ટેબલ જામીન નહીં, જેલની હવા પાક્કી
સાતમ આઠમના તહેવાર અંતર્ગત સૌરાષ્ટ્રમાં જુગાર રમવાની પ્રથા વર્ષોથી ચાલી આવી રહી છે. ત્યારે જુગાર રમનારા વ્યક્તિઓ માટે ખૂબ માઠા સમાચાર સામે આવ્યા છે. ઇતિહાસમાં પ્રથમ વખત જુગાર રમનારા વ્યક્તિઓને ટેબલ જામીન ન મળીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે.
રાજકોટ ડીસીપી ઝોન 1ની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા રાજકોટના બેડી ગામથી હડમતીયા તરફ જવાના રસ્તે ઘોડીપાસાની કલબને ઝડપી પાડવામાં આવી હતી, કલબમાંથી ઝડપાયેલા શખ્સો સામે નવા ફોજદારી કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેના પગલે એક પણ આરોપીને આ કાયદા હેઠળ ઓન ટેબલ જામીન મળી શક્યા ન હતા.
પોલીસ દ્વારા જુગાર ધારાની કલમ 12 તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 112(2) હેઠળ ગુનો નોંધવામાં આવતા કોર્ટ દ્વારા તમામ આરોપીઓને જેલ હવાલે કરવાનું હુકમ સંભળાવવામાં આવ્યો છે. અત્યાર સુધી જુગારના ગુનામાં આરોપીને પોલીસ સ્ટેશનથી જમીન મળી જતા હતા. પરંતુ નવા કાયદા અંતર્ગત ભારતીય ન્યાય સહિતાની કલમ 112 (2) અંતર્ગત એક વર્ષથી લઈ સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.