કમલ સુવાસ ઈમ્પૅક્ટ: સંપાદકીય લેખની અસર: આભાર!
વાંકાનેર પાલિકાના સત્તાધીશો આટલું કરશે? ના શિર્ષક હેઠળ તારીખ: 23/05/2023 ના નાગરિકોની વ્યથા વર્ણવાઈ હતી
અમે અગાઉ લખ્યું હતું કે વાંકાનેર શહેર, તાલુકા અને તાલુકા બહારથી આવતા અનેક વાહનચાલકો માટે વાંકાનેર શહેરના ખખડધજ રોડ- રસ્તાઓ માથાના દુઃખાવા સમાન છે. ભૂગર્ભ ગટરના કામ પછી રસ્તાનો કચ્ચરઘાણ કાઢી નાખવામાં આવેલ છે. રોજના હજારો વાહનો આવતા – જતા રસ્તાઓ ઉપર સાઈડમાં ગટર માટેના અને રસ્તા વચ્ચે પાણીની પાઈપલાઈન લેવા ખોદવામાં આવેલા ચરેરા ઠેર ઠેર જેમના તેમ છે.
પાણીની પાઇપલાઈન કાઢવા રસ્તો ખોદવા માટે અરજદાર પાસેથી સમારકામનો નિયમ મુજબ ખર્ચ વસૂલી પછી મંજૂરી આપે છે, પરંતુ પછી, પછી જ રહી જાય છે. નગરપાલિકા તરફથી મહિના નહિ, વરસો સુધી સમારકામ કામ કરવામાં આવતું નથી
અને નાગરિકોના લલાટે ખરબચડા રસ્તાની પિડા ભોગવવાની આવે છે. શેરીઓ તો ઠીક, મુખ્ય રસ્તાઓ પર પણ આ ચરેરા જેમના તેમ રહી જાય છે- રહેલા છે.
અમારા આ લખાણ પછી આખરે વાંકાનેર શહેરના રસ્તા વચ્ચોવચ્ચ રહેલા ચરેરા અને ખાડાઓ પાલિકાએ ડામરથી પૂર્યા છે. ચોમાસુ માથા પર છે અને મોરમને બદલે ડામરથી સમારકામ કર્યું છે, એ સારી વાત છે. શહેરીજનોનો માથાનો દુખાવો અમુક અંશે ઓછો થયો છે.