સમથેરવા ગામના સરપંચ ફરિયાદી બન્યા
મૃતદેહને સીમમાં જાળી જાખરામાં નગ્ન હાલતમાં ફેંકી દેવામાં આવેલ
વાંકાનેર: તાલુકાના સમથેરવા ગામની સીમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેના શરીર ઉપર મારના નિશાન હતા અને પ્રાથમિક તપાસમાં યુવાનનું મોત માર મારવાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું જેથી હાલમાં સમથેરવા ગામના સરપંચની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધાયો છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેરના સમથેરવા ગામના સરપંચ વિજયભાઈ બચુભાઈ ઉકેડીયા (ઉ.33)એ અજાણ્યા શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે સમથેરવા ગામની સીમમાં સરકારી ખરાબની જગ્યામાં 
તા. 8/4 ના રોજ સવારે 11:00 વાગ્યાના અરસામાં અજાણ્યા 40 થી 50 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેના શરીર ઉપર મારના નિશાન જોવા મળતા હતા જેથી આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી અને મૃતક યુવાનના મૃતદેહને
પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને મૃતક યુવાનને કોઈપણ સમયે કોઈપણ જગ્યાએ લાકડાના ધોકા વડે શરીરે આડેધડ મારમારીને ગંભીર ઇજાઓ કરવામાં આવી હોય જેથી તે યુવાનનું મોત નીપજયું હોવાનું સામે આવ્યું છે અને હત્યા કરીને મૃતક યુવાનના મૃતદેહને સમથેરવા ગામની સીમમાં જાળી જાખરામાં નગ્ન હાલતમાં ફેંકી ગયેલ છે જેથી 
આ બનાવ સંદર્ભે હાલમાં સરપંચે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે સાથોસાથ મૃતક યુવાનની ઓળખ મળેલ નથી જેથી તેના શરીર ઉપર બનાવવામાં આવેલ ટેટૂ તેમજ તેને પહેરેલા કપડાં વિગેરે ઉપરથી મૃતક યુવાનનું ઓળખ મેળવવા માટે જુદીજુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી છે…

