બંધ ફાટકથી સમય બગડવાને લીધે લોકો કંટાળી ગયા છે
વાંકાનેર રેલવે સ્ટેશને આવતી જતી કે અહીંથી પસાર થતી ટ્રેનોના કારણે માર્ગ પર આવતા ફાટક અવાર નવાર બંધ રહેતા લોકો પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. ખાસ કરીને મિલપ્લોટ કે વીશીપરાના લોકોને શહેરમાં આવવા જવા માટે દરેક વખતે વધારાનો અડધા કલાકનો સમય વેડફવો પડી રહ્યો હોઇ, અહીં રેલવે ફાટકે અંડર કે ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી લોકોની માગણી છે. વાંકાનેર શહેરનું રેલવે સ્ટેશન સૌરાષ્ટ્રનું મધ્યસ્થ સ્ટેશન ગણાય છે.
અહીંથી રાજકોટ , જામનગર , દ્વારકા , ઓખા , પોરબંદર , સોમનાથ સહિતના સ્થળોએ વાયા વાંકાનેર દરેક રેલવે પસાર થાય છે, જેના અનેક લાભાલાભ છે. શહેરીજનો માટે તેમજ ખાસ કરીને મિલ પ્લોટ , વિશિપરા સહિતના રેલવે જંકશન વિસ્તારના લોકો માટે રેલવે નહિ પરંતુ રેલવે પસાર થાય ત્યારે અવાર નવાર ફાટક બંધ કરવામાં આવતા હોવાથી આ રસ્તે નીકળતા રાહદારીઓ માટે રોકાવું ફરજિયાત બને છે. જેના કારણે વિદ્યાર્થીઓને શાળાએ જવાનો સમય બગડે તો અનેક ધંધાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
વધુમાં હાલ ઇલેક્ટ્રિક ટ્રેનો માટેની કામગીરી પૂર્ણતાને આરે છે ત્યારે ડબલ ટ્રેક પર દિવસભર અનેક ટ્રેનો પસાર થાય છે પરિણામે લોકોને દસ મીનીટના અંતરને પાર કરવા અડધો કલાક કે તેથી વધુ પણ સમય બગડે છે. લોકોની માંગ છે કે મિલ પ્લોટનાં ફાટક પર અંદર બ્રિજ કે ઓવર બ્રિજ બનાવવામા આવે તો લોકોની મુશ્કેલી દૂર થાય.