વાંકાનેર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થતાં ભાજપ, કોંગ્રેસ અને આપે ચૂંટણી મેદાને ઉતારવા મૂરતિયાઓની શોધખોળ આદરી છે. ભાજપે અસંતોષના ડરથી પાલિકા-પંચાયતની ચૂંટણીમાં નો રિપીટ થિયરી લાગૂ કરવા લગભગ મન બનાવી લીધુ છે. 60 થી વધુ વય હશે અને બે ટર્મથી વધુ સમયથી ચૂંટનારાને ટિકિટ નહી મળે. વાંકાનેરમાં ભાજપ ટિકિટ વાંચ્છુકોમાં 60 થી વધુ વય અને બે ટર્મથી વધુ સમયથી ચૂંટનારા સભ્યો પણ છે, આથી કોની કોની ટિકિટ કપાશે, એની ચર્ચા શરુ થઇ ગઈ છે. ભાજપમાં સ્થાનિક મનાતા બે ગ્રુપમાં કોને મહત્વ મળે છે, એની પર પણ મીટ છે….
ગુજરાતમાં હાલ 66 પૈકી 42 પાલિકા પર ભાજપનો કબજો છે. પાલિકા-પંચાયતની ચૂંટણીમાં મૂરતિયાઓની પસંદગી કરવા માટે ભાજપે નિરીક્ષકોને જવાબદારી સોંપી છે. છેલ્લાં બે દિવસમાં દાવેદારોને મળીને સેન્સ પ્રક્રિયા આટોપી લેવામાં આવશે. નિરીક્ષકો દાવેદારોના નામોની પેનલ તૈયાર કરી પ્રદેશ નેતાઓને સોંપી દેશે. વાંકાનેરમાં ભાજપ ક્યા ઉમેદવાર પસંદ કરે છે, એ પણ મહત્વનું છે…
સૂત્રોના મતે, આગામી 29-30મી જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઇ રહી છે જેમાં ઉમેદવારાના નામો પર મહોર મારવામાં આવશે. તા.1લી ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે તે જોતાં 31 મીએ ભાજપ ઉમેદવારોના નામોની ઘોષણા કરે તેવી પૂરેપુરી શક્યતા જોવાઇ રહી છે. 16મી ફેબ્રુઆરી પાલિકા-પંચાયતની ચૂંટણી યોજાશે. જ્યારે 18મીએ ચૂંટણી પરિણામો જાહેર થશે. આ પરિણામના બીજા દિવસથી વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થશે. પાલિકા-પંચાયતની ચૂંટણી પછી શહેર-જીલ્લા પ્રમુખોના નામોની જાહેરાત થઇ શકે છે….