટીંગ થઈ હતી, તેવું જાણવા મળી રહ્યું છે. હાલ કોંગ્રેસના દિગ્ગજ એવા પીરઝાદા, મહંમદભાઈ રાઠોડ તથા ઝાકીરભાઈ બ્લોચની મદદ લઈ વોર્ડ નં. 6 સાથે બાકીના વોર્ડમાં કોંગ્રેસ પ્રેરિત લોકોને મદદ કરવાનો જે મત માટે જે સોદા થયાનું ચર્ચાય છે…
અત્રે પક્ષ પર જૂથબંધી હાવી થઇ ગઈ છે, પરંતુ વિશ્લેષકોનું માનવું છે કે કેટલાક વોર્ડમાં ભાજપના એક જૂથનો દબદબો છે, તે જળવાઈ રહયો છે અને પરિણામ દિવા જેવું સ્પષ્ટ છે કે કયો પક્ષ મેદાન મારશે, અને તે પક્ષના પ્રમુખ/ ઉપપ્રમુખના નામો પણ ફાયનલ થઇ ગયાનું મનાય છે, વધુ ઉથલપાથલ થાય એવું લાગતું નથી. જોવાનું એ છે કે પરિણામ શું આવે છે અને પછીના રાજકીય સમીકરણો કેવા રચાય છે…
