પીપળીયા રાજના રિયાઝ કડીવારની નવી પહેલ
સિંહ પાંજરામાં રહીને પણ જંગલ જેવો શિકારી બનશે
જુનાગઢ સ્થિત સક્કરબાગ ઝૂ, જે એશિયાટિક સિંહોના સંવર્ધન માટે વિશ્વભરમાં જાણીતું છે. ત્યાં સિંહોની શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવી રાખવા માટે એક નવી અને અનોખી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જે રીતે માણસ પોતાના શરીરને ફીટ રાખવા માટે કસરત કરે છે. તે જ રીતે ઝૂના સિંહો પણ પાંજરામાં આળસુ ન બને અને જંગલની જેમ સક્રિય રહે તે માટે એક ખાસ ‘એનરીચમેન્ટ’ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. આ નવા પ્રયોગોથી સિંહોમાં નોંધનીય અને સકારાત્મક સુધારો જોવા મળ્યો છે.
સક્કરબાગ ઝૂના વેટરનરી ઓફિસર રિયાઝ કડીવારે આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય એશિયાટિક લાયનના સંવર્ધન માટે જાણીતું છે. જેમાં ખાસ કરીને વાઇલ્ડ એનિમલ બ્રીડિંગ કરવામાં આવે છે. જ્યારે કોઈ પણ વન્ય પ્રાણીને જંગલ (વાઇલ્ડ અવસ્થા) માંથી કેપ્ટિવિટી (પાંજરા) માં લાવવામાં આવે છે. ત્યારે તેના સ્વભાવ અને ક્રિયાઓમાં ઘણા ફેરફારો થાય છે. પાંજરામાં બંધ રહેવાથી સિંહો આળસુ બની જાય છે. તેમની શારીરિક અને માનસિક નબળાઈ વધે છે. અને તેમનું કુદરતી વર્તન બદલાઈ જાય છે. આ નકારાત્મક અસરને ઓછી કરવા અને તેમની જરૂરિયાત મુજબ આસપાસનું વાતાવરણ ઊભું કરવા માટે ‘‘એનરીચમેન્ટ’’ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ ક્રિયામાં પ્રાણીઓને કુદરતી અવસ્થામાં જેવી સગવડો મળે છે. તેવી જ સગવડો અહીં ઊભી કરવામાં આવે છે. જેથી તેઓ અનુભવી શકે કે પોતે કુદરતી વાતાવરણમાં જ ઉછરી રહ્યા છે.
1. શારીરિક અને વાતાવરણીય એન્ગ્રીસમેન્ટ:
જંગલમાં જેવું કુદરતી વાતાવરણ હોય, તેવું અહીં ઊભું કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. જેમાં સિંહોને ઊંચા વિસ્તારમાં રહેવાનું વધુ પસંદ હોય છે. જ્યાંથી તેઓ આસપાસનો તમામ વિસ્તાર મોનિટર કરી શકે. આ જરૂરિયાતને પૂરી કરવા માટે, ઝૂ દ્વારા લાકડામાંથી બનાવવામાં આવેલા અલગ-અલગ ઊંચાઈના પ્લેટફોર્મ (બેંચ) તૈયાર કરીને મૂકવામાં આવ્યા છે. સિંહો આ પ્લેટફોર્મ પર બેસી શકે છે. જેથી તેમનું કુદરતી વર્તન બદલાય નહીં અને તેમની માનસિક ક્ષમતામાં વધારો થાય. આસપાસ ઘાસ, પ્લાન્ટ અને પાંદડાઓ મૂકીને તેમને નૈસર્ગિક જગ્યામાં હોવાનો અનુભવ કરાવવામાં આવે છે. ઉપરાંત, જંગલમાં સિંહો ઝાડના થડ સાથે પોતાના પંજાઓ ઘસતા હોય છે. આ જ પ્રકારની ક્રિયા અહીં પણ ઊભી કરવામાં આવે છે. જેથી સિંહો પૂરી રીતે આનંદ માણી શકે.
2. ખોરાક સંબંધિત ‘એનરીચમેન્ટ’:
જંગલમાં સિંહોને શિકાર માટે મહેનત કરવી પડે છે. જ્યારે અહીં રૂમમાં તેમને સરળતાથી ખોરાક મળી જાય છે. ત્યારે તેઓ તેની અવગણના ન કરે તે માટે વિશેષ પદ્ધતિ અપનાવાય છે. સિંહો આળસુ ન બને અને સક્રિય રહે તે માટે ઝાડ સાથે રબરની દોરી, દડો કે પછી ખોરાક એવી રીતે બાંધીને કે સંતાડીને રાખવામાં આવે છે.ખોરાકને ગમે ત્યાં સંતાડી દેવામાં આવે છે અને તેની ખુશ્બુ વડે પ્રાણીઓ જાતે જ તેનો ખોરાક શોધી કાઢે છે.આ પ્રવૃત્તિ દ્વારા સિંહ ખોરાક પકડવા માટે મહેનત કરે છે અથવા તેની સાથે રમે છે. આ પ્રક્રિયાથી સિંહની શારીરિક અને માનસિક શક્તિમાં વધારો થાય છે અને તેઓ પ્રવૃત્તિમય રહે છે
3. ગંધ પારખવાની શક્તિનું એન્ગ્રીસમેન્ટ:
પ્રાણીઓમાં શારીરિક અને માનસિક વિકાસની સાથે સાથે તેમની ગંધ પારખવાની શક્તિનો પણ વિકાસ થાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જંગલમાં સિંહો અલગ-અલગ પશુઓના પંજાઓ કે ઝાડ સાથે ઘસાયેલા પશુઓને સૂંઘીને શિકાર શોધતા હોય છે. આજ ક્રિયા સિંહો માટે અહીં ઝૂ માં પણ આપવામાં આવે છે. તેમની ગંધ પારખવાની શક્તિનો વિકાસ થાય તે માટે અલગ અલગ બીજા પ્રાણીઓના મળમૂત્ર મૂકવામાં આવે છે. આનાથી સિંહોને એ જાણકારી મળી શકે કે ખોરાક કેટલી દૂર છે અથવા તેમના વિસ્તારમાં કોઈ અન્ય પ્રાણી આવી ચડ્યું છે કે કેમ. આ પ્રકારની ગતિવિધિથી પ્રાણીઓમાં માનસિક સ્વચ્છતા આવે છે.
4. સામાજિક ‘એનરીચમેન્ટ’ અને બ્રીડિંગ:
બ્રીડિંગ કેપેસિટીમાં વધારો થાય તે માટે ચોથા પ્રકારનું ‘એનરીચમેન્ટ’ તેના સ્વભાવને લગતું છે. સિંહ અને સિંહણ વચ્ચેના મીટિંગ ટાઈમ દરમિયાન જે બ્રીડિંગ થાય તે ઉચ્ચ કક્ષાનું બને તે માટે ખાસ ધ્યાન રખાય છે.નર અને માદા જે એકબીજાના સ્વભાવને અનુકૂળ હોય તેવા પ્રાણીઓને જ સિલેક્ટ કરવામાં આવે છે.એકબીજાને અનુકૂળ ન રહેતા નર અને માદામાં ઘણી વખત ઘર્ષણ ઊભું થતું હોય છે. જે બ્રીડિંગની પ્રક્રિયાને અસર કરી શકે છે.આ તમામ બાબતો પર ધ્યાન દેવાથી સિંહોની બ્રીડિંગ કેપેસિટીમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
આમ, જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ‘એનરીચમેન્ટ’ નામના પ્રોગ્રામથી સિંહોમાં નોંધનીય ફેરફાર જોવા મળ્યો છે.
5. સ્વચ્છતા અને ઝૂના નિયમો:
સિંહોના ફિટનેસ પ્રોગ્રામની સાથે સાથે, સક્કરબાગ ઝૂમાં સ્વચ્છતા અને પર્યાવરણને અનુલક્ષીને સખ્ત નિયમો લાગુ કરાયા છે.ઝૂમાં આવતા તમામ પ્રવાસીઓને પ્લાસ્ટિક બેગ, પાન-માવા કે ધૂમ્રપાન ન કરવા માટે સ્પષ્ટ નોટિસ લગાવવામાં આવી છે.ઝૂમાં કામ કરતા કર્મચારીઓને પણ પાન-માવા ખાવાની સખ્ત મનાઈ ફરમાવી દેવાઈ છે. જેથી સ્વચ્છતા જળવાઈ રહે. સક્કરબાગ ઝૂના સત્તાધીશો આગામી સમયમાં પણ ઝૂના વિકાસ અને પ્રાણીઓની સંભાળ માટે આવા નવા-નવા આયોજનો હાથ ધરવા માટે કટિબદ્ધ છે તેવું જુનાગઢ સક્કરબાગ ઝૂના આરએફઓ નીરવ કુમારે જણાવ્યું.
