સિરામિક ફેકટરીમાં કિલનના કોન્ટ્રાક્ટરને અજાણ્યા શખ્સે દુકાનમાં પતાવી દઈ લાશ ફેંકી દીધી
વાંકાનેર : તાલુકાના માટેલ – ઢુવા રોડ ઉપર દુકાનમાં રહેતા અને સિરામિક ફેકટરીમાં કિલનનો કોન્ટ્રાકટ ધરાવતા યુવકને કોઈ અજાણ્યા હત્યારાએ બોથડ પદાર્થ વડે માથાના ભાગે માર મારી હત્યા કરી નજીકમાં જ લાશ ફેંકી દેતા હત્યાના બનાવ અંગે ફરિયાદ નોંધાઈ છે.
મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામે રહેતા અને થાનમાં ફેકટરીમાં કોન્ટ્રાકટ ધરાવતા દેવજીભાઈ સોમાભાઈ ઝરવરિયાએ પોતાના મિત્ર અને રોસા સિરામિક ફેકટરીમાં કિલનનો કોન્ટ્રાકટ ધરાવતા ઓરિસ્સાના વતની ઉત્તમ વિકાસ સાહુ નામના યુવકની કોઈ અજાણ્યા ઇસમે હત્યા કરી નાખી હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો.
વધુમાં મૃતક ઉત્તમ વિકાસ સાહુ અને ફરિયાદી અગાઉ સાથે કામ કરતા હોય પરિચયમાં આવ્યા હતા. જે બાદ જન્માષ્ટમીના તહેવાર સમયે ઉત્તમ દેવજીભાઈને મળ્યો હતો અને દેવજીભાઈને રહેવા માટે દુકાન ભાડે અપાવવાનું કહેતા દેવજીભાઈએ માટેલ ઢુવા રોડ ઉપર દુકાન ભાડે અપાવી હતી જેમાં ઉત્તમ રહેતો હતો. જેમાં 
ગઈકાલે બપોરના સમયે ઉત્તમ જ્યાં રહેતો હતો ત્યાં બાજુમાં જ આવેલ પાનની દુકાનના સંચાલકે દેવજીભાઈને ફોન કરી તેમની દુકાન બહાર લોહીનું ખાબોચિયું ભરાયેલ હોવાનું જણાવતા દેવજીભાઈએ આવી તપાસ કરતા ઉતમની હત્યા કરી અજાણ્યા હત્યારા લાશને દુકાન સામે ઢસડીને ફેંકી દીધી હોવાનું સામે આવતા હત્યાના બનાવ અંગે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યા અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
