સરવડ ભવાઈ મંડળ આગામી 11 તારીખે ગૌશાળાના લાભાર્થે નાટક ભજવશે
વાંકાનેર: હીરજી કેશવજી સરવડ ભવાઈ મંડળ આગામી 11 તારીખે નાના જડેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં પરંપરાગત ગૌશાળાના લાભાર્થે નાટક ભજવશે. મોરબી જિલ્લાના નાના જડેશ્વર મુકામે દાદા સદાશિવ મહાદેવના પ્રાંગણમાં ગાયોના ઘાસચારાના લાભાર્થે ભવાઈ મંડળ દ્વારા દર વર્ષની માફક તારીખ 11.9.23 ના રાત્રે 9 કલાકે ભવાઈ રજૂ કરવામાં આવનાર છે.
શ્રાવણ માસ દરમિયાન અહીં મહાદેવના નામથી ભંડારાનું આયોજન થાય છે. દર્શને આવનાર તમામને અહીં પ્રસાદરૂપી ભોજન પીરસવામાં આવે છે અને અહીં વર્ષોથી ગૌશાળા કાર્યરત છે. ખાસ ગોવાળ દ્વારા ઘાસચારો, પાણી અને સારવાર કરવામાં આવે છે.
સોમવારે રાત્રે ભારતભરમાં ખ્યાતિ પામેલા તેમજ ઈરાન, ઈંગ્લેન્ડની ધરતી પર પણ પોતાની આગવી ક્લા પાથરનારું હીરજી કેશવજી સરવડ ભવાઈ મંડળ છેલ્લા 118 વર્ષથી ભવાઇ કલાને જીવંત રાખવામાં મહત્તમ ફાળો આપી રહ્યું છે. દરેક ભક્તોને લાભ લેવા સરવડ ભવાઇ મંડળના નાયક ભરતભાઇએ ઇજન આપ્યું છે.