જો સોયલ ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવે તો શું?
વાંકાનેર: જન્માષ્ટમીના મેળા માટેનું મેદાન હરાજી કરીને આપવામાં આવ્યું હતું અને ત્યારે હરાજીમાં સાત પાર્ટી દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધુ 18 લાખની બોલી બોલવામાં આવી હતી જેથી તે પાર્ટીને મેળાનું મેદના આપવામાં આવ્યું હતું. રકમ ભરવા માટેનો છેલ્લો દિવસ વીતી ગયો છે. મેદાન રાખનારે રકમ પાલીકમાં જમા કરાવેલ નથી, જેથી અધિકારીએ કહ્યું હતું કે, “મેદાન રાખનારે સોયલ ટેસ્ટ કરીને મેદાન આપવા માટે કહ્યું છે જેથી પાલિકા દ્વારેય સોયલ ટેસ્ટ કરાવી આપવામાં આવશે અને ત્યાર પછી પણ તે રૂપિયા ન ભારે તો શું તે પ્રશ્ન ઊભો થયેલ છે.
વાંકાનેર પાલિકા કચેરી ખાતે થોડા દિવસો પહેલા ચીક ઓફિસર ગીરીશ સરૈયા તથા વહીવટદાર અને મામલતદાર યુ.વી. કાનાણીની હાજરીમાં મેળાના મેદાન માટેની હરાજી કરવામાં આવી હતી ત્યારે સાત પાર્ટીઓએ તેમાં ભાગ લીધેલ હતો. અને 3.10 લાખની બેઝ પ્રાઇઝથી મેળાના મેદાનની હરાજી શરૂ કરવામાં આવી હતી. જેમાં ગ્લોબલ ડેવલપમેન્ટ દ્વારા 3.25 લાખ, અમરનાથ ટ્રેડર્સ દ્વારા 3.50 લાખ અને જય ગોપાલ ટ્રેડિંગ દ્વારા 18 લાખની બોલી બોલવામાં આવી હતી.
આ હરાજીમાં સૌથી ઊંચી બોલી જય ગોપાલ ટ્રેડિંગ દ્વારા લગાવવામાં આવતા મેળા માટેનું મેદાન પાલિકા દ્વારા જય ગોપાલ ટ્રેડિંગને આપવામાં આવ્યું છે. ચીફ ઓફિસર ગીરીશ સરૈયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, જેને મેદાન લાગેલ છે તેમના દ્વારા આ વખતે મેળા માટેના જે નિયમો બનાવવામાં આવેલ છે તેમાં સોયલ ટેસ્ટ કરાવાની છે, જે પાલિકા દ્વારા કરાવીને આપવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે; જેથી કરીને પાલિકા સોયલ ટેસ્ટ કરાવી આપશે. અને આ ટેસ્ટનો રિપોર્ટ આવે ત્યાં સુધી પાર્ટીને રકમ ભરવા માટેની મુદત આપવામાં આવશે.
સોયલ ટેસ્ટ પાલિકા કરાવી આપે ત્યાર પછી પણ જો પાર્ટી દ્વારા મેળાના મેદાન માટેની રકમ જમા કરાવવામાં નહીં આવે તો શું થશે? તેવા સવાલના જવાબમાં ચીફ ઓફિસરે જણાવ્યુ હતું કે, હરાજીમાં સૌથી ઊંચી બોલી અને ત્યાર પછીના ક્રમે આવતી બોલી વચ્ચે ઘણો મોટો ગાળો છે, જેથી કરીને સંસ્થાને આર્થિક નુકશાન થાય તેમ છે; જેથી કરીને મેળાના મેદાન માટે ફરીથી હરાજી કરવામાં આવે તેવી પણ શક્યતાને નકારી શકાય તેમ નથી. હવે જોવાનું એ રહ્યું કે, પાલિકા દ્વારા સોયલ ટેસ્ટ કરાવી આપવામાં આવે ત્યાર બાદ જેને હરજીમાં 18 લાખમાં મેળાનું મેદાન લાગ્યું હતું તેના દ્વારા રૂપિયા પાલિકામાં ભરવામાં આવે છે કે નહીં. ઉપરાંત જો સોયલ ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવે તો શું? એ સવાલનો જવાબ હવામાં લટકે છે…